સમય
સમય


કામિની, નામ એવા ગુણ. રૂપ તો એવું કે જોનારા ને માદક કરી મૂકે. એના અંગ ઉભાર એવા આકર્ષક કે જાણે ભગવાને એને ખૂબ નિરાંતે ઘડી હોય. એના વાળ હોય કે આંખો કે હોઠ.... કોના વખાણ કરવા ને કોના બાકી રાખવા!
રૂપવાન હોવાને કારણે એને ખૂબ ઘમંડ હતો. કોલેજમાં બ્યુટી સ્પર્ધામાં હંમેશા પ્રથમ આવતી. એની આસપાસ ભમરા ભમતા જ રહેતા. યુવાન છોકરાઓ એની એક નજર માટે તરસી જતા! કામિનીને ખૂબ આનંદ આવતો આવી રીતે યુવાનોને તડપતા જોવામાં.
કૉલેજ પૂરી થઈ. કામિની ને મનમાં નક્કી હતું કે એના રૂપ ને કારણે એને ખૂબ પૈસાવાળો અને ખૂબ હેન્ડસમ યુવાન સાથે જ તેના લગ્ન થશે. કામિનીના મમ્મી પપ્પા એ છોકરાઓ જોવાનું શરૂ કર્યું.
કામિની દરેક છોકરાને એના ગુણોથી નહિ પણ એ કેટલો દેખાવડો છે કે કેટલો શ્રીમંત છે એનાથી મૂલ્યાંકન કરતી. એની જ્ઞાતિમાંથી ખૂબ સારા સારા માંગા આવી રહ્યા હતા પણ કામિની ઘમંડ ને કારણે બધાને ના પાડી રહી હતી.
આમ ને આમ કામિની ત્રીસ વર્ષની થવા આવી. હવે તો કોઈ માંગા પણ નહોતા આવતા. કારણકે સમાજમાં વાત ફેલાઈ ગઈ હતી કે કામિની તો ઘમંડની પૂતળી છે. બહુ જ સ્વછંદી છે. આવી વહુ કોઈના ઘરમાં ન પોસાય!
બીજા પાંચ વરસ આમને આમ વીતી ગયા. કામિનીના માતાપિતા ચિંતામાં વહેલા ઘરડા થઇ ગયા હતા. કામિની હવે પસતાતી હતી પણ શું કરે?
એક
દિવસ કામિનીના પિતા એ એને કહ્યું," જો બેટા અત્યાર સુધી અમે તારી દરેક વાત માની છે. પણ હવે અમારી ઉંમર થતી જાય છે. ક્યારે અમારી આંખો મીચાઈ જાય એ ન કહેવાય. તો એ પહેલા તું પરણી જા તો અને સુખેથી મરી શકીએ."
કામિનીના હાથમાંથી સમય નીકળી ગયો હતો. હવે તો જે મળે એની સાથે જ નિભાવવું પડે એમ હતું.
કામિનીના પિતા ને ગમ્યું તો નહિ પણ કરવું પડે એમ હતું. કામિની માટે બીજવર નું માંગુ આવ્યું હતું. અને એને એક દિકરો અને દીકરી પણ હતા. એનું નામ હતું કામેશ. એટલો બધો કાળો કે કોલસો પણ ગોરો લાગે! જાડો અને ભદ્દો. ઓએનજીસીમાં એન્જિનિયર હતો. પણ એના ખરાબ સ્વભાવની વાતો સમાજમાં ફેલાઈ હતી.
કામેશનો દિકરો કૉલેજમાં અને દીકરી દસમા ધોરણમાં ભણતી હતી. ઘરમેળે નક્કી કરીને બંનેના કોર્ટ મેરેજ કરવામાં આવ્યા. કામિની પારાવાર પસતાતી હતી પણ થાય શું?
સમયને બાંધી શકાતો નથી. દરેક કામ કરવાનો એક સમય હોય છે. સમય વિતી જાય પછી અમુક કામ તો થઈ શકતા નથી. અને અમુક તો બગડી જ જાય છે. સમયને તમે નહિ સાચવો તો સમય પણ તમને નહિ સાચવે.
કામિની એ ઘમંડ ન કર્યો હોત અને સારા ગુણ જોઇને છોકરો પસંદ કર્યો હોત તો આજે એ સુખી હોત. એના પણ બાળકો મોટા થઈ ગયા હોત. ઈચ્છાથી કરવું અને સમાધાન કરવું પડે, એ બંને પરિસ્થિતિમાં ખૂબ જ મોટો તફાવત છે!