સમી સાંજનાં સથવારે - 1
સમી સાંજનાં સથવારે - 1
તું એટલે મારી એ અધૂરી વાર્તા, જેને હું કદી પૂર્ણ કરવા નથી માંગતી..
તું એટલે મારી નવલકથાનો એ રાઝ, જેને હું કદી ઉકેલવા નથી માંગતી...
તું એટલે દોસ્તનાં રૂપમાં એવો સાથ, જેને હું કદી ખોવા નથી માંગતી...
તું એટલે હરપળ આવતી એવી યાદ, જેને હું કદી ભૂલવા નથી માંગતી ..
હવામાં હજી ગુંજી રહેલા શબ્દો...
આરુ ઓ આરુ....ઉછળતી કૂદતી, દોડતી એક છોકરી આવીને થાંભલાની પાછળથી બૂમો પાડી રહી હતી...અઢાર વર્ષની ચંચળ અને ખૂબ ઉતાવળી છોકરી બૂમો પાડીને, આરુ ને શોધી રહી હતી, અને ગુસ્સામાં પગ પછાડીને સ્વગત જ બબડી ઊઠી.. કેવો છે, હંમેશા કીધા વગર જ ચાલ્યો જાય છે ..આવવા દે આજે એને, અને ફુંગરાયેલા મોઢે પાછી દાદરો ઉતરી જાય છે. પણ આરુ ..ઓ ..આરુ. ના પડઘા આ રુમમાં હજી પણ ગુંજી રહયા હતાં.
અનુશ્રી કેટલીય વાર થી આ રૂમમાં આમ જ થાંભલો પકડીને ઊભી છે, કોક જમાનામાં આ રૂમ આરવનો હતો. આ થાંભલો આ ઝરૂખો બધું જ હજુુ મોટા ભાગે એમનું એમ જ છે ..પિતાના મૃત્યુ બાદ તો શહેરની આ હવેલી તેણે વેચી દીધી હતી. રાજીવ પણ એ જ મત નો હતો, કોણ હંમેશા આવશે અહીં સમારકામ કરાવવા. .ખાસ્સા ૧૫ વર્ષ બાદ અમદાવાદ આવેલી અનુશ્રી હવે તો લગભગ ૪૫ વટાવી ચૂકેલી પ્રખ્યાત લેખિકા અનુશ્રી દવે બની ચૂકી હતી. ગુજરાતી સાહિત્ય સમારોહના આમંત્રણને સ્વીકારીને, ખાસ તો હંમેશા, અમદાવાદ આવવાનું ટાળતી અનુશ્રી, બેંગ્લોરથી સવારે જ અહીં આવી હતી ...બપોર સુધીમાં સમારોહ પતી જતાં તે શહેરની મધ્યમાં ગીચ પોળો ની વચ્ચે આવેલી પોતાના પિતાની જૂની પણ ખુબ સુંદર હવેલી પર આવી પહોંચી હતી, વળી આ હવેલી હેરિટેજમાં આવતી હોવાથી તેમાં ખૂબ ઓછા ફેરફારો કરાયા હતાં. હાલના માલિકની અનુમતિ લઈને અનુશ્રી હવેલીનો એક એક ખૂણો ફરી રહી હતી, જ્યાં તેનું રમતિયાળ બાળપણ વીત્યું હતું, હવેલીનો વિશાળ ચોક, અંદરના ભાગે પડતું રસોડું, દાદર ચડીને ઉપર ચોતરફ આવેલા રૂમ અને દરેક રૂમના ઝરૂખા. લાકડાની કોતરણીવાળા થાંભલા બધું જ એમનું એમ હતું ! અનુશ્રી દરેક જગ્યાને હાથ લગાવીને તેને અને તેના સ્પંદન ને અનુભવવાની કોશિશ કરી રહી હતી, દરેક જગ્યા ના અલગ અનુભવ તેને કોઇ બીજી જ દુનિયામાં લઈ જતા હતાં, તેના બદલે કોઈ સત્તર અઢાર વર્ષની છોકરી જાણે આખી હવેલીમાં તેની આગળ આગળ ફરી વળતી હતી. તેના પિતાનો રૂમ ક્યારેક તેમાં પુસ્તકોનો ભંડાર રહેતો હતો, લાકડાના કબાટ અને એજ ટેબલ ..તેનો હાથ ટેબલના ખૂણે જઈ પહોંચ્યો જ્યાં તેણે અંગ્રેજીમાં " એ "કોતર્યો હતો, હજી પણ ત્યાં જ હતો. ..અનુશ્રી એ માર્દવતાથી તેની ઉપર હાથ ફેરવ્યો.. દરેક ઝરુખામાંથી દેખાતો વચ્ચેનો ચોક જેમા વચ્ચોવચ કરેલી રંગોળી અને એ સાથે જ અનુશ્રી ને માતાની અંતિમ વિદાઈ યાદ આવી ગઈ... કદાચ 15 વર્ષની હતી અનુશ્રી, અને માતાએ એક નાનકડી બીમારી માં જ વિદાય લીધી ..અહીં જ ચોકમાં વચ્ચોવચ છેલ્લે સુવાડી હતી. ..પિતાના ખોળામાં માથું મૂકીને ભીની આંખે તે એકીટશે પોતાની માને જોઈ રહી હતી. અનુશ્રીએ મન પર વજન અનુભવ્યું, અચાનક જ હવેલીથી મન આળું થઈ ગયું. .આ હવેલીએ એનું બધું લીધું જ છે.. પહેલા માતા પછી આરવ અને પછી પિતા. .તેની આંખોમાં ઝાંખપ આવી ગઈ, આંસુના ટીપાં હતાંં ..હવેલી ના માલિક ને હાથ જોડીને અનુશ્રી ઝડપથી બહાર નીકળી ગઈ..... પાછી વળીને જોયું તો એ જ અઢાર વર્ષની છોકરી ઉપરના ઝરૂખામાંથી બૂમો પાડી રહી હતી. આરુ ઓ આરુ..
આટલી બધી યાદો જોડાયેલી હતી આ શહેર સાથે.. કદાચ એટલે જ હવે અનુશ્રી અહીં આવવું ખૂબ ઓછું ઈચ્છતી હતી. થોડું ચાલીને ચિરપરિચિત પોળની બહાર ઉભેલી ગાડીમાં ગોઠવાઈ ગઈ ..થોડીક જગ્યાઓ ને બાદ કરતા લગભગ આખું શહેર તેને નવું લાગી રહ્યું હતું... એ જ બાફ, અને હવામા ખૂપી જાય તેવી તિખાશ, ઉતાવળીયા શહેર નો વધતો ટ્રાફિક, અનુશ્રી એક નજરે જોઈ રહી હતી.
રાજીવ નો કેટલો આગ્રહ હતો અને તેથી જ તો તે આ વખતે એકલી અમદાવાદ આવી હતી.. પણ હવે જાણે એક અકથ્ય વેદનાથી મન ભરાઈ ગયું હતું ..અનુશ્રી ને તીવ્ર ઈચ્છા થઈ કે હમણાં જ પાછી બેંગલોર જતી રહે, પણ આવતીકાલની સવારની ફ્લાઈટ હતી, અને હજી તો ફક્ત બપોર જ નમી છે, આખી સાંજ અને રાત આ શહેરમાં વિતાવવાની છે. તેણે રાજીવ ને ફોન કર્યો, સામે થી એજ ખુશમિજાજ અવાજ, શું થયું અનુશ્રી, પાછુ આવવું છે ? તમને બધી જ ખબર હોય છે રાજીવ.. હા અનુ, તને ઓળખું છું...હવે હું શું કરીશ આખો દિવસ રાજીવ? અનુશ્રી એ તારું પોતાનું જ શહેર છે..ફરી લે... કાલે તો આવી જ જઈશ. કમને ઓકે ..કહી અનુશ્રી એ ફોન મૂક્યો.
શહેરના છેડે આવેલા ફાઇવ સ્ટાર રિસોર્ટ સુધી પહોચતા જ અનુશ્રી ને પાછા જતા રહેવાની ઈચ્છા ફરીથી બળવત્તર થઇ ઊઠી ..રિશેપ્સનથી કી કાર્ડ લઈને તે રૂમમાં પહોંચી સવારથી પહેરેલી પ્યોર સિલ્ક ની સાડી બદલી ને તેના મનપસંદ કુર્તી અને જીન્સમાં આવી ગઈ..... 45 વર્ષની અનુશ્રી યુવાન સંતાનની માતા હોવા છતાં હજી પણ એટલી જ આકર્ષક હતી. " રાશિ "...તેની પુત્રીનાં આગ્રહથી સમારોહ વગેરેમાં અનુશ્રી સાડી જ પહેરતી અને ખરેખર સૌની નજર હજી આજે પણ તેના પર અટકતી હતી ..રૂપાળો ગોળ ચહેરો અને ગાલમાં પડતા ખંજન તેની માતા ની સોગાત હતી અને સાડા પાંચ ફૂટથી વધુ હાઈટ પિતા પાસેથી મળી હતી, જે તેના વ્યક્તિત્વને અનેરો ઓપ આપતી હતી.
કપાળે લગાવેલો લાલચટક ચાંદલો કાઢીને મોઢુ ધોયુ, તેની ત્વચા તાજગીથી તગતગી ઊઠી, છુટ્ટા વાળનો ચોટલો વાળીને અનુશ્રી એ ઘડિયાળમાં નજર કરી, લંચ માટે વિચાર્યું પણ ત્રણ વાગી ગયા હતાં, આમ તો જમવાનો સમય વીતી જ ગયો હતો, પણ હવે તેને ભૂખ નું ભાન થયું હતું, તેણે હોટલની રેસ્ટોરન્ટમાં જ જવાનું વિચાર્યું, આમ પણ તે એકલતાની આદિ ન હતી ...રૂમમાં પુરાઈ રહેવું તેને માટે હંમેશા અસહ્ય થઈ પડતું હતું, તે ઉપડી .....ખૂબ પાંખી હાજરી ધરાવતા રેસ્ટોરન્ટમા ધીમા ધીમા અવાજે વાગતું સંતૂર, અનુશ્રી ટેબલ પર ગોઠવાઈ, આમ તો ખૂબ ઓછા પ્રસંગ બનતા કે અનુશ્રી એકલી હોય, આજે તેણે સૌથી મુશ્કેલ કામ કે પોતાના માટે જમવાનું ઓર્ડર કરવું, શરૂ કર્યું. ઈચ્છા પણ ન હતી અને સમય પણ તો વીતી ગયો હતો તેથી તેણે સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કર્યુ. ...હવે તે આમતેમ જોવા લાગી એકાદ બે કપલ, બિઝનેસ મિટિંગ માં વ્યસ્ત ગૃપ અને થોડે આગળ એકલો બેઠેલો પુરુષ અત્યારે તો રેસ્ટોરન્ટમાં આટલા જ લોકો હતાં.... પણ હવે તેની નજર અટકી થોડે આગળ એકલા બેઠેલા જમી રહેલા પુરુષની પીઠ જ દેખાતી હતી અને વાંકડિયા વાળ. પણ ખબર નહીં અનુશ્રી ને બધું જાણીતું લાગ્યું, તેણી એ પોતાના મનને ટપાર્યુ.. અમદાવાદ આવે એટલે તને બધે આરવ જ દેખાવાનો ...પણ ફરી તેની નજર તે વ્યક્તિના જમણા કાંડે સ્થિર થઈ ત્યાં બાંધેલો કાળો દોરો ..આ બધું! આ વ્યક્તિ આટલી ચિરપરિચિત કેમ લાગે છે ? હવે અનુશ્રી ના મન પર તેનો કોઇ કાબુ જ ન રહ્યો, આમ પણ કંઈ છૂપાવવું કે મન વાળવું અનુશ્રી શીખી જ ન હતી.. ખૂબ જ જીદ્દી !! તે વધુ વિચાર્યા વગર તુરંત ઊભી થઈ ગઈ, કદાચ એ વ્યક્તિ પરિચિત નહીં હોય તો ?? તેને મનમાં થયું પણ ખરું.... પણ તેના હાથ નો કાળો દોરો જાણે અવશપણે તેને ખેંચી રહ્યો હતો.... અનુશ્રી ધીમેથી તેના ટેબલ પાસે જઈ પહોંચી, આમ તો આવું વર્તન મેન્સૅલેસ કહેવાય પણ, તેનું મન વ્યાકુળ હતું..તે શાંતિથી જમતી વ્યક્તિએ ચોંકી ને તેની સામે જોયું અને અનુશ્રી ની નજર પણ એ ચહેરા પર પડી. બે ઘડી માટે જાણે સમય થંભી ગયો.. ચશ્માના કાચ ની આરપાર દેખાતી ખૂબ પરિચિત આંખો અને કપાળે પડેલા એજ પરિચિત સળ. અનુશ્રી ના મોઢે ફરી એજ નામ "આરવ"!
બંને આશ્ચર્યથી એકબીજા ને તાકી રહ્યા.. થોડી જ વારમાં પરિસ્થિતિનું ભાન થતાં સજાગ બન્યા. આરવ તો કંઈ જ બોલી શકવાની પરિસ્થિતિમાં જ ન હતો, જાણે અણધારી ઘટના. ....પણ આજુબાજુના લોકોની હાજરી એ પોતાની નોંધ લીધી છે તે વિચારે આરવ ઊભો થઈ ગયો અને કહ્યુ " બેસો ને, અનુશ્રી ". .અનુશ્રી ત્યાં જ આરવ ની સામે બેસી પડી. કેટલું અજાણ્યું લાગ્યું હતું, આરવનું આ સંબોધન. .જે કદાચ તે પણ ખૂબ શ્રમ પૂર્વક બોલી રહ્યો હતો.
વેઇટર અનુશ્રી ને પૂછવા આવ્યો મેડમ તમારી પ્લેટ અહીં જ સેટ કરી દઉં ? અનુશ્રી એ આરવ સામેથી નજર હટાવ્યા વગર જ હકારમાં જવાબ આપ્યો. એક અનુશ્રી હતી, જે આરવ પર થી નજર જ ના હટાવી શકતી હતી, અને એક આરવ જે અનુશ્રી ની સામે જોવાનું કદાચ ટાળતો જ હતો. તે ખૂબ મહેનતથી સ્વસ્થ રહેવાની કોશિશ કરી રહ્યો હતો. સુપ પીતા પીતા પણ અનુશ્રી આરવને જ જોઈ રહી હતી.
૫૦ની આસપાસ પહોંચી ચુક્યો હતો, સહેજ ભરાયેલું શરીર અને વાળની થોડી ઘણી સફેદી ઉંમરની ચાડી ખાતા હતાં, તો ચશ્મા તેની ભાવવાહી આંખો ને છૂપાવતા હતાં.... આરવ ના બ્રાન્ડેડ કપડાં અને પ્રભાવશાળી વ્યક્તિત્વ એક સાધન-સંપન્ન વ્યક્તિ તરીકેની છાપ ઉપસાવતા હતાં.. આમ અચાનક અહીં કેવી રીતે ? અનુશ્રી એ પુછ્યું .તે જાણતી હતી કે આરવ ખૂબ ઓછા બોલો વ્યક્તિ હતો, તેને બોલાવવો જ પડશે, નહીં તો આરવ ને કદી સૂઝતું જ નહીં, કે શું વાત કરવી. ..આરવ બોલી ઉઠ્યો, " બિઝનેસ માટે અમદાવાદ આવ્યો હતો, પણ કામ વહેલુ પતી ગયું અને આવતીકાલે સવારની દિલ્હીની ફ્લાઇટ છે, તો અહીં જ રોકાઇ ગયો. અને તમે અનુશ્રી ? આરવ નો અવાજ ખચકાયો. કદાચ અનુશ્રી ને તમે કહેતા, તેને ખચકાટ થતો હતો. પણ તે મહામુશ્કેલીથી બોલી લેતો હતો, તેવું આરવના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. અનુશ્રી એ કહ્યું, " હું અહીં ગુજરાતી સાહિત્યના સંમેલનમાં આવી હતી. બધુ પહેલું પતી ગયું અને મારી પણ આવતીકાલની વહેલી સવારની બેંગ્લોર ની ફલાઇટ છે.
હવે આરવે જોયું કે અનુશ્રી નું જમવાનું લગભગ પતવા આવ્યું હતું, તેણે અનુશ્રી ને પુછ્યું, જમ્યા પછી આઇસક્રીમ લેશો ? અનુશ્રી, આશ્ચર્યથી તાકી રહી તેના ચહેરા પર એક નાનકડું સ્મિત આવ્યું, મનમાં વિચારી રહી "હજી આરવને યાદ છે કે, મને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે, હવે એ હલકા સ્મિતને હકાર માનીને, આરવે વેઇટર ને બોલાવ્યો અને બે મેંગો આઈસક્રીમ લાવવા કીધું ! "મેંગો આઈસક્રીમ" સાંભળતા જ અનુશ્રી ભૂતકાળમાં જઇ પછડાઈ. ...મેંગો આઈસક્રીમ તેનો ફેવરેટ, અને તેના માટે આરવને હંમેશા પરેશાન કરતી અને દોડાવતી રહેતી કે ક્યારેક તો ધમપછાડા પણ કરી મૂકતી અને તેની જીદને સંતોષ્યે જ આરવનો છૂટકો થતો હતો..... બંનેના ચહેરા પર એક સરખું સ્મિત હતું, કદાચ બંને એક જ ઘટનાને એકસાથે વાગોળી રહ્યા હતાં. બંને વચ્ચેના 20, 25 વર્ષના વહાણાં ધીમે ધીમે ઓછા થતા જતા હતાં. આરવે હવે અનુશ્રી ને ધ્યાનથી જોઈ સુખી-સંપન્ન પરિવારની સ્ત્રી, પણ એ જ રમતિયાળ આંખો, વિશાળ કપાળ અને ગાલના ખંજન, લાંબા ભરાવદાર વાળવાળો ચોટલો. સમયે ખૂબ ઓછી અસર છોડી હતી અનુશ્રી ઉપર..!! આઈસક્રીમ આવતા જ ફરી બેયની નજર એક થઈ અનુશ્રી એ ચમચીથી આઇસ્ક્રીમ મોઢામાં મૂક્યો અને જાણે વર્ષો પહેલાનો ભૂલાઈ ગયેલો સ્વાદ એ માણી રહી.... આ જ આઈસક્રીમ વચ્ચેના વર્ષોમાં લગભગ અલગ લાગતો હતો અને આજે ફરી એ જ સ્વાદ પાછો આવ્યો હતો..... હજી પણ શું બોલવું એ આરવની સૌથી મોટી સમસ્યા હતી.અનુશ્રી એ જ વાતની શરૂઆત કરી. .આરવ, " હું રૂમ 405 માં છું ."..પ્લીઝ આવો !! કંઈ પણ બોલ્યા વગર આરવે હકારમાં ડોકું ધુણાવ્યું, અને કહ્યું, " બસ દસ મિનિટમાં કપડા બદલી ફ્રેશ થઈને આવું છું.".. અનુશ્રી આગળ વધી. ..હજી પણ આ વાત તેને માનવામાં જ ન આવતી હતી ! કે આ આરવ છે...અહીં તેની સામે....!! આમ સાવ અચાનક જ જે વ્યક્તિ, વાત અને ભૂતકાળ બધું જ ઊંડે ધરબી દીધું હતું તે આમ પળમાં ઉઘાડું થઈ જશે.
વધુ આવતા અંકે....
અસ્તિત્વની ઓળખ મેળવવાની ઘેલછામાં છૂટાં પડેલા, અને છતાંય એકબીજાને મનમાં ઊંડે ધરબી ને જીવી ગયેલા બે હૈયા, સમી સાંજે ફરી મળે છે, ત્યારે...
આગળ જાણવા વાંચતા રહો. સમી સાંજનાં સથવારે.
(ક્રમશ:)
