Shobha Mistry

Abstract Inspirational Others

3  

Shobha Mistry

Abstract Inspirational Others

સંભારણાં

સંભારણાં

3 mins
149


૨૦૨૨નું વર્ષ ખૂબ બધી યાદો અને સંભારણાંભર્યું રહ્યું. અનેક મિત્રો અને પરિચિતો સાથે રૂબરૂ મુલાકાત થઈ. શબ્દ વાવેતરના પાયાની ઈંટ સમા પિનાકિનભાઈ તથા કિરણબેન સાથેની રૂબરૂ મુલાકાતથી હૈયે ખૂબ આનંદ થયો. શબ્દ વાવેતર ગ્રુપના એક એડમીન તરીકે ગદ્ય નિર્ણાયક બની ઘણું શીખવા મળ્યું. નિર્ણાયકની કામગીરી કરતાં કરતાં જાણે હું પણ કંઈક નવું નવું શીખતી ગઈ. કેટલાયે નવાં મિત્રો સાથે પરોક્ષ રીતે મુલાકાત અને ઓળખાણ થઈ. દિલને આનંદ આનંદ થઈ ગયો.

વર્ષ ૨૦૨૨ જોતજોતાંમાં વીતી ગયું અને રૂમઝૂમ કરતું નવ વર્ષ ૨૦૨૩નું નવલું પ્રભાત આવી ગયું. ત્યારે પાછળ ફરીને જોતાં લાગે છે ગત વર્ષ કેટલી ઝડપથી પસાર થઈ ગયું. કંઈક ખાટાંમીઠાં સંભારણાંથી જીવન જાણે ભર્યું ભર્યું લાગે છે.

વીતેલાં સમયના અનેક સંભારણાંથી કોને સંભારુ અને કોને વિસારું તે એક મીઠી સમસ્યા હોય એવું લાગે છે. વીતેલાં સમયમાં અનેક નવાં મિત્રો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુલાકાત થઈ. એમની સાથેની વાતો વાગોળવી ગમે એવી છે. ફરી ફરી એ મિત્રો જે હવે સ્વજનો બની ગયાં છે તેમને મળવાને મન આતુરતા અનુભવે છે. સાથે સાથે એક હૈયાધારણ પણ છે કે સૌને થોડાં સમયમાં જ ફરી મળી શકાશે.

જુલાઈ ૨૦૨૨માં દુબઈથી ભારતની મુલાકાત દરમિયાન એક સ્વાનુભવ એવો થયો કે જીવ અધ્ધર થઈ ગયો હતો. સખત વરસાદમાં અમે વડોદરા વેવાઈના ઘરે ફસાઈ ગયાં હતાં. ત્યાં જ મારા પતિ કિશોરની હાલત થોડી થોડી બગડવા લાગી હતી. એટલે અમે ગાડી કરી અમારા વતન બિલીમોરા આવવા નીકળ્યાં, રસ્તામાં જ એમને તકલીફ વધી ગઈ. એટલે અમે ત્યાંથી જ મારી દીકરીને ફોન કર્યો. એણે અમારા ડૉક્ટરનો સંપર્ક કરી તાત્કાલિક ચીખલીની હૉસ્પિટલમાં દાખલ થવા તજવીજ કરી.

ચીખલી સ્પંદન હૉસ્પિટલમાં ડૉકટરે કહ્યું કે બ્રોન્કાટિસનો એટેક છે. શ્વાસ પણ ન લેવાય એવી ખરાબ હાલત થઈ ગઈ હતી. એમને તરત જ આઈ.સી.યુ.માં દાખલ કરી ઑક્સિજન પર મૂકી દીધા. અમે બધાં ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. દીકરો વહુ જોર્જિયા ફરવા ગયાં હતાં. એમણે આવવાની તૈયારી બતાવી પણ મારી દીકરીએ ના પાડી કે ચિંતા જેવું નથી તમે શાંતિથી ફરીને આવો.

આ મુશ્કેલ સમયમાં મારા દીકરી જમાઈ અને દોહિત્રીએ ખૂબ જ હિંમતથી કામ લઈ મને સધિયારો આપ્યો તથા હૉસ્પિટલમાં પણ રોજની દોડાદોડ કરી ખડા પગે સેવામાં રહ્યાં. ઉપરાંત મારા શબ્દ વાવેતર પરિવારના મારા એડમીન મિત્રો તથા પરિવારના સૌ સ્વજનનોની હિંમત અને પ્રાર્થનાથી દસ દિવસ પછી મુશ્કેલ ઘડીમાંથી બહાર આવી ગયાં. હજી કિશોરને ઘણી અશક્તિ હતી પણ અમે દુબઈ ગયાં પછી ત્યાં આરામ અને યોગ્ય દવાને કારણે સ્વસ્થ થઈ ગયા. હમણાં ડિસેમ્બરમાં પાછા આવી ફરી ડૉકટરને બતાવતાં એમણે એમને સંપૂર્ણ રીતે ભયમુક્ત જાહેર કર્યા. ત્યારે અમને હિંમત આવી.

આ તો પરિવારની વાત થઈ તે સાથે જ સાહિત્ય પરિવારમાં પણ નવાં નવાં અનેક પરિવારોએ પગરણ માંડ્યા. એમાં જાણીતાં સંચાલકો તો ખરાં જ પણ જાણીતાં લેખકો અને કવિ મિત્રો સાથે પણ મુલાકાત થઈ. સૌને પરોક્ષ રીતે મળીને ઘણો આનંદ થયો.

વીતેલાં સમયમાં અનેક સુખદ સ્મરણો સાથે ૩૦ ડિસેમ્બરે જ બનેલી એક દુ:ખદ ઘટનાએ સૌને શોકાતુર કરી નાંખ્યા. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્રભાઈ મોદીના ૧૦૦ વર્ષીય માતા પૂ. હીરાબાનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં સૌ દેશવાસીઓએ ઊંડા શોકની લાગણી અનુભવી. સૌ દેશવાસીઓ નરેન્દ્રભાઈ મોદી જેવાં પનોતા પુત્રની માતાના અવસાનથી પ્રધાનમંત્રી શ્રી સાથે એમના દુઃખમાં સહભાગી થઈ ગયાં.

આમ વીતેલું વર્ષ ૨૦૨૨ અનેક ખાટાંમીઠાં સંભારણાંથી ભરેલું રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract