Bindya Jani

Romance Tragedy

3  

Bindya Jani

Romance Tragedy

સ્મૃતિ

સ્મૃતિ

2 mins
202


 આજ અચાનક હું વર્ષો પહેલાંની સ્મૃતિમાં સરી ગયો. આજ દિવસ સુધી તેની સ્મૃતિને મેં સાચવી રાખી છે દિલના ખૂણે. આજે પણ તે એટલી જ તાજી છે. વર્ષો પછી તેની સંઘરેલી યાદો મારી આસપાસ ટોળે વળી ગઈ અને મને ઢંઢોળતી રહી અને એ વિતેલા વર્ષોને હું મારા નયનપટ પર અનિમેષ નજરે જોતો રહ્યો.

 એ જ્યારે જ્યારે મારા ઘર પાસેથી પસાર થતી ત્યારે મારી નજર તેને ચોરી છૂપી જોઈ લેતી. મનોમન મારા અનેક સપનાંઓને તેની સાથે જોડી દેતો. 

પણ મારા શરમાળ સ્વભાવના કારણે હું તેની સામે મને પ્રદર્શિત કરવાની હિંમત કરી શક્યો નહીં એ વાતનો અફસોસ રહી ગયો હતો. તેની સ્મૃતિઓનું મારા મન મંદિરમાં અનોખું સ્થાન હતું.

આમ તો હું તેને નાનપણથી જ ઓળખતો હતો ત્યારે પણ તેની સાથે મને બોલવું ગમતું. પણ એ બાળસહજ હતું અને એ સાહજિકતા એ જ યુવાનીના ઉંબરે ડગ માંડતી મારી મુગ્ધાવસ્થાએ મને તેની તરફ ધકેલી દીધો.પણ તે માત્ર મારા માટે જિંદગીનું એક સોનેરી સપનું બનીને રહી ગઈ.

 તે તેના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ અને હું મારા સંસારમાં. અને આજે અચાનક વર્ષો પછી તે એક ધાર્મિક પ્રસંગમાં મળી ગઈ. તે મારી નજર સામે આવીને ઊભી રહી ગઈ. વર્ષો પછી પણ એ જ એની અદા, એ જ એનું હાસ્ય, એ જ એની નિર્દોષ ચંચળતા જે જોવા માટે હું હંમેશાં આતુર રહેતો.

આજ તેની મુલાકાતે મારી સ્મૃતિઓના દરવાજા ખોલી નાખ્યા અનાયાસે મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા "સપના, તું જ મારું સપનું હતી" તે મને અનિમેષ નજરે જોતી રહી તેના લંબાવેલા હાથને મેં હાથમાં લેતાં કહ્યું મેં પણ ક્યારેક તારા સપનાં જોયા હતાં. 

તે માત્ર એટલું જ બોલી, "કાશ સમયે તને સાથ આપ્યો હોત તો તારા સપનાં સાચા પડ્યા હોત !"

તેની નજર અને તેના શબ્દો મારા મનમાં એક હલચલ મચાવી ગયા આજે પણ. દિલની ધડકન તેજ થઈ ગઈ. 

મન ઉપવનમાં પ્રેમનાં પુષ્પો ખીલી ઉઠ્યા. અને એ જ સમયે ક્યાંક ગીત વાગી રહ્યું હતું" એ સનમ, હમ તો સિર્ફ તુમ્સે પ્યાર કરતે હે !"


Rate this content
Log in

Similar gujarati story from Romance