પ્રતિબિંબ
પ્રતિબિંબ


મયુરી પોતાના પતિ મયુરને સરપ્રાઈઝ આપવાની હતી, મનગમતી રેસ્ટોરન્ટમાં લંચ માટે શણગાર સજી રહી હતી, મોરપીછ રંગની સાડી, માથામાં વેણી, હાથમાં બંગડીઓ, કાનમાં લટકતાં ઝુમખા, ગળામાં માળા તેના રૂપને અનેરો નિખાર અર્પી રહ્યા હતાં. સામે સોનેરી બોક્સમાં મોતીઓની માળા, બાજુમાં સિંદુર, અત્તરની બાટલી, તેના મનગમતા શણગાર..
મયુરી દર્પણ સામે પોતાના પ્રતિબિંબને નિહાળતી હતી, અને યાદ કરી રહી હતી, ગઈ કાલે રાત્રે થયેલ ધામધુમથી ઉજવણીના અવસરની, લગ્નજયંતીના પ્રથમ દશકની પુર્ણતા. બધા શુભેચ્છકોએ 'જોડી નં. ૧' 'પ્રેમી પંખીડા' 'શ્રેષ્ઠ દંપતી' જેવા સુંદર ખિતાબથી બન્નેને નવાજ્યા હતા. સુંદર આયોજનના ખુબ વખાણ કર્યા હતા.
બહારથી ખુશ દેખાતી મયુરી પોતાની બધીજ ફરજો પ્રેમપૂર્વક અદા કરીને આદર્શ વહુ બની ગઈ હતી. પરંતુ માતાનું બિરુદ નહોતું મળ્યું. એક ખાલીપો.. મયુરે મયુરીને બધાજ માન સન્માન આપ્યા હતા, પરંતુ તેની પ્રેયસી મોનાના સંપર્કમાં હતો. મયુરને હતું કે આ બાબતથી બધા અજાણ છે, પરંતુ મયુરી ઘર પરિવારની પ્રતિષ્ઠા ખાતર ચૂપ હતી. મનમાં તો જ્વાળામુખી ભભુક્યા કરતો હતો. સાસુમાનો દરેક બાબતે ખુબ સહકાર હતો.
આજના મયુરીના આ નવા શણગારના અંદાઝથી મયુરને નવાઈ લાગી. પરંતુ કંઈ બોલ્યા વિના સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક તેના હાવભાવ બદલાયા, અને ત્યાંથી નીકળી ગયો. મયુરીએ એ જ સમાચારપત્રમાં વાંચ્યું, અકસ્માતમાં થયેલ યુવતીનું નિધન...નામ વાંચીને મયુરીના ચહેરા પર અફસોસ સાથે દુઃખદ મલકાટ છવાઈ ગયો, સામે ઊભેલા સાસુમા સામે અર્થપૂર્ણ હાસ્ય વેર્યું અને દર્પણમાં પોતાના દોહરા સ્વરૂપને પ્રતિબિંબ રૂપે નિહાળ્યું અને છુટકારાની લાગણી અનુભવી. મયુરીએ મયુરને બહુજ મોટી સરપ્રાઈઝ આપી.