મહેફિલ
મહેફિલ


આજે મારા મિત્ર ને ત્યાં મહેફિલ હતી. શહેરનાં પોશ વિસ્તારમાં એ રહેતો હતો. હું મારી ગાડી ત્યાં હંકારી ગયો. મનમાં ખૂબ ખુશ હતો. આજે બધા મિત્રો ઘણા સમયે સાથે મળવાના હતાં, અને તે પણ કંકોતરીનાં આમંત્રણની જેમ સપરિવાર નહિ, એકલાં... અચાનક જ મારી નજર સ્કાયસ્ક્રેપરની સામેનાં ભાગમાં ઝૂંપડા પર પડી. મુંબઈ જેવાં મહાનગરની આ જ તો બલિહારી છે.. કરોડોનાં ખર્ચે બનેલાં લક્ઝુરિયસ ફ્લેટની સામે ઝૂંપડપટ્ટી હોઈ શકે! સામે નાના કાચા મકાનની બહારનાં ભાગમાં જ એક તાપણું સળગતું હતું. તેની આસપાસ એક યુવતી બેઠી હતી. તેની સામે હતો એક કિશોર- જે કદાચ તેનો નાનો ભાઈ હતો. બસ કોઈ સગવડ વિના, ટાઢ-તડકો, વરસાદ બધી ઋતુમાં આ કાચા મકાનમાં રહી બિચારા જીવન ગુજારતા રહે... ન કોઈ પાર્ટી, ન કોઈ મહેફિલ, ‘અરે! મૂરખ! માણસની મૂળભૂત જરૂરિયાત જ ન સંતોષાતી હોય ત્યાં પાર્ટી ક્યાંથી હોય?’ મારા મનમાં પ્રતિ-પ્રશ્ન ઊઠયો. કોલેજમાં શીખેલ મૂડીવાદી વિચારધારા યાદ આવી ગઈ અને તે કેટલી સાચી છે તે તાદ્દ્ર્શ જોયું!
આપોઆપ સ્ટિયરીગ તે તરફ ઘૂમી ગયું. કાર પાસે ગઈ ત્યાં સુધી તો કોઈએ ધ્યાન ન આપ્યું. બંને પોતાનામાં ગુલતાન હતાં. કોઈ વાત પર હસી રહ્યા હતાં. પણ જ્યારે કાર થોભી કે બંને ચમક્યા. મે કાચ ઊંચો કરીને કહ્યું: બહુ ઠંડી લાગે છે?
ના, આ તાપણું છે ને!
લ્યો, બોલો!
‘એ તો ઠરી જશે, પછી શું? અંદર તો સાંઠીકડા જ છે..
‘ત્યાં સુધીમાં તો ઠંડી ઊડી જાય, સાહેબ...
અરે પણ આ છોકરો તો નાનો છે....
એમ કહેતાં જ એ છોકરો અને યુવતી ફરી ખડખડ હસી પડ્યા..
‘ત્યાં સુધીમાં નાટક પૂરું....
મારા અચરજ નો પર ન હતો...આ શું બોલે છે?
‘અરે સાહેબ, આ તમારા જેવાં સાહેબનો છોરો છે... સામે રહે છે. એને બહુ મન હતું કે તાપણું કેવું હોય.. મારે જોવું છે.. તે છાનામાના આવ્યો છે...’
ત્યાં તો છોકરો બોલ્યો: ‘અંકલ, ઘડીક તમે ય બધુ જ ત્યાં મૂકી અહી આવી જાવ... તાપણા જેવી ઠંડી બીજા કશાથી ન ઊડે...’
પણ હું ત્યાં ન જઇ શક્યો... એમ બધુ મેલી દેવું સહેલું થોડું છે?