STORYMIRROR

divya jadav

Romance Tragedy

4  

divya jadav

Romance Tragedy

સંગાથ

સંગાથ

7 mins
421

  "ચેતન હવે તો કામ મૂકો !" રિચાએ બેડરૂમમાં પ્રવેશતા, પતિ ચેતનને ટકોર કર્યો. ચેતન એના કામમાં ખોવાયેલો હતો. એણે રિચા પર ધ્યાનનાં આપ્યું. 

"ચેતન હું તમને કહી રહી છું."રિચા, ચેતનની પીઠપાછળ ગળે વીંટળાઈને બોલી.

"બોલ, શું જોઈએ તારે !"ચેતન લેપટોપમાં ટાઈપ કરતો બોલ્યો.

"તમે !,આજે તમારો સાથ જોઈએ મારે." 

"છોડ મને, કામ કરવા દે ! "ચેતને રિચાનો હાથ પોતાના ગળેથી છોડાવતા કહ્યું.

"ચેતન, કાલેતો તમે બેંગલોર ચાલ્યા જશો. તમારી આજની રાત મને આપશો."રિચાએ, ચેતનના વાળમાં હાથ ફેરવતા કહ્યું.

"રિચા તું જાણે છે ને ? આ પ્રોજેક્ટ મારા માટે કેટલો મહત્વનો છે. આ પ્રોજેક્ટથી આપણી લાઇફ બની જશે. " 

"ખબર છે ! કહેવાની જરૂર નથી."રીચાએ રુક્ષતા પૂર્વક કહ્યું.

"તો પછી તું આવી વાહિયાત વાતો કરી મારો ટાઇમ ખરાબ કરમા ! "કહી ચેતન ફરી લેપટોપમાં ઘૂસી ગયો.

  રિચા બેડ પર ઓશીકું માથાની ઉપર રાખી, આંસુ સારવા લાગી. એને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા. 

 જ્યારે બંને એક જ ઓફિસમાં નોકરી કરતા હતા. એક પ્રોજેક્ટ પર સાથે કામ કરતા કરતા બંનેનાં દિલપણ એક થઈ ગયા.પછી તો જિંદગીના ગોલ્ડન સમયને માણતાં બંનેએ પરણવાનો નિર્ણય લીધો. 

રિચાના, માતાપિતાનું એક દુર્ઘટનામાં અવસાન થઈ ગયું હતું. એટલે રિચા, હોસ્ટેલમાં રહેતી હતી. અને ચેતન, એના માતાપિતા સાથે રહેતો હતો. ચેતન, એક દિવસ રિચાને પોતાની ઘરે લઈ ગયો. ત્યાં તેણે રિચાની ઓળખાણ પોતાના માતાપિતા સાથે કરાવી. ચેતને સાફ શબ્દોમાં એના માતાપિતાને કહી દીધું . "હું રિચા સાથે જ પરણવાનો છું. "

  પરંતુ ચેતનની માએ પણ એક શરત મૂકી."રિચા ભલે આ ઘરની વહુ બને એમાં મને કોઈ વાંધો નથી. રિચા, ડાહી અને સંસ્કારી છોકરી છે, તે હું જાણું છું. મારી એક શરત છે, કે રિચા નોકરી નહીં કરે." 

મા ની વાત રિચાએ સહર્ષ સ્વીકારી લીધી. એ પરણીને ઘરમાં આવી, સાસુ સાસરા, તેને ખૂબ પ્રેમ કરતા હતા. રિચાને પણ એના સાસુ સસરામાં પોતાના માતાપિતાની છબી દેખાતી હતી. અને પતિ ચેતનતો, એને પાંપણોમાં, બેસાડીને રાખતો હતો. એનું જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું.

  ચેતનની કંપની એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. આ પ્રોજેક્ટનો ઇન્ચાર્જ ચેતન હતો. એટલે સ્વાભાવિક પણે કામનો બોજ પણ વધારે જ રહેવાનો. રિચા આ વાતને સમજતી હતી. પરંતુ ક્યારેક ચેતન ઘરે હોવા છતાંય, એ એનાથી દૂર છે. તે અહેસાસ રિચાને ભયભીત કરી મૂકતો. રિચા, ચેતન પાસે પોતાના માટે થોડો સમય માંગતી, પરંતુ જેમ જેમ પ્રોજેક્ટ પૂર્ણતાની આરે હતો. તેમ તેમ ચેતનને સમય ઘટી રહ્યો હતો.

રિચા ઘણી વખત ચેતન સાથે વાત કરવાની કોશિશ કરતી. પરંતુ ચેતન, "રિચા, બેબી આ પ્રોજેક્ટ મારી કરિયર માટે કેટલો ઇમ્પોટન્ટ છે. તું જાણે છે ને ?"કહી રીચાની વાત ટાળી દેતો હતો.

  રિચા તંદ્રા માથી બહાર આવી.

 ઓશીકું ઊંચકાવી સામે જોયું, તો ચેતન ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. મીઠી નિંદર માણી રહેલા ચેતન તરફ રિચા એકીટસે જોઈ રહી."કેવો લાગી રહ્યો છે !. કાલેતો એ અઠવાડિયા માટે બેંગલોર જશે, આજે મનભરીને એને માણવા દે."રિચા મનોમન ચેતનને આંખોથી પી રહી હતી.

સવારે રિચા વહેલી ઊઠી, ચેતનનો મનપસંદ નાસ્તો તૈયાર કર્યો. ચેતનની બેગ પેક કરી. એનો રૂમાલ, વોલેટ, એકએક ચીજ સંભાળીને મૂકવા લાગી. બન્નેએ સાથે નાસ્તો કર્યો. 

"રિચું, સોરી ! હું સમજુ છું. તારી તકલીફ પરંતુ તું પણ મને સમજવાનો પ્રયત્ન કર."ચેતન, રિચાનો હાથ પોતાની હથેળીમાં લઈ એના હાથને ચૂમીને બોલ્યો. 

"ચેતન, મારે તારી સાથે આવવું છે !"રિચાએ ધડાકો કર્યો. 

"હું,ત્યાં ફરવા માટે નથી જઈ રહ્યો."ચેતન, ગુસ્સામાં બોલ્યો. જોતજોતામાં પ્રેમભરી ક્ષણ, ઝઘડામાં બદલાઈ ગઈ. બંને વચ્ચે થઈ રહેલી બોલાચાલીએ ઉગ્રરૂપ પકડ્યું. ને ચેતને સટ્ટાક કરતો તમાચો રિચાના ગાલ પર ધરી દીધો. રિચા ટેબલ પર માથું ઢાળી રડવા લગી. અને ચેતન પોતાનો સમાન લઈ ચાલતો થયો.

  ચેતનને બેંગલોર જતો જોઈ રિચા તેની પાછળ દોડી, પરંતુ ચેતન એપાર્ટમેન્ટની નીચે ઉતરી ગયો હતો. રિચાએ બારીમાંથી બહાર ડોકિયું કર્યું. ચેતન ટેક્ષીની રાહે ઊભો હતો. ચેતને પોતાના ફ્લેટ નજર નાંખી. પહેલા માળે રહેતા હોવાથી ચેતનને રિચાનો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. થપ્પડથી રિચાનાં લાલ થયેલ ગાલ જોઈ ચેતનનું મન સહેજ ડગ્યું. પરંતુ ફરી મન મક્કમ કરીને એ રોડ પર ઊભો રહી ગયો. બારીમાંથી, રિચા બહાર હાથલાંબો કરી, ચેતનને રોકી રહી હતી. એ ચેતનને કઈક કહેવા માંગતી હતી. પરંતુ ચેતન ટેક્ષીમાં બેસી નીકળી ગયો હતો.

  બેંગલોર પહોંચી પ્રેઝન્ટેશનની તૈયારીમાં ખોવાયેલ ચેતન રિચાના ફોનને ભાગ્યેજ ઉપાડતો. આમ સાતદિવસ વીતી ગયા. ચેતનનું કામ સફળતાથી પતી ગયું. ને ચેતનને પ્રમોશન પણ આપવામાં આવ્યું. ચેતનને કંપનીનો સી. ઈ. ઓ. નું પદ આપવામાં આવ્યું. ચેતન આ ખુશખબર વહેલી તકે, રિચાને આપવા માંગતો હતો. આ સમાચાર એની સામે એની બાહોમાં બાહ નાંખી કહેવા માંગતો હતો. "ત્રણ મહિનાનાં રિચાનાં રહી ગયેલા તમામ સપનાઓ પુરા કરીશ. રિચાને એની ફેવરિટ જગ્યા સિમલા ફરવા લઈ જઈશ". એણે મુંબઈની પહેલી ફલાઇટ પકડી. ચેતન, રિચાને સરપ્રાઈઝ આપવા માટે અધીરો બની ગયો. 

 મુંબઈ પહોંચી ચેતને ઘર માટે ટેક્ષી પકડી. ચેતનને હવે રિચાને મળવાની તાલાવેલી લાગી હતી. ઘરે પહોચ્યો તો, ઘરે તાળું માર્યું હતું."મમ્મી પપ્પા, અને રિચા ત્રણેય ક્યાં ગયા હશે !?"ચેતને મનમાં વિચાર કર્યો. ચેતને પહેલો ફોન રિચાને જોડ્યો. 

"હા,બેટા મા બોલું"સામેથી ચેતનનાં મમ્મીનો અવાજ હતો.

"મમ્મી ક્યાં છો બધાં ?"

"બેટા, રિચાની તબિયત ઠીક નથી. એને હોસ્પિટલમાં દાખલ કરી છે. તું અહી સિટી હોસ્પિટલે આવી જા."ચેતનના મમ્મીએ ભારેશાદે કહ્યું.

"સિટી હોસ્પિટલ એ તો !, હું આવું છું." ચેતન દોડયો. ફરી એ જ ટેક્ષી પકડી, સિટી હોસ્પિટલે પહોંચ્યો. હોસ્પિટલની બહાર ચેતનના પિતા ચેતનની રાહ જોતાં ઊભા હતા.

"પપ્પા, રિચાને અહીયા ! " 

"બેટા, રિચાની તબિયત નાજુક છે. બિચારી કોરીનાની ઝપેટમાં આવી ગઈ છે. તને કેટલા ફોન કર્યા પણ, તારો ફોન સ્વીચ ઓફ જ બતાવી રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી એ અહીયા દાખલ છે. 

ડોક્ટરનું કહેવું છે કે એનું ઑક્સિજન લેવલ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. " 

"હું મળી આવું રીચાને. "ચેતનની આંખોમાં આંસુ થંભવાના નામ નહોતા લઈ રહ્યા. એને રિચનો છેલ્લો ફોન યાદ આવ્યો. 

"ચેતન, મારી તબિયત ઠીક નથી, સખત તાવને ખાસી છે. હું તને એક સરપ્રાઈઝ આપીશ. તું વહેલો આવી જા" ચેતને રિચાના ફોનથી કંટાળી છેલ્લા ચાર દિવસથી ફોનને સ્વીચ ઓફ રાખેલો !.

 ચેતને હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. સામે મમ્મી રડી રહી હતી. ચેતનને જોઈ બોલી."દીકરા તને ખબર છે. તું બાપ બનવાનો છે !" 

"ઓહ ! તો રિચા મને આ વાત કહેવા માંગતી હતી. રિચાને આ પળ મારી સાથે જીવવી હતી. ને હું એને સમજી ના શક્યો."ચેતન,મનથી ભાંગી પડ્યો.

"ક્યાં છે રિચા ?"ચેતને એની મમ્મીને પૂછ્યું.

"ત્યાં અંદર નથી જવા દેતા, તને અંદરનાં વોર્ડબોયના નંબર આપું છું. વિડ્યો કૉલ કરીને જોઈ લે તારી રિચાને. "

ચેતને વિડ્યો કોલ કર્યો. વોર્ડ બોય,રિચા, સામે ફોન રાખી ઊભો રહી ગયો. "રિચુ, હું આવી ગયો, જો તારી પાસે. વાત કર મારી સાથે કેમ બોલતી નથી તું ?. જો મમ્મીએ મને ખુશ ખબર આપી. આપણે આ પળને માણવાની છે. તું હિંમત રાખજે."

સામે ચેતનને જોઈને લાંબા શ્વાસ ભરતી રિચાએ પોતાનાં બંને હાથ લાંબા કર્યા. એ ચેતનને પોતાના બાહુપાશમાં સમાવવાં માંગતી હતી. પરંતુ કઈ બોલીનાં શકી, એ પોતાના બંને હાથ લાંબા કરી ચેતનને પોતાની પાસે બોલાવી રહી હતી. રિચાએ હાથને પોતાના પેટ પર ફેરવ્યો. રિચા ઇશારાથી પોતે મા બનવાના સમાચાર આપી રહી હતી. 

"તને સારું થઈ જશે. જો હું આવી ગયો તારી પાસે. હવે તને ક્યારેય દુઃખી નહીં કરું."ચેતન, હીબકાં ભરતો બોલી રહ્યો હતો.

"સાહેબ, પેશન્ટને હવે આરામ કરવા દો."વોર્ડબોયે ચેતનને કહી, પછી ફોન કાપી નાંખ્યો.

  ચેતન એની મમ્મીને વળગી ખૂબ રડ્યો. મારી રિચાને જ્યારે મારી જરૂર હતી ત્યારે જ હું ના રહ્યો. આજે મારે એની સાથે મન ભરી વાતો કરી છે. પણ એ આવી હાલત માં. હું એની પાસે જઈ પણ નથી શકતો. કે એનું મોઢું પણ નીરખી નથી શકતો. મમ્મી, હું મારી રિચાને ખોવા નથી માંગતો." 

"બેટા, રિચાને તો અમે પણ એટલીજ પ્રેમ કરીએ છીએ. ભરોસો રાખ, રિચા જલ્દી ઠીક થઈ જશે."

"અમે અહીયા છીએ, તું ઘરે જઈ થોડો આરામ કરી લે ! થાક્યો હોઈશ"ચેતનનાં પપ્પાએ કહ્યું.

"ના, પપ્પા હું અહી રહીશ. તમે અને મમ્મી જાવ"

દીકરાની વાત સાંભળી ચેતનનાં મમ્મી પપ્પાએ પણ ઘરે જવાનો વિચાર માંડી વાળ્યો. આજે દીકરાને એના સાથની જરૂર હતી. રાત વિતી ગઈ. ચેતન એક મટકું પણ માર્યા વગર સતત જાગતો રહ્યો. એક જ વિચાર,ક્યારેય એકલી ના રહેતી રિચાનો આ બીમારીમાં સાથ આપવા તેની પાસે કોઈ નથી. પળેપળે ચેતન ધ્રૂજી ઉઠતો હતો.

 વહેલી સવારનાં ચાર વાગ્યા. મમ્મીના ફોનની રીંગ વાગી. મમ્મીએ ફોન ઉપાડ્યો. ને વાત કરી. મમ્મીનો ઝાંખો પડી ગયેલો ચહેરો જોઈ ચેતન જમીન પર ઢળી પડ્યો. 

"દીકરા, હિંમત રાખ. રિચા આપણી વચ્ચે નથી રહી."

 ચેતન, રિચાનાં નામની ચીસો પાડતા બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે મમ્મી એ કહ્યું. 

"ચેતન,રિચાને કોરોના હોવાથી આપણને એની બોડી નહીં સોંપે, લે આ કીટ પહેરી લે, ને છેલ્લી વખત જોઈ આવ તારી રિચાને !"મમ્મી ડૂસકું ભરતા બોલી.

  ચેતન કીટ પહેરી, મડદાઘર બાજુ જવા લાગ્યો. એના પગ આગળ ચાલવા માટે તૈયાર નહોતા થતા. પરંતુ પગને ઢસડતો ચેતન, આગળ વધી રહ્યો હતો.

વોર્ડ બોય, ચેતનને રીચાના શરીર પાસે લઈ ગયો. પ્લાસ્ટિકમાં વીંટળાયેલું રિચાનું શરીર જોઈ,ચેતન નીચે નમ્યો, રિચના પેટ પર હાથ ફેરવતા ચેતન બોલ્યો.

  "આઈ લવ યુ રિચા ! મને માફ કરી દે ! તારી સાથે, ના રહેવા બદલ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. બોલ મારી સાથે ઝઘડ, હું સાંભળું છું. લે ! એક વાર બોલ, "પરંતુ સામે રિચાનો ફિક્કો પડેલ ચહેરો મરક મરક મલકાઈને કહી રહ્યો હતો.

"ચેતન, સમય આપણા હાથમાંથી છૂટી ગયો."


Rate this content
Log in

Similar gujarati story from Romance