સમજણ
સમજણ


પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં પીટી ઇન્સ્ટ્રક્ટર હાજર હતા. તેઓ પટાવાળી બાઈ વિરુદ્ધ ફરિયાદ કરી રહયા હતા અને સાથે ધમકી પણ આપી રહ્યા હતા કે મારે કઈ આવી જગ્યા એ નોકરી નથી કરવી. પ્રિન્સિપાલ તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં હતાં: તમે શાંતિથી વાત તો કરો કે શું થયું?
‘શું શું? મેં કહ્યું કે પાણી આપી જાવ મારી ચેમ્બરમાં. તો બાઈએ ના પાડી.’
‘જુઓ, આપણે ત્યાં એ સિસ્ટમ નથી. એટલે ના પાડી હશે. છતાં બાઈને બોલાવી પૂછી લઈએ.’
‘પૂછી લઈએ? એટલે સાહેબ, તમને મારામાં વિશ્વાસ નથી? હું ખોટું બોલું છું એમ?’
‘અરે ના પણ તેને બોલાવવી તો પડશે ને?
થોડા દિવસ પહેલાં ખાસ યોગ શીખવવા માટે ટ્રસ્ટીની ભલામણથી આ પીટી ઇન્સ્ટ્રક્ટરને લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટી સાહેબનો કઈક સગો હતો એટલે તેની સાથે શાંતિથી કામ લેવું પડશે એટલી સમજણ તો આ ખાનગી શાળાના પ્રિન્સિપાલ સાહેબને હતી જ.
બાઈને બોલાવી. ‘બોલો સાહેબને પાણી આપવાની કેમ ના પાડી?’
‘ના ના સાહેબ એવું નથી પણ મને સાહેબની કેબિનમાં જતાં બીક લાગે.’ તે બીતાં બીતાં બોલી.
‘એટલે તું મારા ચારિત્ર્ય પર શંકા કરે છે?’
બાઈ એ કઈ જવાબ ન આપ્યો. તેને ખબર હતી કે આ પ્રશ્નનો જવાબ 'હા' હોય તો પણ 'હા'માં ન અપાય.
‘તારાથી એક સજ્જન માણસ વિષે આવું કેમ વિચારાય?’ તેને ધમકાવવાનો વારો હવે પ્રિન્સિપાલનો હતો.
બાઈને બંને એ સારી પેઠે ખખડાવી. આખરે તેની પાસે માફી માંગવી. રડમસ ચહેરે બાઈએ માફી માંગી લીધી. નોકરી ચાલુ રાખવી હોય તો પોતે સાચી હોવા છતાં માફી માંગી લેવી એવી સમજણ તેને પાંચ વર્ષની નોકરીના અનુભવથી આવી ગઈ હતી.