મધુ માલતી
મધુ માલતી
મધુ ~ માલતી.
કેટલાક પ્રેમસંબંધો અચાનક નથી થતા.
એ સમયની એરણ પર ઘડાયેલા હોય છે.
એ તો જન્મ પહેલાં જ નક્કી થયેલા હોય —
જ્યાંરે પ્રેમીઓની આત્મા ગ્રહોની ભાષા સમજતી હોય છે, ત્યારે સમય ગૌણ બની જતો હોય છે .
મધુ અને માલતીનો મેળ પણ એવો જ હતો.
🌠 પૂર્વ જન્મ
પૂર્વ જન્મમાં મધુ ચંદનપુરના રાજદરબારમાં
તારાઓ અને ગ્રહોની ચાલ વાંચતો રાજજ્યોતિષ હતો.
જ્યોતિષ તેની આત્મસાધના કરેલી વિદ્યા હતી,
પણ પોતાનું ભવિષ્ય કોઈને કહેવાની તેને ઇચ્છા નહોતી.
તે જાણતો હતો — તેના
આત્માના અધૂરા અરમાન શોધવા એક જ ભવ પૂરતો નથી.
માલતી ત્યારે ચંદનપૂરની રાજગણિકા હતી.
તે સંગીતમાં જીવતી હતી.
ચંદ્ર જેવી સુંદર, શાંત અને શીતળ —
તેના કંઠ અને તેની આંગળી થી ઝણ ઝણ તા વીણાના તાર નાં સ્વરમાં એવું ઊંડાણ હતું,કે સાંભળનાર પોતાનો સમય ભૂલી જાય.
કાળચક્રે,
જ્યારે શુક્ર અને ચંદ્ર એક જ રેખામાં આવ્યા,
તે રાત્રે દરબારની મહેફિલ પછી
બન્ને દરબારી પહેલી વખત મળ્યા.
મધુએ ત્યારે કહ્યું હતું,
“રે માલતી,
આ આજની આપણી માત્ર મુલાકાત નથી…આ તો હવે કાયમી ઓળખ છે.”
મુલાકાતોનો સિલસિલો અવિરત ચાલ્યો,
પણ સમય અને વક્રી શનિની કઠોર છાયા વચ્ચે
ચંદનપુર પર દુશ્મન રાજાની ચડાઈ થઈ.
યુદ્ધમાં સૌ ખપી ગયા
અને તેમનો પ્રેમ અધૂરો રહી ગયો.
મૃત્યુ પહેલાં મધુએ શપથ લીધા હતા —
“જન્મ બદલાશે,
દેહ અને સ્થળ પણ બદલાશે,
પરંતુ હું તને ફરી શોધી લઈશ.”
2025, nu વર્ષ અને
આ જન્મમાં મધુ
USCમાં Astronomy અને Consciousness Studiesનો વિદ્યાર્થી છે.
એક પૂનમની રાત્રે,
ઓબ્ઝર્વેટરીમાં તારાઓ જોતા જોતા
તેને આત્મસ્ફૂરણ થાય છે —
કોઈ અધૂરી ચાહત તેને ત્યાં લાવી છે.
માલતી પણ USCમાં
Fine Arts અને Visual Expression ભણે છે.
તેના ચિત્રોમાં વારંવાર ચંદ્ર,
તૂટતા તારાઓ
અને બે અજાણી આભા ઓ સિગ્નેચર રૂપે હંમેશા રેખાય છે,
જેનો અર્થ તે પોતે પણ સમજી શકતી નથી.
એક દિવસ યુનિવર્સિટીની વાર્ષિક આર્ટ એક્ઝિબિશનમાં
મધુ,માલતીનાં દોરેલ ચિત્ર જુએ છે.
એ ક્ષણે, જાણે સમય પણ પળ માટે થંભી જાય છે.
બન્ને મળે છે.
કોઈ ઓળખાણ નથી,
પણ હૃદયમાં અજાણી તડપ જાગે છે.
મધુ સંયોગવશ માલતીની જન્મતારીખ પૂછે છે.
મનોમન ગ્રહસ્થિતિ જોતાં
તેનો શ્વાસ અટકી જાય છે.
એ જ ચંદ્ર–શુક્ર સંયોગ.
એ જ ગ્રહયોગ
જે એક જન્મ પહેલાં તેમને જોડ્યો
અને વિખૂટા પાડ્યા હતા.
મધુ ભીની આંખે કહે છે,
“રે માલતી…
અપણે પહેલીવાર નથી મળતા.”
માલતીની પણ આંખો ભીંજાય જાય છે,
જાણે આત્માએ કોઈ સંકેત આપી
યુગોની સ્મૃતિ જાગૃત કરી હોય.
🌙 અંતિમ ક્ષણ
USC કેમ્પસની નજીક,
શરદપૂનમની એક શાંત રાત્રે,
લોસ એન્જલસની મરીના બીચ પર
ટમટમતા તારાઓ નીચે
બન્ને મૌન બેઠાં છે.
યુગોના સાથીઓને
ભાવ વ્યક્ત કરવા શબ્દોની જરૂર નથી.
માલતીના કંઠમાંથી
અજાણે જ એક ગીત વહેવા લાગે છે.
તેને પોતે જ નવાઈ લાગે છે —
કારણ કે એ રાગ
આ જન્મનો નથી,
એ તો યુગોથી તેના અંતરમાં સંગ્રહાયેલો છે.
🎶
“જુગ જુગથી ચાહ્યો તને,
તારાઓના માર્ગે ચાલીને…
દેહ બદલાયા, યુગ અને સ્થળ બદલાયા,
પણ પ્રેમ રહ્યો તડપ જાળવીને…”
🎶
મધુ આંખો બંધ કરે છે.
ચંદનપુરનું યુદ્ધ, વિરહ
અને પોતાનો શપથ
બધું એકસાથે જીવંત થઈ જાય છે.
મધુ પણ, તે ગીતને આગળ ધપાવે છે—
🎶
“સમય ઝૂક્યો, મૃત્યુ હાર્યું,
આજ મળ્યા ફરી આપણે…
જે મિલન અધૂરું રહી ગયું હતું,
એ પૂરું થશે આ ક્ષણે…”
🎶
ગીત પૂરું થાય છે.
આકાશ શાંત છે.
હવે કોઈ પૂર્વ જન્મ નથી,
કોઈ આગામી જન્મ પણ નથી.
માત્ર એક સત્ય છે—
મધુ અને માલતી
જુગ જુગથી મળવા માટે સર્જાયેલ હતા.
એથી તો કદાચ આજે પણ
દુનિયાનાં કોઈ પણ છેડે
મધુ–માલતી
એક વેલ બની
અનેક આંગણાં મહેકાવતી રહે છે….
~~~~~~~~~
આ સંસ્કરણ કેવું લાગ્યું ? પ્રતિભાવ આપશો જી.

