Shital Desai

Comedy Inspirational

3  

Shital Desai

Comedy Inspirational

પ્રતિમા

પ્રતિમા

2 mins
14.8K


આમ તો આ આરસપહાણનું પુતળું કોનું છે, તેની પણ વકિલોને ખબર ન હતી. જૂના સમયના રજવાડી મકાનમાં કોર્ટ બેસતી અને તેનાં મુખ્ય હોલની વચ્ચે આ કોઈ સ્ત્રીનું પુતળું હતું. તેનાં પર ઝાળાં હતાં જે આવતી દિવાળી પર સાફ થવાની શક્યતા હતી - કદાચ.

કોઈ વકીલ ક્યાંકથી વાત લાવ્યો કે આ પુતળું જેનું હતું તેનાં વારસદારો એને પાછું લઇ જવા આવવાના છે. ચાર – પાંચ સીનીયર વકીલની મંડળી સ્થળ - પરીક્ષણ માટે ગઈ. અરે ! આ તો કોઈ દેવી છે કે શું ? નીચે તકતી હતી : મહારાણી લક્ષ્મીદેવી. હકીકતે આ કોર્ટ સંકુલની ઇમારત જ શાહી પરિવારની હતી. જે સાવ નગણ્ય ભાડાથી સરકારને કોર્ટ બનાવવા માટે પરિવારે આપી હતી.

બસ પછી તો પૂછવું જ શું ? એક વિષય મળી ગયો વિરોધ માટે. મોટો શોર મચી ગયો. આ પુતળું સોરી લક્ષ્મીદેવી, સોરી, લક્ષ્મીદેવીનું પૂતળું આપણા વિસ્તારમાં છે તેને ન્યાયમંદિર સંકુલની બહાર લઇ જવામાં મોટો અન્યાય થશે. અને તે પણ ન્યાયના દરબારમાં? ના, ના, ન્યાયનાં પ્રહરીઓ તે બાબત સાંખી નહિ લે. આ હોલમાંથી આવતાં - જતાં કેટલીયવાર મહારાણીની પ્રતિમા સામે જોયું હશે (!) તેમની દિવ્ય હાજરી અનુભવી હશે (!) તેને અહીંથી ખસેડી શકાય જ નહિ. તેની માંગણી કરનારા મહારાણીનાં વારસદારો હોય તેથી શું ? તેમના પૂર્વજોએ આ ગામને નવી રોનક અને આગવી ઓળખ આપી તેથી શું ? સહુ વકીલોએ ભેગા મળી વિરોધ કરવાનું નક્કી કર્યું. “પ્રાણ જાયે પર પુતળા ના જાયે.”

બીજા દિવસની સવારે પ્રિન્સ પૂતળું લેવા આવ્યા તો તેમણે કૌતુક નિહાળ્યું. હંમેશ માટે એકલી અટૂલી રહેતી આ

પ્રતિમા આજે માણસોથી ઘેરાયેલી હતી. પ્રતિમાને કોર્ડન કરી વકિલો ઊભા હતા, સૂત્રોચ્ચાર કરતાં હતા ‘યે

લોકશાહી હૈ તાનાશાહી નહિ ચલેગી’ તથા ‘પ્રિન્સ ગો બેક. રાની કા પુતળા નહિ દેંગે, નહિ દેંગે.’

પ્રિન્સે ગરિમા અને સૌમ્યતાથી કહ્યું, ‘આ મારા પૂજ્ય માતામાહની પ્રતિમા મારી માલિકીની છે. આપ સહુ...’ પણ પ્રિન્સના શબ્દો સાંભળે કોણ ? સમજાવટ કામ ના લગતા પ્રિન્સ કાયદાકીય રીતે કબજો લેવાનું વિચારતા હતા. કોઈ સારો વકીલ શોધી પણ વકિલો તો બધા વિરોધ કરતાં હતા! એમ તો પ્રિન્સ પાસે પ્રતિમાના માલિકી હક્કનો દસ્તાવેજ પણ હતો.

ના, ના, ન્યાયતંત્ર સજાગ છે, જાગ્રત છે, સતર્ક છે. તમે ફરિયાદ કરો તો જરૂર કેસ ચાલશે. મુદતો પડશે, બયાનો

લેવાશે, બદલાશે, દલીલો થશે, સાક્ષીને બોલાવશે, ફેરવાશે, તપાસ થશે - બધું જ થશે, થશે અને થયા જ કરશે - અને

ન્યાય મળશે જ. ક્યારે તે ખબર નહિ. નિયમ પ્રમાણે કાર્યવાહી થશે જ, જો કેસ થાય તો.આજે તો કોર્ટ પૂરી થઇ

ગઈ છે. કાર્યવાહીની શરૂઆત હવે તો બીજા દિવસે કોર્ટ ખુલે પછી જ થાય.

અત્યારે તો ખિસ્સામાં માલિકી હક્કનું કાગળિયું લઇને પ્રિન્સ વિલા મોઢે અને ખાલી હાથે પાછા ફરી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy