ઈશ્વર અલ્લા તેરો નામ
ઈશ્વર અલ્લા તેરો નામ
‘મા પાવા તે ગઢથી ઉતર્યા’નો ગરબો લયથી ગવાઈ રહ્યો હતો. ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા હતા. કેડિયાનાં ફૂમતાંને ઓઢણીનાં આભલા પણ જાણે મલકી રહ્યા હતા. આ બધા વચ્ચે એક અતિ ગૌર યુવાન માથા પર માતાજીની માંડવી લઈને નૃત્ય કરી રહ્યો હતો. તે એટલો નાજુક અને લાલિત્યપૂર્ણ કે પુરુષનાં કપડાં ન પહેર્યા હોય તો માતાજી સંગ ગરબે ઘુમતી ચોસઠ જોગણીમાંની એક જ લાગે ! તેની અંગ-ભંગિમાની કમાનો તો વીજળી જેવી છટાદાર હતી જ, પણ નવાઈની વાત એ હતી કે તે માથા પર રાખેલી માંડવીને હાથથી કોઈ આધાર આપ્યા વિના અધ્ધર રાખીને ગરબા ગાતો હતો.
‘અદભૂત !’ જસપુર ગામની આશ્રમ શાળામાં નવા જોડાયેલ આચાર્યશ્રીથી આપોઆપ બોલાઈ જવાયું. આ નાના ગામમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવ શાળાનાં પ્રાંગણમાં ઉજવાતો. નવ દિવસ માતાજીની આરાધના પછી દશેરાનાં દિવસે જમણવાર થાય.
‘કોણ છે આ કલાકાર ?’
સાહેબ. તેનું નામ જાણશો તો ઓર નવાઈ લાગશે. એ છે વલી મહમદ. વલી વિનાની નવરાત્રિ અધૂરી જ ગણાય છે. અદભૂત
સંયોગ ! નવરાત્રિનું માંડવી નૃત્ય અને મુસલમાન ! સાહેબથી ફરી બોલાઈ જવાયું.
રંગ અને ઉમંગ સાથે છ-સાત દિવસ પસાર થઈ ગયા. આઠમા દિવસે વલીથી ગરબો કરતાં હાંફી જવાતું. તેનાં મુખ પર સ્પષ્ટ થાક વરતાતો હતો. પણ આઠમની રાતનો ગરબો ઝીલવામાં જાણે તે થાકને ઓગળી રહ્યો હતો. નોમ નાં દિવસે આખો દિવસ તાવ રહ્યો, પણ રાતે વલી ગરબામાં હાજર. ઘરનાં લોકો એ આરામ કરવા કહ્યું. પરંતુ વલીની તો એક જ વાત: મારો વર્ષોનો નિયમ ન તૂટે. આ તો માતાનું સત છે. નોમની રાતે તે તન સાવ તોડીને મન મૂકીને નાચ્યો. માંડવીના દિવામાં તેલ ખૂટી રહ્યું હતું. દિવો ઝાંખો થતો જતો હતો.
દર વર્ષે તેનું નૃત્ય સુંદર લાગતું, પણ આજે તો જાણે તેમાં અલૌકિક દિવ્યતાની ઝલક ભાસતી હતી. તેની સાથે જાણે સમગ્ર ધરતી નૃત્ય કરી રહી હતી. અચાનક એક પવનના સપાટા સાથે દિવો હોલવાયો. સંગીત અને નૃત્યની સૂરાવલિ ત્યાં જ થંભી ગઈ.
જસપર ગામના ઇતિહાસમાં પહેલી વાર દશેરાની જમણવાર વલી મહમદના માતમમાં બંધ રહી.