Leena Vachhrajani

Thriller

4  

Leena Vachhrajani

Thriller

સમયના રંગીન ચૂકાદા

સમયના રંગીન ચૂકાદા

3 mins
23.8K


આજે કોર્ટના આખરી ચુકાદાનો દિવસ હતો. છેલ્લા કેટલાય સમયથી શહેરની ચર્ચામાં રહેલા પ્રણય જાગીરદાર V/s ગુડ્ડુ પહેરગીર ખુનકેસ પર આખા શહેરની નજર ઠહેરી હતી.

અપૂરતા પૂરાવાને લીધે પ્રણય જાગીરદારને બેનીફીટ ઓફ ડાઉટનો લાભ આપીને ઇજ્જતભેર નિર્દોષ જાહેર કરવામાં આવે છે..

અને પ્રણયના કેટલાય શુભેચ્છકોએ નિરાંતનો શ્વાસ લીધો.

ફરી બીજા દિવસથી એ જ કડવા લીમડા નીચે પ્રણય પોતાના ડ્રોઇંગ સરંજામ સાથે મસ્તીમાં પીંછીને પ્રેમ કરતો દેખાયો. 

 બાજુમાં ચા ની કીટલીવાળો કરતાર ફરી ખુશખુશાલ.

“સાહેબ, લ્યો મસાલા ચા પીઓ. મને ખાતરી હતી કે તમે એવાં કામ કરી જ ન શકો. અમે તો નજરે બધું જ જોયું હતું. ભગવાનને ઘેર અંધેર નથી જ.”

“હા, કરતાર તમારા બધાની દુઆ જ રંગ લાવી દોસ્ત.”

પણ પ્રણય ખુદ પોતાનાથી અને ઇશ્વરથી નારાજ હતો. 

મનને આશ્વાસન આપતો રહ્યો.

એ ખુદા હર ફેસલા તેરા મુજે મંજુર હૈ,

સામને તેરે તેરા બંદા બહોત મજબુર હૈ..

તેં કેમ આવું કામ મારી પાસે કરાવ્યું?

અતીત ઘેરી વળ્યો....

એક પેઇન્ટીંગ કોમ્પીટીશનમાં ગુડ્ડુની ઓળખાણ થઇ. ગુડ્ડુ પણ અવ્વલ દરજ્જાનો ચિત્રકાર.

પેઇન્ટીંગબ્રશની અદલાબદલીથી શરુ થયેલી મિત્રતા સમાન શોખથી ગાઢ બનતી ચાલી.

રોજ કોમર્સ કોલેજની બહાર આવેલા કડવા લીમડા નીચે પીંછી અને કેનવાસ સાથે બન્નેની બેઠક જામે. કરતારની બે-પાંચ ગ્લાસ ચા ઉડાડતા બન્ને એકથી એક ચડે એવાં ચિત્રોનું સર્જન કરતા...

રાહદારી રસ્તો એટલે કેટલીય અવરજવર રહે. 

એક બપોરે મંગેશે ઓળખાણ કરીને થોડી વાર પછી મધમાં ઝબોળેલી વાણી પાથરી.

“તે આ રસ્તે આમ ચીતરડા કરો એમાં શું વળશે?

ના, આ તો હું ઘણા દિવસથી જોઉં છું . તમારા જેવા ગજાના કલાકાર આમ પૈસા પૈસા માટે વલખે એ મારાથી જોવાતું નથી.”

પ્રણય અને ગુડ્ડુની પીંછી અટકી. 

 બંનેએ એકબીજા સામે જોયું.

“મંગેશ સ્પષ્ટ કહે તારે શું કહેવું છે?”

કરતારે ત્રણેયને ચા આપી. એની ચુસકી સાથે શબ્દો ગોઠવીને વાત શરુ કરી.

“જુઓ દોસ્તો, કલા અને કલદારને બહુ બનતું નથી એ સત્ય તમને બરાબર અનુભવાય છે. 

શહેરની આ જેટલી આર્ટ ગેલેરીઓ નામી ચિત્રકારોના ચિત્રોથી ઉભરાય છે એ વિશે તમને વિચાર આવે છે?”

મંગેશે બંનેને સહેજ નજીક બોલાવીને કહ્યું,

“આ ચિત્રકારોના નામ છે અને તમારા જેવા અનામી કલાકારોની કલા છે. બસ, આ સંયોજન બંનેને આરામની જિંદગી આપે છે એ તમારે સમજવું જોઈએ. 

મને તમારાં આ ઉત્તમ પેઈન્ટિંગ આપો. હું એ પ્રસિધ્ધ કલાકારોના નામે મુકાવીશ. એમને જે મળશે એમાંથી નિયમિત તમારો ભાગ તમને પહોંચી જશે. એક કાયમી આવક શરુ થશે. એક અઠવાડિયું આપું છું. નિર્ણય બહુ સમજીને લેજો. જિંદગી તમારે દરવાજે ખુશી લઈને ઊભી છે. તમારે વધાવવી કે વળાવવી એ તમારા પર છે.”

અને બંનેની પીંછી અટકી..

પંદર દિવસ બાદ એ જ કડવો લીમડો અને એ જ પ્રણય અને ગુડ્ડુ પીંછીના લસરકા મારી રહ્યા હતા. 

ત્યાં મંગેશની ગાડી આવીને ઊભી.

એણે ઉતરીને ગુડ્ડુ સામે ત્રાંસી નજરે જોયું. ગુડ્ડુ ઓઝપાયો પણ એની નજીક ગયો. થોડી વાર ગુસપુસ કરીને એ પાછો આવ્યો ત્યારે એના ચહેરા પર ખુશી ઝળકતી જોઈને પ્રણયને શંકા ગઈ. 

“કેમ પેલો પાછો આવ્યો હતો?”

“જો પ્રણય એક વાત મેં તારાથી છુપાવી. તે દિવસે બહુ વિચારતાં મંગેશની વાત મને સાચી લાગી. મેં બે તારાં અને બે મારાં પેઈન્ટિંગ તને પૂછ્યા વગર મંગેશને આપ્યાં હતાં.”

અને પ્રણયના ભાવ પલટાઈ ગયા. 

“શું કર્યું તેં? આટલો દગો? અને ચાર પૈસા ખાતર આપણને વેચી આવ્યો?”

આક્રોશમાં પ્રણયનો અવાજ ઉંચો થતો ગયો.

“જો દોસ્ત મને મારાં ચિત્રો લાવી આપ. આજથી દોસ્તી પર પૂર્ણવિરામ મુકું છું.”

ગુડ્ડુએ ગાળા ચાવીને સમજાવવાની કોશિશ શરુ કરી. 

“પ્રણય, સમજ જરા સમજ. પૈસા હશે તો બધું થશે. આ રસ્તા પર પાથરેલી દુકાનને બદલે શો-રુમ થશે. આપણો સમય બદલાઈ રહ્યો છે એ સ્વિકારી લે.”

“જા જા તું બિકાઉ નિવડ્યો. મને મારો વર્તમાન સમય જે છે એ જ કબૂલ છે.”

અને ગુડ્ડુનો હાથ ગુસ્સાથી ખંખેરી નાખ્યો. ઉગ્ર ચર્ચા ચાલતી રહી. એણે મારામારીનું સ્વરુપ ક્યારે લઈ લીધું અને એમાં ગુડ્ડુનું સંતુલન જતાં એનું માથું લીમડાની બાજુમાં અણીયાળા પથ્થર પર ભટકાયું અને એણે પોતાનાં અધૂરાં સપના અને આંખમાં રંગના લસરકા સાથે ત્યાં જ વિરામ લીધો.

પોલિસ કેસ થયો અને સાક્ષીઓની ગવાહી દ્વારા પ્રણય નિર્દોષ છૂટ્યો.

અતીતમાંથી બહાર આવેલા પ્રણયે દોસ્તની જગ્યા પર ભીની આંખે નજર કરી.

“અરેરે! દોસ્ત લોભમાં ફસાયો ન હોત તો આજેય સાથે હોત. તેં સમયને તારા પર હાવી થવા દીધો. અને કાયમ માટે તારો સમય સ્થિર થઈ ગયો.”


Rate this content
Log in

Similar gujarati story from Thriller