શશીની ચાંદની
શશીની ચાંદની
"શશી, ક્યાં છે તું ? જો આ તારી ચાંદની, તારી પ્રતીક્ષા કરી રહી છે. તેં મને કહ્યું હતું ને, ચાંદની બનીને મને મળવા આવજે."
નાની બહેન રીનાનો અવાજ સાંભળીને પુજાની આંખમાં આંસુ આવી ગયા. પતિ પરેશ પાસે હૈયું ઠાલવતા કહ્યું," પરેશ, રીનાની આ માનસિક હાલત હવે નથી સહેવાતી. ક્યારે આ સદમામાંથી બહાર આવશે ?"
પરેશ સાંત્વના આપતા પૂજાને કહ્યું, "ધીરજ રાખ પુજા, સમય સહુથી મોટો સધિયારો છે. ડોક્ટરે પણ કહ્યું છે ને, રીના ઠીક થઈ જશે."
"પણ પરેશ, રીનાને કેવી રીતે વાસ્તવિકતા કહીશું કે, શશી હવે આ દુનિયામાં નથી. આ તારો ઇંતજાર કાયમનો...." પુજાને ગળે ડૂમો ભરાઈ ગયો.
" પુજા, હિંમતથી કામ લે. એ દિવસનો અકસ્માત....."
"પરેશ, કેટલા ખુશ હતાં રીના અને શશી. શશીના કહ્યાં મુજબ રીનાએ ચાંદની શા સાજ શણગાર સજ્યા હતાં. બંને પૂનમની રાતે ચાંદનીની રોશનીમાં પ્રેમસફર માણવા નીકળ્યા હતાં. અને એમની બાઈકનો અકસ્માત... યાદ આવતાં જ ધ્રૂજી જવાય છે.
અને હવે રીનાને આમ જોઉં છું તો થાય છે કે એને તો ખબર જ નથી કે હવે એ શશીની આંખોથી દુનિયાને નિહાળી રહી છે. રીનાનો માસુમ ચહેરો, આંખોમાં પ્રેમભરી પ્રતિક્ષા, હોઠો પર નિર્દોષ મલકાટ, માથે ઓઢેલી ચાંદનીસી શ્વેત ઓઢણી."
"પુજા, રીના તો જીવી રહી છે શશીની ચાંદની બનીને."
"પરેશ, સાચી વાત છે. આ દુનિયાથી બેખબર રીનાની
દુનિયા એટલે 'શશીની ચાંદની' !