સખી ~ત્રીજું જીવન
સખી ~ત્રીજું જીવન
સખી ~ત્રીજું જીવન
મહુઆ ગામની સાંજ એ દિવસે કંઈક અલગ હતી. આકાશ પરની લાલી જાણે આજે કોઈ ખાસ પ્રસંગે ચઢેલી હોય. ગામના પટેલ વાસ પાસેથી ધીમે-ધીમે પણ લયબદ્ધ ઢબુકતા ઢોલના તાલે આખા ગામની શેરીઓ જીવંત થઈ ગઈ હતી. કારણ કે આજે મનોહરલાલની બારાત નીકળવાની હતી. સાઠ વરસના વિધુર મનોહરલાલ… અને તેમની બારાતમાં તેમના જ ત્રણ છોકરાઓ જાનૈયા. રંગબેરંગી પાઘડી પહેરીને, શરમ વધુ અને ઉમંગ ઓછો, પણ વચ્ચે ઢોલ નાં તાલે નાચતા હતાં.
લોકો હસતાં, મજાક કરતાં, વિડિયો પાડતા—આ બધું માત્ર બહારનું દૃશ્ય હતું. ઘોડે ચડેલા મનોહરલાલના મનમાં એક નદી વહેતી હતી—શાંત પણ શક્તિશાળી.
ઘોડે બેસેલા મનોહરલાલ વારંવાર, ત્રણેય છોકરાઓને જુએ, ત્રણ છોકરાઓમાં મોટાની ઠાવકાઈ, બીજાનો ઉલ્લાસ અને નાનકાનો આધુનિક એપલ ફોનવાળો આત્મવિશ્વાસ—
આ બધું જોઈને, તેમના મનમાં એક નરમ આંચકો ક્ષણે ક્ષણે આવી જાય. જાણે લગ્ન માટે નહીં, કોઈ મોટા પડકાર માટે તેઓ ઘોડે ચડી કોઈ જંગ માટે તૈયાર થઈ રહ્યા હોય.
મનોહરલાલનાં ચહેરા પરની હલચલ છુપાઈ રહી નહોતી, છતાં બારાતમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં. તેઓ જ જાણતા હતા કે, લોકોએ તમાશો ગણેલી આ બારાતના મજાક પાછળ એક ગંભીર સત્ય વહે છે—એક એવું સત્ય જે તેમના ગામના લોકો ની વાત છોડો પરંતુ, તેમના ત્રણેય છોકરાઓને તો પણ ખબર નહતી.
સખીબેન… હા, એજ સખીબેન, જેમની સાથે આજે ફેરાં લેવાના હતા, તે કેન્સર સાથેના યુદ્ધમાં હતાં એકલા. અને મનોહરલાલને આ વાત સ્કૂલમા સાથે હોવાને નાતે, મનોહરલાલને, તેમની બીમારી વિશે મહિનાોથી ખબર હતી. પહેલીવાર બાયોપ્સી નાં રિપોર્ટ હાથમાં આવ્યા ત્યારે મનોહરલાલનું હૃદય જાણે કાચની જેમ ચકનાચૂર થઈ ગયું હતું.
હોસ્પિટલના કોરિડોરમાં બેઠા ત્યારે સખીબેન શરમથી માથું ઝૂકાવતી બોલી હતી—“મારી પાસે કોઈનો આશરો નથી… સારવારનો ખર્ચ હું એકલી ઉઠાવી નહી શકું … કદાચ હું વધુ જેટલા દિવસ જીવિશ પણ નહી, પણ લાલા મને તેનો રંજ નથી "
સખીબેનનું એ વાક્ય સાંભળીને મનોહરલાલે એક ક્ષણ માટે વહેતી નદીની જેમ નિર્મળ શાંતિ પકડી. ધીમે, પરંતુ અડગ અવાજે કહ્યું—
“સખી, જીવન જેણે આપ્યું છે એનો હિસાબ ક્રૂર છે, કોઈ ને ખબર નથી કે, તેની અંતિમ ક્ષણ ક્યારે છે."
દુનિયા બનાવવા વાળો ક્યારેક આ હિસાબ બદલવા માટે કોઈને નિમીત બનાવી આગળ લાવે… તો જીવનનાં નવા ફેરા શરૂ થાય છે.
હું તારી સાથે લગ્ન કરીશ છું, કારણ કે...
" હું પરણી, તને બીજુ નહિ, પરંતુ ત્રીજા જીવન જીવવાનો નો મોકો આપવા માગું છું.”
આ વાત કોઈને ખબર નહોતી. છોકરાઓને પણ નહીં… ગામની તો વાત જ ક્યાં .
પટેલ વાસ નાં મનોહર લાલ નાં મકાન ની લગ્નની સજાવટ એ દિવસે આનંદ કરતાં પણ વધુ હિંમતની ઉજવણી નો ઉત્સવ બની ગઈ.
ફેરા સમયે, મેંદી રચેલા સખીના હાથમાં હજુ પણ હોસ્પિટલના સેલાઇનના તાજા નિશાન છુપાયેલા પણ જીવંત હતા. તેને હાથ કંપતા મનોહરલાલના ગળે વરમાળા પહેરાવી . મંદિરમાં ઘંટ વાગ્યા, ઢોલ ધીમા પડી ગયા , પંડિતે મંત્રોચાર કર્યો અને મણિબેન, રોશનબેન, પડોશની કાકીઓ બધી લગ્ન નાં ફટાણા ગાઈ આતુર નજરે એ દૃશ્ય જોતી હતા.
મનોહરલાલના ચહેરા પર અદભુત શાંતિ હતી—જાણે કોઈ માણસને કોઈનું જીવન બચાવી જીવવાનો સંકલ્પ મળી ગયો હોય .
લગ્ન નાં ભોજન સમારંભ પછીની મોડી રાતે મનોહરલાલે ત્રણેય છોકરાઓને ઓરડામાં બોલાવ્યા. ઓરડામાં હજુ સોડિયમ લાઈટની પીળી રોશની ઝળહળી રહી હતી .
છોકરાઓએ વિચાર્યું—બાપુ કદાચ લગ્ન પછીની કોઈ મજાક કરશે. પરંતુ મનોહરલાલે ધીમે, almost whispered સ્વરે કહ્યું—
“એક વાત છે. તમારી મા સખીબેન બીમાર છે. તેને કેન્સર છે.”
છોકરાઓના ચહેરા પરની ખુશી ધીમે ધીમે ડૂબતી ગઈ, પરંતુ સાથે તેમની આંખોમાં અચાનક જ પિતાના પ્રત્યે ગર્વનો પ્રવાહ વહેતો ગયો.
જાણે કોઈએ તેમના અંદરથી એક ગર્વનાં દીપક જલાવી દીધા હોય.
મોટાએ પૂછ્યું,“બાપુ, શું તમને બાની બીમારી ની ખબર, પહેલાથી જ હતી?”
મનોહરલાલે માથું હલાવ્યું. “હા. મેં સખી સાથે લગ્ન એ માટે કર્યા છે કે, જીવન મરણની આ લડાઈમાં કોઈ માણસ એકલો ન પડે.”
પછી શરૂ થયો એક નવો અધ્યાય. બારાતના ઢોલો તો બંધ થઈ ગયા, પરંતુ હોસ્પિટલના મશીનોના બિપ-બિપ, દવાની ડોટ , નર્સના અવાજ અને મનોહરલાલનું મૌન.આ બધું મળીને એક નવી સફર બની. સવારે પાંચ વાગે ચા અને ટોસ્ટ સાથે મનોહરલાલ સખીને હોસ્પિટલ લઈ જતા. સાંજે ઘરે પાછા આવતા ત્યારે તેમના પગ થાકેલા દેખાતા હોય , પરંતુ આંખોમાં આશાની નાનો દિપક જરૂર ઝબૂકતો રહેતો.
નદી જેમ વહી રહેલી તેમની નવી દિનચર્યા ધીમે ધીમે પડાવે પહોંચી . કેમોથેરાપીના ત્રીજા રાઉન્ડ પછી સખીના ચહેરે ની સ્મિત પાછું આવી ગયું . ચોથા રાઉન્ડે વાળ ઝર્યા, પરંતુ મનોહરલાલે તેમનો સાફો કાઢીને, પોતાના ટકલા માથે હાથ ફેરવી બોલ્યા, સખી હવે પરફેક્ટ મેચિંગ —“ હવે આપણે ફોટા મા સરખા લાગશું.”
સખીબેન હસતાં-હસતાં રડી પડયા.
નવમા મહિના પછીનો દિવસ સાવ ઠંડો હતો. રિપોર્ટ હાથમાં લઈને ડૉક્ટર થોડી ક્ષણ શાંતિથી રહ્યા. પછી એક સ્મિત સાથે કહ્યું, કોંગ્રેટ્સ, મોનોહર લાલ “ટ્યુમર ઘટી રહ્યો છે. સારવાર સરસ કામ કરી રહી છે.”
એ વાક્ય એ દિવસે સાંજે, છોકરાઓ ને વાત જણાવી ત્યારે, છોકરાઓને પ્રસાદ નાં પેંડા ખવરાવતા સખીબેનની આંખોથી આંસુ પડ્યાં.
મનોહરલાલનાં આંખે હર્ષ નાં આસું આવ્યા …
અને છોકરાઓને લાગ્યું કે તેમના પિતાને સાચે જ એક નવી સખી મળી ગઈ.
ગામમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ, પરંતુ આજે સ્વર બદલાઈ ગયા. “મનોહરલાલે જાણીને લગ્ન કર્યા હતા!”
“આ માણસે સ્ત્રીને મૃત્યુમાંથી પાછી ખેંચી લીધી!”
સતયુગ મા સાવિત્રી, હતી, અને હવે આ યુગમાં, આપણા,લાલા
“આવા પુરૂષો હવે ક્યાં મળે!”
લોકોના વાક્યો નદી જેમ વહેતા રહ્યાં,ક્યારેક ગર્વના, ક્યારેક આશ્ચર્યના, અને ક્યારેક પ્રેરણાના, કે સલાહના .
અને આ બધાની વચ્ચે, મનોહરલાલ અને સખીબેન શાંતિથી બેઠા રહેતા, સાંજે ઘરના બગીચે આસોપાલવ ની છાયામા ચા પીતા. સખીબેન ધીમેથી બોલતા
—“લાલા,તમે મને બીજું 'મનોહર' જીવન આપ્યું.” અને મનોહરલાલ, હંમેશાની જેમ, સ્મિત સાથે તેને સુધારતા
“સખી,બીજું નહિ… ત્રીજું જીવન.”
કહાની અહીં પૂરી નથી થતી, સાહેબ. આમેય નદી ક્યાં અટકે છે?
હેત અને લાગણીની નદીઓ વગર વરસાદે પણ વહેતી રહેતી હોય છે…
અને મનોહરલાલ અને તેમની સખીની આ કહાની પણ એમ જ વહેતી રહેશે —
માણસાઈ, હિંમત અને 'અનંત' પ્રેમના પ્રવાહ સાથે.
