ચલક ચલાળું
ચલક ચલાળું


આજે સવાર-સવારમાં બગાસું ખાતાં ખાતાં ચાની તપેલીમાં પાણી ઉકળી રહ્યું હતું, ત્યાં જ મને એક શુભ વિચાર આવ્યો-આજે તો પૈસા ભરી આવવા જ છે. અને એ વિચાર ના જોરે ફટાફટ ચા-પાણી-સ્નાન પતવા માંડ્યા. પૈસા આવવાના ન હતા, જવા ના હતા, તો યે ઉત્સાહ હતો ! કારણ આ કામ ઘણા વખતથી પેન્ડિંગ હતું અને ગમે ત્યારે-અધરાત, મધરાત, દિન-રાત- રાતની મીઠી નીંદમાં કે બપોરનાં મનગમતા ટી વી કાર્યકમ નિહાળતાતાં યાદ આવી આવી ને મનને ફોલી ખાતું હતું. કોણ જાણે મારા કામવાળા મેડમને ક્યાંથી ટેલિપથી થઈ જાય છે તેથી જ્યારે મારે બહાર જવા નું હોય ત્યારે તે મોડી થાય થાય ને થાય જ. માંડ તે દસ વાગે આવી.
આમ-તેમ ઝાડુ ને બે વાર હલાવ્યુ ને આખો રૂમ થઈ ગયો સાફ. જો કે આજે તો તેની આ હવાઈ ઝડપ મને વરદાન રૂપ હતી. તેનાં જતાં સુધીમાં સમય ન બગડે તેથી હું તૈયાર થઈ ગઈ. પૈસા ભરવા ની ચેક-બુક માટે પોર્ટફોલિયો ખોલ્યો, તો તેમાં બીજી બધી પાસબુક મળી,પણ ચેકબુક નહીં. ના એટલે મળી તો ખરી, પણ તે પૂરી થયેલી હતી. આખા પોર્ટફોલિયામાં આમ-તેમ બધા ખાના માં જોયું. પણ ન જ મળી. મનમાં ખૂબ ટેન્શન થવા માંડ્યુ. છેલ્લે પૈસા ઉપાડવા બીજી તારીખે બેન્કમાં ગઈ હતી, ત્યાં તો નહીં રહી ગઈ હોય ? આખરે તેમાંથી બધુ બહાર કાઢી એક એક ચોપડી( બેન્કની જ સ્તો)જોઈ. પણ ના..મળવાનું નામ લે તે બીજા. આખરે ફરી શાંત ચિત્તે અંદર સુધી હાથ નાંખ્યો. અને છેક અંદરના નાના ફોલ્ડર જેવાં નીચે દબાયેલી મળી. ‘આવી રીતે કોણ મુકતું હશે ?’ મન માં ચીડ ચડી. પણ આના ઉત્તરમાં મારૂ જ નામ આવે તેવું ત્યારે ક્યાં થી યાદ આવે ?
ખેર આખરે દસના બદલે અગિયાર વાગે ઘર ની બહાર સ્કૂટી ને ભગાવી. માંડ એક સ્થળે પાર્કિંગ જગ્યા જોઈને સ્કૂટી નાંખ્યું, નીચે સ્ટેન્ડ સાવ ત્રાંસુ તો ય જમીનને ન અડે. અરે આ ઢાળ ક્યાં આવ્યો ? તેને ત્યાંથી પાછું વાળી ક્યાક દૂર જગ્યા શોધીને પાર્ક કર્યું અને હેંડતા હેંડતા કચેરી એ પહોંચી. કઈ કચેરી એ ન પૂછશો- એ કોઈ પણ જાહેર નાણાકીય એકમ હોઇ શકે. કારણ ‘નામ-રૂપ જૂજવા, અંતે તો એમ નું એમ હોય’ (નરસિંહની ક્ષમા-યાચના સાથે). પહેલાં આ કચેરીમાં ભરણું(ડિપોસીટ), ઉઘરાણું (વિડ્રો) જેવાં બોર્ડ હતાં તે હવે ગાયબ હતાં. એક સ્થળે May I help you. એવું પાટિયું હતું, જેમાં છેલ્લે પ્રશ્નાર્થના બદલે પૂર્ણ વિરામ હતું. આ ભાષા-ભૂલનું કારણ તે ખુરશી પર નજર કરતાં સમજાયું. તે ખુરશી ખાલી હતી! એટલે કે I may help you.હું મદદ કરી શકું,(કરવી હોય ને હાજર હઉ તો) ક્યાંક કોઈ બારી પર પૂછી ફોર્મ માંગ્યા. એક ખૂણો શોધી ભરવા માંડ્યા અને લાઇનમાં ઊભી રહી ગઈ. વારો આવ્યો તો કહે, ટોકન લઈ આવો.. ઓહો. .ટોકન...
જે ખાતાંમાં લેવડ-દેવડ હતી તેનો પ્રકાર સિલેકટ કર્યો. ત્યાં તો નાની પરચી હવામાં ઊછળી, જેને ઝપકી ને લેવા જતાં હું પડતાં બચી. ફરી લાઇન.. અરે, આ નહીં, ‘ચેક-ડિપોસીટ’નો ટોકન જોઈએ. ફરી મશીનને શરણે.. આ વખતે તો હાથ મશીનના મોઢા પાસે રાખી, લઈને દોડ્યા બારી પર.. ફરી લાઇન.. બે ચેક હતાં. તેમાંથી એક સ્વીકારવામાં આવ્યો. બીજો આ જ કચેરીની અન્ય શાખાનો હોવાથી
‘૯ નંબર ની બારી જાવ..’ ઓકે.. ફરી ટોકન,લાઇન,
‘આ ટોકન ન ચાલે.’
‘?’
‘તમને સમજ નહીં પડે. પટાવાળાને કહો કાઢી આપશે’. પટાવાળો ગાયબ હતો. એટલે કમને તેણે કહ્યું: આ બારી પર ‘મલ્ટી- પરપઝ ટોકન’ લાવવાનો. .
‘સાહેબ બારીએ બારીએ સિસ્ટમ બદલાય તે ખબર નહીં...
આખરે ‘પત્યુ’ ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. જાતને સંભાળું કે ચેકબુક ને ! આ કવિઓ વરસાદનાં વખાણ શું જોઈ ને કરતાં હશે ?
ઘેર પહોંચી મમરા મોઢામાં મૂક્યા તો હવાઇ ગયા હતાં. મમરા પર છાશ ને મરચું ભભરાવી ભેળનું લંચ કરતાં વિચારું છું- આવું મારી સાથે જ કેમ થાય છે ?