કોલસાની દલાલી
કોલસાની દલાલી
‘મે ક્યાં આ કોલસાની દલાલી કરવામાં હાથ નાંખ્યો ?’ નીરેન ગુસ્સામાં હતો. ...
‘પણ થયું શું?..પત્ની એ તેને ઠંડો પાડતાં પૂછ્યું.
‘અરે આ રાજેશનાં ઘરમાં ઝગડો ન હતો, મિલકત માટે? એની વાત છે... ‘
રાજેશ તેનો ખાસ મિત્ર હતો. નાના ભાઈ સાથે બાપીકા ઘર માટે ઘણા સમયથી વિખવાદ ચાલતો હતો.
‘ તને તો ખબર છે ને કોઈ નમતું જોખવા તૈયાર ન હતું? ‘
હા.. તો.. ?
કેટલીય વાર રાજેશ ને મળ્યો, એના ભાઈ સાથે મિટિંગ કરી.. ભાઈ તો કહે હું રહું છું માટે ઘર મારૂ જ કહેવાય.. સમારકામ માટે મોટા ભાઈ એ કોઈ દિવસ પૈસો આપ્યો છે?
‘એમ ન હોય.. ભાઈ, બાપનાં ઘરમાંથી તું મોટા ભાઇનો પગ કાઢે? ને કોર્ટ-કચેરી થાય તો મહાસુખરાયનાં ખાનદાન ને એ શોભે? તમારી બે ભાઈની જીદમાં સંત જેવાં બાપનું નામ બદનામ થાય તેનું શું?’
તો પછી ઉપલી રૂમ એમની..
ઉપલી રૂમમાં જવા માટે નીચે ભોંયતળિયેથી પહેલા મળે જવાનું, જ્યાં ભાઈ રહેતો હતો અને ત્યાંથી ઉપલા માળની સીડી પડે.
"ql-align-justify">‘પણ ભાઈ મારે ઘેર જવા તને હંમેશ ડિસ્ટર્બ કરવો પડે.. અને આમ પણ એ રૂમ કાયમ તપે, અને જગ્યા સ્ટોરથી વિશેષ નથી... ‘
પણ ભાઈ તો કહે ‘રાજેશભાઈ તમારે ક્યાં અહી રહેવું છે?’
ઘણી ચર્ચા નાં અંતે ભાઈ ને ઉપર તથા નીચેની એમ બે રૂમ આપવા મનાવ્યો. રાજેશ ને પણ મનાવ્યો:
‘હવે તું એનાં પિતાની જગ્યા એ કહેવાય. એટલે ભલે અગવડ લાગે પણ જૂના ઘરનાં ભાગ કરવા મુશ્કેલ હોય છે.. એકલી અગાશીની રૂમ કરતાં તને નીચેનો ભાગ પણ મળે છે ને?’
માંડ સમાધાન થયું.. અને હવે બોલ્યા વહેવાર પણ થયો..
‘તો પછી વાંધો ક્યાં છે? ‘ પત્ની ને સમજાયું નહીં કે આટલો ગુસ્સો શાનો છે?
અરે ભાઈ હવે રાજેશની પત્નીને લાગે છે અમારે તો જતું જ કરવું! તેને લાગે છે કે મે મિત્ર હોવા છતાં રાજેશનું હિત ન જોયું!
‘બોલો વેર મટયું, ભાઈ આપતો હતો તેનાથી વધુ મળ્યું, છતાં જશ નહીં... કોલસાની દલાલીમાં હવે પડું જ નહીં ને, નાહક હાથ કાળા થાય..
‘કોલસાની દલાલીમાં હાથ કાળા થાય.. પણ આ તો અત્તરનો વેપાર છે... કોઈને અત્તરની વાસ ન પણ ગમે. તેથી શું? પણ આપણાં હાથમાં સુવાસ જ પ્રસરે.. જરૂર પડવું.’ પત્નીએ ઉત્તર આપ્યો.