આબરૂ
આબરૂ
‘સોનિયા હવે મારી હાર-જીત તારા હાથમાં છે.’ મહેંદ્ર એ સોનિયાનો વાંસો થપથપાવતા કહ્યું. તેની વાત સમજાતી હોય તેમ ઉત્તરમાં સોનિયા એ માથું ધૂણાવ્યું. આમ પણ મહેંદ્રને આખો દિવસ સોનિયા સાથે વાતો કર્યા કરવાની ટેવ હતી. લોકો કહેતાં: 'ઘોડી પાછળ ગાંડો થઈ જશે.'
સોનિયા મહેંદ્રને બહુ જ પ્યારી હતી. પહેલી વખત તે જ્યારે સોનિયા પર સવાર થયો અને જોરથી લગામ ખેંચી ત્યારે તો સોનિયા જોર થી હવા માં ઊછળી અને મહેંદ્ર સીધો જમીન પર પડ્યો. તરત જ ઇન્સ્ટ્રક્ટર દોડી આવ્યો. ‘અરે અરે સાહેબ એમ સીધી લગામ ન તણાય.’ પરંતુ પછીથી તો તેણે સોનિયાને મનાવી લીધી હતી. તે બીજી કોઈ ઘોડી ક્યારેય ટ્રાય ન કરતો. અને હવે તો તે સોનિયાને ખરીદી વાજતે ગાજતે ઘેર જ લઈ આવ્યો હતો.
આજે ઘોડાની રેસ હતી. કેટલાય જાતવાન ઘોડઓ વચ્ચેની આ સ્પર્ધામાં જીતે તેને મોટું ઈનામ તો હતું જ, પણ તેનાં કરતાં ય ક્લબમાં તેની પ્રતિષ્
ઠા ખૂબ વધી જતી. રેસ શરૂ થવાની તૈયારીમાં હતી અને મહેંદ્ર એ ઉપરના શબ્દો કહી સોનિયાને સ્ટાર્ટિંગ લાઇન પર મોકલી. અને ત્યાં જ ક્લેપ થઈ. બધા ઘોડા દોડવા માંડ્યા. તેમની ખરીઓના અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યા. સોનિયા પણ હવાની માફક દોડતી હતી. પણ અરે આ શું ? તે અચાનક થંભી ગઈ. તેનો પગ દોડતાં દોડતાં વાંકો વળી ગયો. મહેંદ્રનો જીવ તાળવે ચોંટયો. સોનિયા એ પગ ઉપડયો પણ તે વધુ ઝડપ કરી ન હતી શકતી અરે ! મહેંદ્ર એ આંખ બંધ કરી દીધી. ધીરે ધીરે કષ્ટ છતાં સોનિયા દોડતી રહી. જો કે તે પાછળ રહી ગઈ હતી. છેલ્લા મુકામ સુધી આવતા તેની ગતિ એટલી વધી કે માત્ર એક જ ઘોડાથી તે પાછળ હતી. ફિનિશિંગ લાઇન સામે જ દેખાતી હતી. પ્રેક્ષકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. હજી પણ સોનિયા પાછળ જ હતી. ત્યાં જ તેણે એક મોટી છલાંગ લગાવીને ફિનિશિંગ લાઇન પર કરીને નીચે ઢળી પડી. મહેંદ્ર દોડીને તેને ભેટીને રડી પડ્યો. ‘તે તો મારી આબરૂ રાખી, સોનિયા.’
ત્યારે સોનિયા નાં મુખ પર અપાર પીડા વચ્ચે એક સ્મિત ફરકી ગયું.