Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Prashant Subhashchandra Salunke

Drama Romance Inspirational

4.6  

Prashant Subhashchandra Salunke

Drama Romance Inspirational

સિમ્પલ સ્ટોરી

સિમ્પલ સ્ટોરી

8 mins
521


સંધ્યાકાળનો સમય હોવા છતાં વાતાવરણમાં બફારો વર્તાઈ રહ્યો હતો. આસમાનમાં છવાયેલા ઘેરા કાળા વાદળા તેમના ગડગડાટથી જાણે આખા શહેરને મુશળધાર વરસાદથી ધમરોળી દેવાની ચીમકી આપી રહ્યા હતા. વિનાયકે કપાળે બાઝેલી પ્રસ્વેદની બુંદોને લૂછતા લૂછતા આસમાન તરફ જોયું, એ કાળા વાદળાઓમાં વિનાયકને તેના હૃદયમાં છવાયેલા વિષાદના વાદળાની અનુભૂતિ થઈ. વરસાદની જેમ તેની આંખમાંના આંસુ પણ હમણાં જ વરસી પડશે તેવી તેની મનોદશા હતી.

કારનો દરવાજો ખોલી તેણે તેમાં પોતાની ઓફિસ બેગ મૂકી અને પોતે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ગયો. ઓચિંતામાં આકાશમાં કડાકાભેર વીજળી થઈ અને વિનાયકના માનસપટ પર સવારના દ્રશ્યો તાજા થયા. આજે વગરકારણે તે તેની ધર્મપત્ની આલેષા પર ખિજાયો હતો. આલેષાનો કોઈ વાંક નહોતો છતાંયે શરૂઆતમાં તેણે મૂંગે મોઢે સાંભળી લીધું. પરંતુ કોઈ સાંભળી સાંભળીને કેટલું સાંભળી લે ! આખરે આલેષા પણ અકળાઈને વિનાયક સામું બોલી ઊઠી. આજે પહેલીવાર તે વિનાયકની સામે ઊંચા સ્વરે બોલી હતી. આલેષા પહેલા ઊંચા સ્વરે બોલી અને પછી વિનાયક સાથે અબોલા લઈ લીધા. વિનાયકને આલેષાનું આવું સ્વભાવ વિરુદ્ધનું વર્તન જરાયે ગમ્યું નહીં. તે પણ નાસ્તો કર્યા વગર ઓફિસ જવા માટે નીકળી ગયો હતો.

વાદળાના ગડગડાટથી વિનાયકની તંદ્રા તૂટી. કારની બારીમાંથી તેણે ફરી આસમાન તરફ જોયું અને વિચાર્યું, “બે દિવસથી વાદળા ગરજે છે પણ વરસતા નથી. બસ જમીનને ઉપરછલ્લી પલાળી ફોરા વરસાદ પડીને જતો રહે છે. જોકે આજનું વાતાવરણ થોડુંક અલગ લાગે છે. ધોધમાર વરસાદ શરૂ થાય તે પહેલા મારે ઘરે ભેગા થઈ જવું જોઈએ.” આ વિચાર સાથે તેની આંખ સામે આલેષાનો રોષભર્યો ચહેરો ઊપસી આવ્યો. કારને સ્ટાર્ટ કરી તેણે સ્ટિયરિંગ પર હાથ જમાવતા વિચાર્યું, ‘સવારે જો મેં મારા ગુસ્સા પર કાબુ રાખ્યો હોત તો ઘરમાં આવો કંકાસ શરૂ જ થયો નહોત. વરસાદ પડતા આલેષા કાયમ ગરમાગરમ ભજીયા બનાવે છે. બહાર વરસાદ વરસતો હોય ત્યારે તળેલા મરચા સાથે ગરમાગરમ ભજીયા આરોગવાની મજા જ નિરાળી છે. એવામાં આલેષા સાથે અવનવી વાતો કરતા એ જાયફત ઉડાવવામાં કેટલી મજા આવતી. પરંતુ આજે મારા સ્વભાવને કારણે મેં એ લુફ્ત જતો કર્યો. બિચારી આલેષા પણ સહન કરી કરીને કેટલું કરે ?’

કારને ઘર તરફ હંકારતા વિનાયકે વિચાર્યું, ‘આલેષા ઘર છોડીને તેના પિયર તો જતી નહીં રહે ને ? કારણ આજ પહેલા મેં તેને ક્યારેય આટલી રોષે ભરાયેલી જોઈ નહોતી. તેને મનાવવી જ પડશે. પરંતુ કેવી રીતે ? આજે ઓફિસથી મેં તેને બે વાર કોલ કર્યા હતા પરંતુ તેને તે રિસિવ કર્યા નહોતા. વળી હજુસુધી સામે ચાલીને તેનો કોલબેક પણ આવ્યો નથી. આજદિન સુધી આવું ક્યારેય થયું નથી. પહેલી રિંગમાં તેનો કોલ રિસિવ કરતી આલેષા આજે ફોન ઉપાડતી નથી મતલબ તે ખૂબ રોષમાં હશે.’

ઓફિસમાં વિનાયકને ઉદાસ વદને બેઠેલો જોઈ તેના ખાસ મિત્ર રાકેશે તેના ખબર અંતર પૂછ્યા હતા ત્યારે વિનાયકે તેને માંડીને વાત કહી હતી. એ સાંભળી રાકેશે સાંત્વનાભર્યા સ્વરે કહ્યું હતું, “દોસ્ત, પતિપત્નીમાં રિસામણા મનામણા ચાલતા જ રહે છે. પરતું એ માટે જેની ભૂલ હોય તેણે પોતાની ભૂલ કબૂલી નમતું લેવું પડે. અને સામે પક્ષે પણ ઉદારતાથી માફી આપવી પડે. જો બેઉ પક્ષે આમ સમજદારી હશે તો કોઈદિવસ દાંપત્યજીવનમાં કલેશ નિર્માણ થાય નહીં.”

‘રાકેશની વાત સાચી છે. ભૂલ મારી હતી તો મારે તે કબુલી આલેષાની માફી માંગવી જ જોઈએ. પરંતુ હું કયા મોઢે તેની માફી માંગીશ ?’

વાદળનો ગડગડાટ શરૂ જ હતો. વચ્ચે થોડોક ફરફર વરસાદ વરસી થંભી ગયો હતો. જોકે આછકલા એ ઝાપટાથી વાતાવરણના બફારામાં ઔર વધારો થઈ ગયો હતો. વિનાયકને તન અને મનનો આ બેવડો ઉકળાટ બેચેન બનાવી રહ્યો હતો. આલેષાને કેમ કરીને મનાવવી એ તેને સુઝી રહ્યું નહોતું. તે જાણતો હતો કે આલેષા જેટલી શાંત છે એટલી જ જિદ્દી અને સ્વાભિમાની પણ છે. ખોટા આક્ષેપો તે કદાપિ ચલાવી નહીં લે. તેમનું દાંપત્યજીવન ખૂબ સુખેથી ચાલી રહ્યું હતું પરંતુ વિનાયકના ગુસ્સાએ તેમના સુખમય દાંપત્યજીવનમાં એક નવો વળાંક લાવી દીધો હતો. તેમના સરળ અને સુખમય દાંપત્યજીવનમાં કલેશ નિર્માણ કરી દીધો હતો. જોકે વિનાયક પણ બિચારો શું કરે તેનો ગુસ્સા પર કાબુ રહેતો જ નથી. ગુસ્સાને બસમાં કરવો એ બધાના બસની વાત નથી. અને જો એ એટલું જ સહેલું હોત તો આજે આખી દુનિયામાં રામરાજ્ય સ્થપાઈ ગયું હોત.

ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ઝબુકતા વિનાયકે કારની બ્રેક મારી. લાલ લાઈટને લીલી થવામાં હજુ ખાસ્સીવાર હતી. કંટાળીને વિનાયક ચોમેર નજર ફેરવી રહ્યો, અચાનક તેની નજર એક સોનીની દુકાન પર અટકી. “શ્રી ગણેશ જવેલરી શોપ”. બોર્ડ પર નજર જતા વિનાયકની આંખો ચમકી. તેના મગજમાં વિચાર આવ્યો, ‘આલેષા માટે કોઈક ઘરેણું ખરીદીને લઈ જઉં તો ? પરંતુ આવી લાલચથી તે માનશે ? જોકે પ્રયત્ન કરી જોવામાં શો વાંધો છે ?’ વિનાયકે તેના ગજવામાંથી પાકીટ કાઢી તેને તપાસી જોયું. પુરા પંદર હજાર રૂપિયા તેમાં હતા. તે કારને સાઈડમાં લેવાનું વિચારતો જ હતો ત્યાં તેની નજર બોર્ડ પરથી ખસી દુકાનના શટર પર વાસેલા તાળા પર ગઈ. વરસાદને કારણે સોનીએ તેની દુકાન વહેલી વધાવી હતી. વિનાયકે આસપાસની બીજી દુકાનો પર પણ નજર ફેરવી જોઈ પરંતુ તે બધા પર પણ તાળા લટકતા હતા. વિનાયકે હતાશાથી સ્ટિયરિંગ પર માથું મુક્યું.

“આલેષા, આ જો હું તારા માટે શું લાવ્યો છું ?”

“શું છે ?”

“તારી માટે નવલખો હાર લાવ્યો છું.”

“બોલતી વખતે ભાન રાખશોને તો એ મારા મન નવલખા હારથી બહુમૂલ્ય ભેટ હશે. આ હારને મારી નજર સામેથી હટાવો.”

“પણ..”

“પણ બણ કશું નહીં. બસ હવે મેં નિર્ણય કરી લીધો છે.”

“નિર્ણય ! કેવો નિર્ણય ?”

“હું આજે જ મારા પિયર જતી રહીશ. અને પાછો ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું.”

“અરે ! પણ ! આટલી નાનીવાતમાં આટલો મોટો નિર્ણય લેવાતો હોય ?”

વિનાયક મનાવવાના હેતુથી આલેષાની નજીક ગયો.

“મારી નજીક આવવાની કોશિશે ન કરતા. આઘા રહો.”

વિનાયક સમસમી ગયો. આલેષાએ આગળ ચલાવ્યું, “તમારા મન એ નાની વાત હશે પણ મારા મન નહીં. રોજરોજના અપમાન હવે મારાથી સહન થતા નથી.”

“હું માફી માંગવા તૈયાર છું.”

“પણ હું તમને માફી આપવા તૈયાર નથી.”

“આલેષા, તારો રોષ વ્યાજબી છે. પરંતુ તે માટે લીધીલો તારો નિર્ણય વ્યાજબી નથી. હું સવારે ખૂબ તણાવમાં હતો તેથી મારા મોઢામાંથી નીકળી ગયું.”

“એટલે ? તમારો તણાવ આમ મારા પર રોષે ભરાઈને હળવો કરવાનો ? મારે મૂંગે મોઢે અપમાન સહન કરી મારા અહમને ઘવાડતા રહેવાનો ?”

“આલેષા, આમ ગુસ્સા અને અહમને વળગીને રહીશ તો આપણા બેઉનું ભવિષ્ય જોખમમાં મૂકાશે. હું મારી ભૂલ કબૂલી તારી માફી માંગી રહ્યો છું તેમ છતાં...”

“ખટખટ”ના અવાજથી વિનાયકની તંદ્રા તૂટી. તેણે સ્ટિયરિંગ પરથી માથું ઊંચકી અવાજની દિશામાં જોયું. બારેક વર્ષની બાળકી તેના કારની કાચને ટકોરા મારી રહી હતી, “સાહેબ, ગજરા લઈ લો ને. આમ પચાસના બે છે પરંતુ હું તમને ત્રીસ રૂપિયાના બે આપું છું.”

વિનાયકે અકળાઈને કહ્યું, “નથી જોઈતા.”

“સાહેબ, આમ શું કરો છો ? એક ગજરો લઈ લોને. આજે સવારથી કાંઈ ધંધો થયો નથી. વળી આજે નેવાધાર વરસાદ વરસશે એમ લાગી રહ્યું છે. એવા સંજોગોમાં મારે ઘર ભેગા થવું પડશે. લઈ લોને સાહેબ.”

વિનાયકે આસમાન તરફ જોઈ કહ્યું, “બેફીકર રહે. આવા વાદળા તો બે દિવસથી આસમાનમાં જોઈ રહ્યો છું. પરંતુ પછેડી વા વરસાદ વરસાવી વાદળા હટી જાય છે.”

જાણે વિનાયકની વાત સાંભળીને વાદળા રોષે ભરાયા હોય તેમ આસમાનમાં તેઓએ ગડગડાટ કરી મૂક્યો. ટ્રાફિક સિગ્નલની લાઈટ લાલમાંથી લીલી થવાની તૈયારીમાં હતી.

“ના સાહેબ, આજે જોજો સાંબેલાધાર વરસાદ વરસશે.”

વિનાયકે બાળકી તરફ નજર કરી.

“સાહેબ, વીસ રૂપિયાના બે લઈ લો બસ.”

આસમાનમાં વીજળી ચમકી. એ સાથે વિનાયકના મસ્તિષ્કમાં ચમકારો થયો, “આલેષાને ગજરા ખૂબ ગમે છે. હા, તેને મનાવવા આ ગજરા ખૂબ મદદરૂપ થશે.”

વિનાયકને એ બાળકીમાં હવે દેવદૂતનું દર્શન થયું. ‘કદાચ મારી મદદ માટે જ ઈશ્વરે આ બાળકીને મારી પાસે મોકલી હશે. ટ્રાફિક સિગ્નલની લાઈટ લાલમાંથી પીળી થઈ. ગણતરીની સેંકડોમાં હવે લીલા રંગની લાઈટ ઝબૂકવાની હતી. વિનાયકે ઝડપથી ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી તેના હાથમાં મુકતા કહ્યું, “ઝડપથી બે ગજરા આપી દે.”

“સાહેબ છુટ્ટા નથી.”

વિનાયક “બાકીના પૈસા તું રાખી લે” એમ કહેવા જ જતો હતો ત્યાં અનાયાસે તેના મોઢામાંથી નીકળી ગયું. “તો પછી પચાસ રૂપિયાના જેટલા ગજરા આપવા હોય તે આપી દે.”

એ બાળકીએ પાંચ ગજરા કાઢી કારની અંદર મૂક્યાં. ટ્રાફિક સિગ્નલની લાઈટ લીલી થઈ. એ સાથે વિનાયકે ઉમંગભેર કારને ઘર તરફ દોડાવી દીધી. ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદની એ શીતલ બુંદોએ વાતાવરણને અલ્હાદ્ક બનાવી દીધું હતું. વરસાદના એ અમી છાંટણાથી વિનાયકનું તન અને મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. મનમાં ઉપજેલી આશાથી તે ખુશખુશાલ થઈ ગયો. પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં વિચાર આવ્યો. “શું આલેષા માનશે ?”

ઓચિતામાં ઝરમર વરસાદ વરસતો બંધ થઈ ગયો અને એ સાથે વાતાવરણમાં ફરી ઉકળાટ વર્તાવવા લાગ્યો. વિનાયકની કાર તેના ઘર પાસે આવી થંભી. તેના મનમાં ઉદભવેલા વિચારોના વાદળાની જેમ વાદળા પણ ગરજી ઉઠ્યા. જાણે તેના મનમાં ઉદભવેલા વિચારોનું તોફાન ન હોય તેમ જોરજોરથી હવા ફૂંકાવા લાગી !

વિનાયકે પાછળ આવી રહેલા કોઈ ચાલકનું ડોરીંગથી અકસ્માત ન થાય તેની કાળજી લેતા. ‘ડચ રીચ’ ટેકનીકથી દરવાજો ખોલ્યો. આમાં કારનો દરવાજો એ હાથથી ખોલવામાં આવે છે જે આપણાથી દૂર છે. જેથી શરીર પાછળની તરફ વળે ત્યારે પાછળની તરફ કોઈ વાહન આવતું તો નથીને તે જોઈ શકાય. વિનાયક દોઢ વર્ષ નેધરલેંડ રહ્યો હતો ત્યારે તેને આ આદત લાગી હતી. હાથમાં ગજરાનું પેકેટ સંભાળી વિનાયક ભારે હૈયે કારમાંથી બહાર નીકળ્યો. “બીપ”ના અવાજ સાથે કાર ઓટોલોક થઈ. એકબાજુ સવારના ઝઘડાથી વિનાયકના મનમાં આગળ શું થશે તેની મૂંઝવણ હતી તો બીજીબાજુ હાથમાંના ગજરાના પેકેટથી તેના મનમાં થોડી ઘણી આશા બંધાઈ હતી. પરંતુ પચાસ રૂપિયાના એ ગજરા આલેષાને મનાવવા પૂરતા હતા ! જોકે પ્રયત્ન કરી જોવામાં કશું ખોટું નથી.”

આમ વિચારમાંને વિચારમાં તેણે ઘરનું બારણું ખખડાવ્યું. હંમેશની જેમ આલેષાએ તરત બારણું ખોલ્યું પરંતુ આજે તેના ચહેરા પરનું સ્મિત ગાયબ હતું.

“આલેષા”

“હજુ કશું કહેવાનું બાકી છે ?” આલેષાએ વિનાયક તરફ જોવાની તસ્દી સુદ્ધાં લીધી નહીં અને અંદર ઓરડામાં જવા લાગી.

વિનાયકે આલેષાને રોકવાના ઈરાદે કહ્યું, “આ જો હું તારા માટે શું લાવ્યો છું ?”

વિનાયકે પેકેટ ખોલતાની સાથે ગજરાના ફૂલોની સુંગંધથી આખો ઓરડો મહકી ઊઠ્યો. પોતાની મનગમતી સુંગધને પારખી લેતા આલેષાના પગ થંભી ગયા. તે ખુશીથી ઝૂમી ઊઠી. તરત પાછા વળીને તેણે વિનાયકના હાથ તરફ જોતા કહ્યું, “ગજરા ! મારા માટે ?”

“હા અને તે પણ પૂરા પાંચ.”

આલેષાએ ટીખળભર્યા સ્વરે કહ્યું, “આજે સવારે મારી સાથે ઝઘડો કર્યો નહોત તો આ વધારાના ચાર ખરીદવા ન પડત.”

આસમાનમાં જોરદાર વીજળી ચમકી.

એ સાથે આલેષા વિનાયકને ભેટી પડતા બોલી, “કેમ ખોટેખોટા મારા પર રોષે ભરાવો છો ?”

ઘરની બહાર અનરાધાર વરસાદ અને અંદર બંને દંપતીની આંખો વરસી પડી.

હેતથી આલેષાની પીઠ પર હાથ ફેરવતા વિનાયકે કહ્યું, “મને માફ કરી દે. આજ પછી હું તારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું.”

બંને જણા એકબીજાને ભેટી આંસુ સારતા રહ્યાં.

વિનાયકના મગજમાં રાકેશની સલાહ ગુંજી ઊઠી, “દોસ્ત, પતિપત્નીમાં રિસામણા મનામણા ચાલતા જ રહે છે. પરતું એ માટે જેની ભૂલ હોય તેણે પોતાની ભૂલ કબૂલી નમતું લેવું પડે. અને સામે પક્ષે પણ ઉદારતાથી માફી આપવી પડે. જો બેઉ પક્ષે આમ સમજદારી હશે તો કોઈદિવસ દાંપત્યજીવનમાં કલેશ નિર્માણ થાય નહીં.”

બહાર વરસાદે માઝા મૂકી.

આલેષાએ પ્રેમથી કહ્યું, “તમે ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું તમારા માટે ગરમાગરમ ભજીયા અને ચ્હા બનાવું છું.”

“સાથે તળેલા મરચા પણ ખરા.”

“હા, જેથી તમારો સ્વભાવ હજુ તીખો થાય..!”

બંને ખડખડાટ હસી પડ્યા.

આલેષા ઉત્સાહથી રસોડા તરફ જવા લાગી. તેને આમ જતા જોઈ વિનાયકે મનમાં વિચાર્યું, “ખરેખર, એકવાર ગુસ્સા અને અહમને બાજુ પર મૂકી તો જુઓ. તમારી મેરેજ લાઈફ ક્વેરીને બદલે બની જશે સિમ્પલ સ્ટોરી.”


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Drama