Shital Desai

Inspirational Fantasy Children

4  

Shital Desai

Inspirational Fantasy Children

એક હતો ચકો....

એક હતો ચકો....

1 min
15.1K


એક હતો ચકો અને એક હતી ચકી... ચકો લાવ્યો ચોખા નો દાણો અને ચકી લાવી મગનો દાણો.

‘ના, ના, નાના બાપુ... એમ નથી...’

‘અરે બેટા, ચકા-ચકીની વાર્તામાં આમ જ આવે...’

‘ના, ના… તમને વાર્તા કહેતાં નથી આવડતું....’ મીંટીએ ભેંકડો તાણ્યો...  

તેના રડવાનો અવાજ સાંભળી નાનીમા બહાર આવ્યાં..

‘શું થયું?’

‘નાનીમા, ચકા-ચકીની વાર્તા કરો ને!’ અને નાનીએ મીંટીને ખોળામાં બેસાડી અને શરૂ થઈ ચકા-ચકીની નવી વાર્તા.. 

‘એક હતો ચકો અને એક હતી ચકી... ચકી લાવી...’

‘બ્રેડ...’ મીંટીએ તાળી પાડતાં કહ્યું.

‘હ.. અને ચકો લાવ્યો....બટર...’

‘કેમ, ખબર છે? બંનેને સેન્ડવિચ ખાવી હતી. તો હવે કાકડી ટામેટાં લાવવા પડશે ને?

તો ચકાએ કહ્યું: તું બ્રેડ પર બટર ચોપડી રાખ... ત્યાં હું વેજીટેબલ લઈ આવું...’

ચકીબેન કહે, ‘હું ય જોડે આવું. એને તો ઘરમાં રહેવું ગમે નહીં...’

‘ના, તારે દોડાદોડી નહીં કરવાની... શાંતિથી ઘરનું કામ પતાવીને બેસ એક ખૂણામાં....’

ચકીબેનને તો માઠું લાગ્યું: હું શા માટે ખૂણામાં બેસી રહું? મારે પણ ઉડવું છે... અહીં-તહીં-બધે જ.

પણ એ તો કંઈ બોલે એ પહેલાં તો ચકાએ સેન્ડલ પહેરી લીધા હતા. હવે કોઈ બહાર જતું હોય ત્યારે ક્યારેય જીભાજોડી નહીં કરવાની નહીં એવો તેમના ઘરમાં નિયમ હતો. એટલે ચકીબેન ચૂપ રહ્યાં અને ચૂપચાપ થેલી લઈને બહાર આવ્યાં:

‘અરે એ ચકા. વસ્તુ ભરવા માટે આ કપડાંની થેલી તો લેતો જા... અને એક નાની અને એક મોટી એમ બે થેલી ચકાના હાથમાં પકડાવી. ચકાભાઇ થેલી સ્કૂટરની હૂકમાં લટકાવી હેલ્મેટ પહેરતા હતા, ત્યાં ચકીબેન ધીરેથી મોટી થેલીમાં ઘૂસીને છૂપાઈ ગયા. ચકાભાઇ તો સ્કૂટર પર ભાગતા હતા ને ચકી બેન થેલીમાં ઝૂલતાં હતાં. ત્યાં તો રસ્તામાં એક મોટી બોરડી આવી. ચકાભાઇ તો ખુશ થઈ ગયા. બોર તોડીને ખાવા માંડ્યા:

‘અહા! કેટલાં મીઠા બેરીઝ છે! ચકી સાથે હોત તો ખવડાવત...’

થેલીમાં ના ચકીબેન તો ખુશ થઈ ગયા: ‘કાઢો તો તો આ રહી...’

અને ચકાભાઇ એ ચકી માટે થોડાક પાકા બોર શોધી શોધીને થેલીમાં મૂક્યા. તે તો લહેરથી ઉડતા જાય અને ગાતા જાય:

'ચકા,જલ્દી શોધો વાડી, તોડવા ટામેટાં-કાકડી.

રાહ જુએ ઘેર લાડી...'

ચકી તો ખુશ થઈ ગઈ. ત્યાં તો ગીત આગળ ચાલ્યું:

‘નહીં તો ઉઠાવે લાકડી’

ઓત્તારી! ચકી ગુસ્સે થઈ. તેણે થેલીમાં સાચે જ હાથ ઉગામ્યો. 

એમ ગાતાં ગાતાં ચકાભાઇ તો દૂર સુધી ઊડતાં હતાં, પણ ક્યાંય વાડી દેખાતી ન હતી. એક બાજુથી ઉતાવળ હતી ને બીજી બાજુથી પાંખો થાકતી જતી હતી. તે બબડ્યો:

‘ચકી સાથે હોત તો મઝા આવત... સમય પણ પસાર થાત અને લાંબો રસ્તો કપાઈ જાત...’

ચકી તો ખુશ થઈ: ‘કાઢો તો તો આ રહી!’

થેલીમાં બેઠી બેઠી ચકી ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા: ઓ ગોડ! જલ્દી વાડી આવે જાય તેવું કઈક કર...’

ને જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ એક વાડી દેખાઈ. ચકાભાઇ તો અવાક જ થઈ ગયા...

‘લાલ ઘૂમ ટામેટાં ને લીલીછમ કાકડી...’

‘વાહ.. વાહ.. ચકી હોત તો તો મઝા પડત...’

‘કાઢો તો તો આ રહી....’

ચકાભાઇ તો ફટાફટ તાજાં - તાજાં ને કૂણાં કૂણાં કાકડી- ટામેટાં તોડવા માંડ્યા. તે તો ટામેટું તોડતાં જાય ને થેલીમાં નાંખતા જાય. કાકડી તોડતાં જાય ને થેલીમાં નાંખતા જાય. આમ કરવામાં મશગૂલ હતા ત્યાં અચાનક વાડીનો ચોકીદાર આવ્યો: ‘અરે ચોર ચોર...’ તેણે બૂમ પાડી અને ચકાભાઇને પકડી લીધા. ચકાભાઇએ તો ચી..ચી.. કરી કાગારોળ મચાવી મૂકી ને છૂટવા માટે બહુ મથ્યા. પણ ચોકીદારની પકડ તો બહુ મજબૂત હતી. અંદર ચકી પણ મૂંઝાયા કરે ને રોયા કરે. હવે?

ત્યાં તો ચોકીદારે બૂમ પડી: ‘લાવ, ચોરીનો માલ... ક્યાં છે મારા ફળ?’ એમ કહીને થેલીને ઊંધી ઠાલવી. તે સાથે જ ચકીબેન સજાગ થઈ ને ‘ફુર....ફૂ’ કરતાં ઊડ્યાં અને સીધા ચોકીદારના માથા પર બેસી ગયા. પછી તો તેણે ચોકીદારને ધડાધડ માથામાં ને કપાળ પર ચાંચ મારવા માંડી. ચોકીદાર તો આ અચાનક હુમલાથી બઘવાઈ ગયો. તેના હાથની પકડ ઢીલી થઈ ગઈ ને ચકાભાઇ આઝાદ થઈ ગયા. બંનેએ ચી..ચી કરી ફેર ફુદરડી ભરીને માંડ્યા ભાગવા.. દૂર દૂર દોડ્યા કર્યું ને આકાશમાં ઊંચે ચડ્યા કર્યું. વચ્ચે પાછળ ફરી જોઈ લે; ક્યાંક ચોકીદાર પાછળ પકડવા તો નથી આવતો ને?

બહુ દૂર ગયા પછી એક ઊંચી ડાળી પર ‘હા ...શ’ કરીને બેઠાં. હવે ચકાભાઇને બોલવાના હોશ આવ્યાં: ‘પણ ચકી તું ક્યાં થી આવી?’

‘ના કહેવાય...’ ચકી મલકી.’ છોડને હવે, ચાલો હવે ઘેર... અને હા રસ્તામાં થી સેન્ડવિચ લેતા જઈએ..’

‘ના ના હવે સેન્ડવિચ નું તો નામ જ ન લઇશ.. પીઝા નું પાર્સલ...’

ઘરે પહોંચ્યા ત્યારે બંનેને શાંતિ થઈ.

‘આજે તો તું જબરો બચી ગયો..’ ચકી બોલી. 

‘કાન પકડ્યા... હવે ક્યારેય ચોરી કરવા જવું નહીં.’

‘હા, નહિતર ચોકીદાર તને કૂવામાં ફેંકી દેત. તો હું શું કરત?’

‘બીજું શું? અત્યારે કૂવાના કાંઠા પર બેઠી બેઠી ગાયના અને ભેંસના ગોવાળને કહેતી હોત કે મારા ચકાને કાઢે તો તને ખીર-પૂરી, ના, ના પીઝા-બર્ગર ખવડાવું....’ કહી ચકાભાઇએ પીઝાનો એક ટુકડો ચકીના મોઢામાં મૂક્યો...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational