Nirali Shah

Abstract

4.3  

Nirali Shah

Abstract

સંભવામિ યુગે યુગે

સંભવામિ યુગે યુગે

2 mins
388


જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનું સામ્રાજ્ય છવાઈ જાય છે,ધર્મનો ક્ષય થાય છે, ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા, ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.

પણ હે શ્રીકૃષ્ણ! મને લાગે છે કે આ વખતે તો તમે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું જ ભૂલી ગયા છો. આ ઘનઘોર કળિયુગ જે પૃથ્વી પર ચાલી રહ્યો છે, તે કદાચ તમને દેખાતો જ નથી.

હે કાન્હા ! હવે તમારે પૃથ્વી પર અવતાર ધારણ કરવા માટે કોની રાહ જોવાની છે ? કોરોનાની મહામારીમા લોકો ઇંજેક્શન અને દવાનો કાળાબજાર કરતા પણ અચકાયા નથી ! એ શું ધર્મનું પતન નથી ? પોતાના જીવ ને જોખમમાં મૂકીને દર્દીઓના જીવ બચાવનાર, તેમને સાજા કરનાર ડોકટરો પર દર્દીઓ નાં સગા જ જ્યારે હાથ ઉપાડે છે, ત્યારે તમને એવું નથી લાગતું કે માનવતા મરી પરવારી છે ? અરે નટવર ! સ્ત્રી છ મહિનાની બાળકી હોય કે ૬૦ વર્ષની વૃદ્ધા, બળાત્કારનો ભોગ તો બંને બને છે. આ શું ધર્મ ઉપર અધર્મનો વિજય નથી ?

એકતરફ પોતાને જન્મ આપનાર માવતર ને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનારા સંતાનો છે તો બીજીબાજુ પોતાની જ દીકરીને ભૂખ - ગરીબી ને કારણે પૈસા માટે વેચી દેનારા મા - બાપ પણ છે. હે ગિરિધર ! આ બધું જોઈ ને તમારું દિલ નથી કકળી ઊઠતું ?

આજે ધનવાન ગરીબનાં પેટ પર લાત મારી ને વધુ ધનવાન બનતો જાય છે, જ્યારે બિચારો ગરીબ બે ટંકનાં ભોજન માટે તરસી જાય છે, ત્યારે હે મુરારિ ! તમને દયા નથી આવતી તેમની ઉપર ? કે પછી તમે લોકોની આજીજી ને વિનંતી ને અવગણવાનું ચાલુ કરી દીધું છે ! આજે કળિયુગમાં બધાને તમારા બતાવેલા રસ્તા પર ચાલવું છે પણ ફક્ત રાસલીલા કરવા માટે, નીતિ કે સંયમ કે પછી સત્ય - ધર્મ માટે નહિ. તો શું તમારી જવાબદારી નથી બનતી રણછોડરાય, કે તમે એ બધા ભાન ભૂલેલાની સાન ઠેકાણે લાવો ?

હે જગનનાથ, તમે જ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું હતું ને કે," જ્યારે, જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે, ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું. સજ્જનોની રક્ષા, દુષ્ટો નાં વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહ્યો છું.

મને લાગે છે કે નંદલાલા ! તમે તમારા જ કહેલા શબ્દો ભૂલી ગયા છો, કાં તો પછી આ યુગને ગુપચાવવા માંગો છો.પણ શું કામ? મારી તમને બે હાથ જોડીને વિનંતી છે દ્વારકાધીશ! કે હવે તો તમે પૃથ્વી પર અવતાર ધારણ કરો ને ધર્મનો નાશ થતો અટકાવો. અને હા, જો તમારે તમારી શેષનાગની શૈયામાંથી બહાર ના આવવું હોય, હે લક્ષ્મીનારાયણ ! તો તમારા ભક્તજનો એવા અમને એટલું બળ અને શક્તિ આપો કે અમે ધર્મની રક્ષા કરી શકીએ, અમને એવા સદમાર્ગે વાળો કે અમે કળિયુગ ને ધીરે ધીરે સતયુગ તરફ લઈ જઈ શકીએ.

અંતે,ફરીથી યાદ કરાવું છું શામળિયા તમારા શબ્દો,

પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ,

ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.

જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract