વિધિની બલિહારી
વિધિની બલિહારી
વિધિની બલિહારી
છેલ્લાં ત્રણેક દિવસથી ઉકળાટ વધતો જતો હતો. બાફથી પરેશાન લોકો બોલી ઉઠતાં: આટલી ગરમી તો ઉનાળામાં પણ નથી લાગી. જૂનનું ત્રીજું અઠવાડિયું બેસી ગયું હતું. કેરળમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં પણ એવી જ ફટકાબાજી કરીને વરસાદ જાણે મુંબઈ ગમી ગયું હોય તેમ ત્યાં જ અટકી ગયો હતો. ગુજરાતના લોકો હવે તો વરસાદ આવ્યો જ જાણો એમ આશા રાખીને બેઠા છે. પણ વરસાદ મુંબઈથી આગળ વધવાનું નામ લેતો જ ન હતો.
અને અત્યારે ત્રણ દિવસ પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. બપોર થતાં સુધીમાં તો રાત જેવુ અંધારું છવાઈ ગયું. અને મેઘ પોતાની સાથીદાર વીજળી સાથે મધ્ય ગુજરાતના નગરો પર તૂટી પડ્યો.
કેટલાય લોકો વાહનો સાથે રસ્તામાં અટવાયા. ટ્રાફિક જામની સ્થિતિ ઠેર ઠેર સર્જાઈ. સતત ત્રણેક કલાક વણથંભ્યો વરસાદ ચાલુ રહેતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું હતું. ક્યાંક કેડ સમાણા પાણી તો ક્યાંક ઘૂંટણભેર પાણીમાં લોકો ચાલીને જઈ રહ્યા હતાં. અને આ રીતે જ વ્યવસાયના કામ અર્થે નીકળેલ પિતા-પુત્ર ઘેર પાછા ફરી રહ્યા હતાં. મહેશભાઇના ખુદના કટલેરીના ધંધામાં જ તેમનો ત્રીસેક વર્ષનો દિકરો મિતલ જોડાયો હતો. ઘરથી આગળનાં ચોક પર રિક્ષા અટકી.
‘હવે આગળ નહીં જાય.’ ચોકમાં પાણી જોઈને રિક્ષાવાળા એ કહ્યું.
‘કઈ નહીં ભાઈ તારી રિક્ષાને નુકસાન થાય તે કરતાં અમે ચાલી નાંખીશું.’
દસેક મિનિટ તો ચલાઇ
જશે તેથી બંનેને રાહત હતી. ધીમે ધીમે બેલેન્સ રાખતા રાખતા, એકમેકના હાથમાં હાથ ભરવી પિતા પુત્ર રસ્તો કાપી રહ્યાં હતાં. કોઈક લોકો એ કહ્યું પણ ખરું: કાકા તમે ક્યાં આ વરસાદમાં નીકળ્યા ?
ના ના હવે તો વરસાદ ઘટી ગયો છે. હમણાં પહોંચી જાશું. તેમનું આ ‘હમણાં’ એક કલાક સુધી ચાલ્યું.
‘હા ..શ’ પોતાની ‘પ્રભુતા’ સોસાયટીનો ગેટ દેખાતા જ બંનેના જીવમાં જીવ આવ્યો.
ગેટનો દરવાજો આધાર માટે પકડતા જ મિતલની ચીસ સંભળાઇ. ‘અરે ! પિતા તરત જ દોડીને છોડાવવા ગયા. પણ આ તો વીજ-કરંટ.. મહેશભાઇ પણ ચોંટી ગયા. ચીસાચીસથી સહુ બહાર દોડી આવ્યા. આસપાસ બધે પાણી ભરાયું હતું. કોઈની હિંમત પાસે જવાની ન હતી થતી. તાત્કાલિક વીજ કંપનીમાં ફોન જોડાયો. એકાદ સાહસી ઘરમાંથી ધોકો લઈને છોડાવવા ગયો. પણ તે પટકાયો. પાણીના કારણે કરંટથી બચવાનું મુશકેલ હતું. બંને તરફડી રહ્યાં હતાં.. લોકો નિ:સહાય બની જોઈ રહ્યાં હતાં.
મિતલનો દસેક વર્ષનો દિકરો બહાર આવ્યો. તે ડેડી અને દાદાને તરફડતા જોઈ કઈ વિચાર્યા વિના તેમના તરફ દોડ્યો. તે સાથે જ દાદા એ મોટી ચીસ નાંખી: ‘ ન...હી...’ અને તેનો દેહ ઢળી પડ્યો. લોકોએ દોડી જતાં એ દિકરાને પકડી રાખ્યો. પણ થોડી જ વારમાં મિતલનું પ્રાણ-પંખેરૂ ઊડી ગયું હતું.
વિધિની આ તે કેવી બલિહારી કે જેને દુનિયા શું વિષે કઈ ખબર કે સમજ નથી તેવાં દસ વર્ષનાં છોકરાને તેનાં વ્હાલાં ડેડી અને દાદા ને જાણે અગ્નિદાહ દેવા માટે જ બચાવી લીધો !