સિયા અને સનમ
સિયા અને સનમ
અઢાર વર્ષની નટખટ સિયા, વાચાળને ચુલબુલી- હસમુખી. આજે નવી નવી કોલેજનાં પ્રથમ વર્ષમાં એની બીજી બહેનપણીઓ સાથે હસતી હસતી પ્રવેશ મેળવ્યો, ત્યાં પ્રવેશ દ્વાર પાસે જ બે-ત્રણ છેલબટાઉ છોકરાઓ તેમની પાસે આવ્યાંને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું, સિયાની સામે ગમે તેવી હરકત કરવાં લાગ્યાં. પહેલાંતો સિયાએ વિરોધ કર્યો, પણ આ બધાં છોકરાઓતો હદ પાર કરવાં લાગ્યાં ને ગમે તે જગ્યાએ અડકીને હેરાન કરવાં લાગ્યાં.
અચાનક ત્યાં સનમ આવી પહોંચ્યો. તે દૂર ઊભો ઊભો આ બદમાશોની હરકત જોઈ રહ્યો હતો. તેનાથી સિયાને કરાતી હેરાનગતિ જોવાઈ નહીંને તે વચ્ચે કૂદી પડ્યો. તેણે સિયાને તેની બહેનપણીઓને પેલા બદમાશ છોકરાઓથી બચાવી. સિયાનો આજે કોલેજમાં પહેલો દિવસ હતો. તે વાતાવરણથી અજાણ હતી, ત્યાં આ મદદરૂપ બનનાર સનમ પ્રત્યે માન ઉપજ્યું. સિયાને સનમની દોસ્તી થઈ. રોજ હવે કોલેજમાં બંને મળવા લાગ્યાં. સનમ પણ સારા પૈસાદાર ઘરનો દીકરો હતો. એક દિવસ બંનેએ પોતાની દોસ્તીને પ્રેમનું રૂપ આપ્યું. વચનો, વાયદા કર્યા,ભણીને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને ભવિષ્યનાં સારા સપના જોવા લાગ્યાં.
આમ કરતા કોલેજકાળ પૂરો થયો, હવે બંને પોતપોતાનાં ઘરે હતાં, મળવાનું કોઈ બહાનું ન રહ્યું. સિયાએ પોતાના ઘરે સનમ વિશે વાત કરી. સિયાનાં ઘરનાં વડીલો સનમનાં ઘરનાં વડીલોને મળવા જવાનાં હતાં. રવિવારે જ્યારે સિયાનાં ઘરેથી બધાં મળવા જાય છે, ત્યારે સનમનાં ઘરે તાળું જોઈ નવાઈ પામ્યાં, આજુબાજુ કોઈને ખબર નથી કે સનમને બધાં ક્યાં ગયાં ?
સિયા, આજે ૬૦ વર્ષે સનમની રાહ જોતી, જ્યારે બારીમાં ઊભી ઊભી દૂર રસ્તો જુએ ત્યારે તેની નજરમાં કોલેજનાં દિવસોની ઝાંખી દેખાતી, સિયાને સનમ પર પૂરો ભરોસો, તેના વચન વાયદા પર વિશ્વાસ અને પ્રેમ ક્યાં શરીર એક થવા પર થાય ? પ્રેમ તો આત્મા સાથે થાય.
સિયાએ તેનાં સનમ સાથે મનથી લગ્ન કર્યાંને પ્રેમનાં વિચારોથી સુખી જિંદગી વિતાવી.
ખબર નથી સનમનું શું થયું ? પણ સિયાને પૂરો વિશ્વાસ હતો કે સનમ જ્યાં હશે ત્યાં એને યાદ કરતો જ હશે.આ વિશ્વાસ સિયાને જિંદગીમાં જીવવાનું બળ પૂરું પાડતું હતું.

