Swati Dalal

Drama Romance Thriller

4.2  

Swati Dalal

Drama Romance Thriller

સમી સાંજનાં સથવારે - ૨

સમી સાંજનાં સથવારે - ૨

6 mins
395


"તારા વિનાના શહેરમાં તને જ શોધતાં રહ્યાંં....

તું મળ્યો, તો પણ સાવ અજાણ્યો જાણે."

                  ધીમા ડગલે અનુશ્રી તેના રૂમમાં આવી, પડદા ખોલી ને બહારની વિશાળ બાલ્કનીથી આગળ વિસ્તરેલા આ શહેરને જોઈ રહી. રૂમની ઠંડી હવા અને બહાર ઉકળાટભર્યું વાતાવરણ આ બધાની વચ્ચે તે કંઈક અલગ જ અનુભવ કરી રહી હતી. આકાશની વિશાળતા અને મનની વિશાળતા કંઈ કેટલુય છે બેય પાસે, આકાશમાં અને મનમાં બધું જ અકબંધ.... આટલા વર્ષે પણ આરવને જોઈને આ અનુભૂતિ ? આરવ સાથે ઝરૂખે બેસી ને જોયેલું આસમાન આજ તો છે, આજ તો હતું. કંઈક ઊંડે ઊંડે રણઝણી ઊઠ્યું. અનુશ્રી ને કંઈક અમૂલ્ય મળ્યાનો ભાવ કે ના સમજાય તેવા આંદોલન તેના હૃદયમાં વ્યાપી રહ્યાં હતાં.. "આરવ" આ નામ કે આ વ્યક્તિત્વ ને ક્યારેય તે પોતાનામાંથી બહાર કાઢી જ ન શકી હતી. .અને આજે અકસ્માતે પ્રાપ્ત થયેલી આ વર્તમાનની ક્ષણ તે ખોવા નહતી માંગતી.

           એના મોબાઈલમાં રીંગ વાગી, દીકરી રાશિનો ફોન હતો, યુવાન થતી જતી પુત્રી રાશિને હંમેશા મા ની ચિંતા રહેતી, " મોમ તું ક્યાં છે ?"..."હાવ વોઝ યોર ટ્રીપ એન્ડ ફંક્શન"? .જેવા ઉતાવળિયા બધા જ પ્રશ્નો પૂછી લીધા, અનુશ્રી એ બધાના જવાબ આપ્યા, અને રાશિ કહી રહી હતી, "મોમ, રૂમમાં બંધ બેસી ના રહીશ," ઈટ્સ યોર સીટી, ચીલ મોમ, ડુ શોપિંગ . .. કાલે મળીએ બસ... "એમ કહીને મોબાઈલ મૂકી દીધો ... .અનુશ્રી હસી પડી. રાશિ પણ બિલકુલ પોતાના જેવી જ ઉતાવળી.

                તેણે ફરી દરવાજે નજર કરી, આરવ આવશે તો ખરો ને, જો કદાચ નહિ આવે તો ? કંઈક કેટલુંય પૂછવું હતું, વાત કરવી હતી, કહેવુંં હતું. પણ આરવ છે જ એવો. . આવવા દે ને આજે, અનુશ્રી બબડી ઊઠી. ધીરજ ખૂટતા તે દરવાજા તરફ આગળ વધી, અને ત્યાં જ દરવાજે આરવ દેખાયો સફેદ ઝભ્ભામાં, થોડો વધુ જાણીતો.... અનુશ્રી એ તેને ઉત્સાહથી આવકાર્યો, રૂમમાં આવ્યા બાદ ક્યાં બેસવુંં તેની મથામણમાં આરવ ઊભો જ રહી ગયો ...ખૂબ સાહજિકતાથી અનુશ્રી એ ખુરશી પર ફેલાવેલી પોતાની સાડી ઉઠાવીને સમેટીને કબાટમાં મૂકી ...જાણે સાથે સાથે આરવ સિવાયનું બધું જ વિશ્વ સમેટી લીધું હોય. આરવ વિચારી રહ્યો, આ સ્ત્રીઓ કેટલી તરલ અને સહજ હોય છે, અને પુરુષ. . . . ...આરવની વિચાર તંદ્રા ને તોડતા, અનુશ્રી આરવ ની સામે જ પલંગ પર પલાંઠી વાળીને ગોઠવાઈ ગઈ. . . આરવ ને જોઈને આજે રહી રહી ને અનુશ્રીના મનમાં અઢાર વર્ષની મુગ્ધા જેવા ભાવો આવતા હતાં. ...એ દિવસે વર્ષો પહેલા તેના રૂમમાંથી  હંમેશાં માટે આરવ નું જવુંં અને આજે આવવુંં, એ બે વચ્ચે કંઈ કેટલીય ઘટનાઓ બની ગઈ, કેટલાય વર્ષો, કેટલાય સંજોગો આવીને ગોઠવાઈ ગયા હતાં, પરંતુ શું ખરેખર ક્યારેય આરવ મનમાંથી બહાર ગયો હતો ? અનુશ્રીની આંખોમાં એક સવાલ આવી ગયો.

         બેય સામે સામે બેસીને બંને વચ્ચે પથરાયેલા મૌનને માણી રહ્યાં હતાં. આરવને મનમાં સવાલો ઊઠતાં હતાં ", આ અનુ સાથે વાતો કરતા તો દિવસો ખૂટતા હતાં અને આજે શબ્દો જ નથી !" વચ્ચેના સમય ની કેટલીય ઘટનાઓ આ મનમાં ઘર કરી ગઈ છે...કદાચ બધું ય ચોસલાની જેમ ઘટ્ટ જામી ગયું છે, સામે બેસીને આરવ ને તાકી રહેલી, પણ વિચારોમાં ખૂબ દૂર જઈ ચૂકેલી અનુશ્રી ને સંબોધીને આરવે કહ્યું, "અનુશ્રી, તમે ખુબ સરસ લખો છો, મેં મોટેભાગે તમારી બધી જ નોવેલ વાંચી છે, હા, પણ તમારી અમુક વાતોને સમજવાની મથામણ હજી પણ રહે જ છે. . .  હવે અનુશ્રી થોડી છંછેડાઈ અને બોલી ઊઠી, "જો આરવ, આપણને અમુક શબ્દો બોલતા, તકલીફ પડે તો તે નહિ બોલવા જોઈએ કદાચ તે સાંભળવામાં પણ એટલી જ તકલીફ આપે છે ! આરવ આશ્ચર્યથી તાકી રહ્યો, કહ્યું," અનુશ્રી સમજાય તેવુંં કહો " આરવ, આ શું, તમે ...તમે અને અનુશ્રી ! શું માંડ્યું છે...? દર વખતે. હવે આપણે અજાણ્યા છે, અને એકબીજાથી ખૂબ દૂર છે એવો ભાવ દર્શાવવો જરૂરી છે ? અનુ એમ નહીં, પણ શું કહું કઈ સૂઝ્યું નહીં, એટલે. .હજી, આરવ કંઈક આગળ બોલી રહે તે પહેલાં જ અનુશ્રી ખડખડાટ હસી પડી, હજી પણ એ જ આરવ?  સૂઝ્યું નહીં !! અને અચાનક બધું જ પીગળવા લાગ્યું, જામેલા ચોસલાઓ પીગળી ને વહેવા લાગ્યા. આરવ ખડખડાટ હસતી અનુશ્રી ને જોઈ રહ્યો... મનમાં ધીરે ધીરે એક સ્વસ્થતા વ્યાપી રહી હતી... કદાચ ઊંડે ઊંડે જે ક્ષણની રાહ જોઈ હોય કે સ્વપ્નમાં વિચારી હોય એ અત્યારે સાક્ષાત જ હતી. અને ધીમે ધીમે બે વચ્ચે સમયે રાખેલા પડદા ખૂલતાં જતા હતાં. અનુ અને આરુ... સંબોધનો ધીમે ધીમે ટૂંકા થતા ગયા, એક આખો સમયગાળો લગભગ થીજી ગયેલો કદાચ ધૂંધળો થઈ ગયેલો આજે પુનર્જીવિત થયો હતો.

               અનુશ્રી બોલી ઊઠી, આરવ હું આજે હવેલી પર ગઈ હતી, પિતાજી ના અવસાન બાદ મેં એ હવેલી વેચી દીધી હતી. આરવ બોલી ઉઠ્યો, " હું આવ્યો હતો એ દિવસે અનુશ્રી, કાકાજી ના ખૂબ ઋણ હતાં મારા પર, ખબર મળતા જ અંતિમ દર્શને આવ્યો હતો," પણ તને અને હવેલી ને આ બધું દૂરથી જોઈ રહ્યો હતો જુનુ બધું ફરી ઉખેડવા કરતાં ચુપચાપ પાછો વળી ગયો હતો. ... બન્ને અચકાયા હજી હમણાં તો મળ્યા હતાં અને એ જ જુના ઘાવ ક્યાં ખોતરવા.... અને ચુપચાપ બે જણા જાણે હવેલીના ઝરૂખે જઈ પહોંચ્યા, સાથે તો અહીં બેઠા હતાં પણ સંવાદ કદાચ એ જ ઝરુખે થઈ રહ્યો હતો ....અનુ ના પિતાજીના મિત્રનો પુત્ર આરવ શહેરમાં ભણવા આવ્યો હતો અને પિતાજીના આગ્રહ થી પછી હવેલી પર જ રહ્યો. કોલેજના સમયને બાદ કરતા લગભગ આખો દિવસ અનુશ્રી ની આરુ ઓ આરુ ની બૂમો ના જવાબ આપવામાં અને તેની વાતો માં પસાર થઈ જતો, અને ક્યારે બે હૈયા પ્રેમનાં તાંતણે જોડાયા કદાચ તેમને ખુદને પણ ખબર ન રહી. ..એક બીજા વિનાનું જીવન તો કદાચ સ્વપ્ને પણ ન વિચાર્યું હતું. . એકબીજાની સાથે ક્ષણે ક્ષણ જીવેલા, એ બંને અનેે કદાચ એકબીજાને પોતાની અંદર વર્ષોથી સાચવીને જીવેલા બંને, આજે એકબીજા વિશે કશું જાણતા ન હતાં .. નિ:શબ્દ એકબીજાની આંખોમાં ઝાંખી ને પણ જાણે બધા જ ભાવ પ્રગટ થઈ જતા હતાં ....શું પૂછવું અને શું કહેવુંં. કદાચ કઈ વસ્તુ કે વાતથી વર્ષોના રૂઝાઈ ગયેલા ઘા લીલા થઈ જાય ..એ ડર થી પણ કદાચ શબ્દો ગેરહાજર હતાં, પણ આંખો બધી જ વ્યથા ઠાલવી રહી હતી.

           આવું વજનદાર મૌન વધુ ન જીરવાતા અનુશ્રી હળવેથી ઊભી થઈ પૂછ્યું, " આરવ કોફી કે ચા પીશો " તો આરવ પણ ઊભો થયો, બોલ્યો, લાવ હું જ કોફી બનાવી લાવુંં આપણે માટે, તું બેસ, થોડી નવાઈ સાથે અનુશ્રી બાલ્કનીમાં આવી. બે ખુરસી વચ્ચે ટીપોઈ અને થોડા કુંડા અને ત્યાંથી આગળ વિસ્તરેલું શહેર. અમદાવાદના વાતાવરણમાં સાંજનો બાફ હતો ....અનુશ્રી ખુરશી પર ગોઠવાઈ અને આરવને જોઈ રહી. પોટ માં પાણી ઉકળતું હતું, આરવ બે કપ માં કોફી નાખી રહ્યો હતો. કેવું દ્રશ્ય. ..મનોમન વિચારી રહી. .કદાચ એ ક્ષણે વર્ષો પહેલા આરવ છોડીને ન ગયો હોત તો આજે આ ક્ષણ. ....વિચિત્ર કલ્પના. ....અનુશ્રી ઊંડા વિચારોમાં ડૂબી ગઈ..., આરવ બે કપ કોફી લઈને આવ્યો અને બોલી ઉઠ્યો, " ચાખી જુઓ અનુ "... મને સંધ્યાએ સરસ કોફી બનાવતા શીખવ્યુ છે, અને ફરી એક ક્ષણ થીજી ગઈ અનુની આંખમાં. ..સંધ્યા નામ છે, અનુશ્રી મનોમન વિચારી રહી. કેવી હશે આરવ ની સંધ્યા ? એક આછેરી ઈષ્યૉ નો ભાવ તેની આંખમાં પ્રગટી ગયો. પોતાના બધા જ ભાવ છૂપાવતા કોફીનો કપ મોઢે માંડ્યો, કોફી સરસ છે આરવ. ...આ બધી જ ક્ષણોમાં આરવ એક ટક અનુશ્રી ને તાકી રહ્યો હતો, આંખોથી વ્યક્ત થતાં ભાવો અને આંખોથી જ છૂપાતા ભાવ ની વચ્ચે વિસ્તરતી જતી આ ક્ષણો.

             આ બધી જ વજનદાર ક્ષણો ને સમેટીને અનુશ્રી બોલી, ચલ ને આરવ કયાંક બહાર જઈએ, તું આવીશ ? આરવે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો ....તું આવુંં પૂછતી ક્યારથી થઈ અનુશ્રી, આ તો તારો સ્વભાવ જ નથી...તે ઊભો થયો ....કહ્યું," હું તૈયાર થઈને આવુંં છું ". "હું 302 માં છું ".."આપણે 10 15 મિનિટમાં જ મળીએ છીએ .". આરવ પણ કદાચ અનુશ્રી જેમ જ અનાયાસે હાથ માં લાગેલી અમૂલ્ય ક્ષણો ને જીવી લેવા માંગતો હતો. મળેલા થોડા સમયનો ઉપયોગ કરીને અનુશ્રી સામે વ્યક્ત થવા માંગતો હતો, સમયે છીનવી દીધેલી સંબંધની સહજતા પાછી મેળવવા માંગતો હતો, વર્ષો સુધી મનોમન અનુ સાથે કરેલી વાતો તેને જણાવવા માંગતો હતો, અને તેથી જ ધીમે પગલે પોતાના રૂમ તરફ જઈ રહેલો આરવ વિચારી રહ્યો, આ શું થઈ રહ્યું છે, તેની સાથે આજે ! અનુશ્રી તો હંમેશાં તેની અંદર જ જીવી હતી, પણ અનુ તેનો ભૂતકાળ હતી, તેની સામે સંધ્યાનો સૌમ્ય ચહેરો આવી ગયો, પ્રેમાળ અને સમજુ, કેટલી મહેનત કરી હતી એણે બંધ આંખોમાં દેખાતા અનુ ના ચહેરા ને ખસેડી ને સંધ્યા ને ગોઠવવા માટે. .કદાચ આજે જયારે સંધ્યા જ તેનું સર્વસ્વ છે, તો શેના માટે સંજોગોએ આજે તેને અને અનુશ્રી ને સામ સામે લાવી ને ઊભાં કરી દીધા. આરવ ના પગલાં ખચકાયા....તેણે વધુ ને વધુ સ્વસ્થ રહેવાની કોશિશ કરી... પણ અનુની સાથે જીવેલો આખે આખો ભૂતકાળ ચલચિત્ર ની જેમ નજર સમક્ષ વહેવા માંડ્યો...અને અવશ પણે આરવ વહી નિકળ્યો.

વધુ આવતા અંકે.

કંઈ જ ખૂટતું નથી અને છતા પણ કંઈક શોધવાની કે મેળવવાની મથામણમાં અનુ અને આરુ ની સાથે વાંચતા રહો..

સમી સાંજ ના સથવારે.


Rate this content
Log in

Similar gujarati story from Drama