Nayanaben Shah

Crime

4  

Nayanaben Shah

Crime

સીધીલીટી

સીધીલીટી

4 mins
364


વર્ધનને ઓફિસમાં બધા નફરત કરતાં હતાં. જો કે વર્ધન કહેતો મને કોણ પ્રેમ કરે છે કે કોણ નફરત કરે છે એની સાથે મારે શું નિસ્બત ? મારો અંતરઆત્મા જે કહે એ જ સાચું. પણ તેની પત્ની નાઇરા કહેતી, "તમે જરા પ્રેક્ટીકલ બનો. હું હવે કંટાળી ગઇ છું."

"નાઇરા, લગ્ન પહેલાં તારા પપ્પાએ મારા વિષે તપાસ કરાવી હતી ત્યારે તો તમે બધા ઘણા ખુશ હતાં. મારે તો તમને બધાને એટલું જ પૂછવું છે કે સરકારી નોકરી કરનાર દરેક વ્યક્તિ લાંચ લેતી હોય છે ?"

"મારા પપ્પાને તો કહેવામાં આવેલું કે એકદમ સીધી લીટીએ જીવનાર છે. પપ્પાએ એનો અર્થ એવો કરેલો કે તમને કોઇ જાતનું વ્યસન નથી"

"એટલે તું એવું માને છે કે મને વ્યસન છે ?"

"હા, તમને વ્યસન તો છે જ. ભલે તમે દારૂ નથી પીતાં, જુગાર નથી રમતાં પણ તમને ઇમાનદારીનું વ્યસન છે. જે મોજશોખની જિંદગી જીવવા માટે ખતરનાક છે. "

"શું મોજશોખની જિંદગી જીવનાર જ ખુશ હોય ? બપોરે તડકામાં હાથલારી ખેંચનાર પણ રાત્રે પત્ની અને બાળકો સાથે બેસી રોટલો ખાય છે ત્યારે તેના મોં પર સંતોષ અને આનંદ છવાયેલો હોય છે. જમીન પર સૂઇ જાય છે અને તરત ઉંઘ આવી જાય છે. એ વધારે ખુશ હોય છે એમને સુવા માટે ન તો પલંગ જોઇએ છે કે ન તો ડનલોપનું ગાદલું. તો શું એમના મોં પરનો આનંદ દંભ છે ? દંભ તો માત્ર લાંચિયા માણસ જ કરે કારણ કે એ જે નથી તે બતાવવા દંભ કરે છે"

"મારે તમારૂ ભાષણ નથી સાંભળવું. હકીકત તો એ છે કે તમને બીજાની જેમ બોલતાં નથી આવડતું. તમારૂ વર્તન જ એવું હોવું જોઇએ કે એ સમજી જ જાય કે તમે પૈસા લઇને જ કામ કરશો. કોઇને કશું કહેવાની જરૂર જ ના પડે. મને ખબર છે કે તમારો સાહેબ બહુ મોટી રકમ લાંચરૂપે લે છે. એમાંથી તમને બધાને ભાગ આપે છે તમે તો એ તો તમારા હક્ક ના પૈસા કહેવાય તો પણ તમે નથી લેતા. એટલે તમારા ભાગના પૈસા પણ બધા વાપરી ખાય છે. મેં તમારા જેવો મુર્ખ માણસ જોયો નથી"

"નાઇરા, હું તો એવો જ છું. તારે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે."

"હું કાયમ માટે મારા પિયર જતી રહીશ. આ કંઇ મારા તરફથી તમને ધમકી નથી. હું કરી બતાવીશ. તમારા માટે બધા "બોચીયો" "ચિકણો" જેવા શબ્દ વાપરે છે. મને તો બધી ખબર છે."

ત્યારબાદ તો પતિ-પત્ની વચ્ચે કંકાસ વધવા માંડ્યો. એની કોઇપણ ઇચ્છા સંતોષાતી ન હતી. એ આખરે પિયર ગઇ પણ જતાં જતાં ધમકી આપતી ગઇ કે "હું તમને જોઇ લઇશ. તમારી સાથે રહી મારી જિંદગી બરબાદ થઇ ગઇ. મારા નસીબ ફુટલા કે મારા તમારી સાથે લગ્ન થયા."

નાઇરાના પિતા મધ્યમ વર્ગના હતાં. એમની ગણતરી હતી કે જમાઇ પૈસેટકે થોડી મદદ કરે તો એમનું ઘર ઉંચુ આવી જાય. પણ એમની ધારણા સદંતર ઉંધી પડી. એમની ઇચ્છા હતી કે દીકરીને ફરીથી પરણાવી દઇએ. જો કે નાઇરાના ભાઇએ કહ્યું, "નાઇરા,વર્ધન જેવો માણસ આ જમાનામાં મળવો મુશ્કેલ છે. "

"નાના, તને આ બધામાં સમજણ ના પડે. હું તો એને સીધો કરી દઇશ. છૂટાછેડા લઇશ અને ખાધાખોરાકી પણ લઇશ, એને નહીં છોડું."

થોડાવખત બાદ જ એને ઓફિસમાં જઇને એના સાહેબ જોડે મસલત કરી. ટૂંકસમયમાં જ વર્ધનને એક ખોટા કેસમાં ફસાવી દીધો. એટલું જ નહીં કેસ એટલો તો સજ્જડ બનાવ્યો હતો કે વર્ધનને જેલની સજા થાય. જે દિવસે કોર્ટમાં વર્ધનનો કેસ હતો તે દિવસે નાઇરા કોર્ટમાં હાજર રહી. નાઇરાએ કહ્યું,"આખરે મેં તને બદનામ કર્યો જ. કોઇ માનવા પણ તૈયાર નહીં થાય કે તેં લાંચ લીધી નથી."

વર્ધન પીડાસહિત બોલ્યો,તારે મારી જોડે રહેવું ન હતું તો હું રાજીખુશીથી છૂટાછેડા આપી દેત. તેં મારી વિરૂધ્ધ ષડયંત્ર શા માટે ગોઠવ્યું ? હું આ બદનામી સહન કરવા કરતાં મરવાનું પસંદ કરીશ. હું આ કલંક સાથે જીવી નહીં શકું"

"તો મરી જાવ. "

"નાઇરા,આ તું બોલે છે ? મેં તને દુનિયામાં સૌથી વધુ..."

વર્ધન આગળ કશું બોલી ના શક્યો. લગભગ બેભાન જેવો થઇ ગયો. એ જ સમયે એનો વકીલ મદદે આવ્યો અને એને દવાખાને લઇ ગયો. વકીલની સાથે નાઇરીનો નાનો ભાઇ પણ હોસ્પિટલમાં દોડી આવ્યો. જયારે એનું ઇ. સી. જી. લીધું ત્યારે સીધી લીટી આવી. ડોક્ટરે આવીને કહ્યું,"આઇ એમ સોરી" નાઇરાનો ભાઇ રડી પડ્યો. નાઇરાને ફોન કરીને કહ્યું,"સીધી લીટીના માણસને આખરે ઇ. સી. જી માં સીધી લીટી જ આવી ગઇ. તારે તો ખુશ થવું જોઇએ. તારે છૂટાછેડા લેવાની પણ જરૂર ના પડી. "

નાઇરાનો નાનોભાઇ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો. જેથી એ ડોકટરનું પાછળનું વાક્ય સાંભળી ના શક્યો કે, "હું ઇલેક્ટ્રિક શોટ આપીને એક છેલ્લો પ્રયત્ન કરી જોઉં છું. પછી તો ઇશ્ર્વર ની ઇચ્છા મુજબ જ થશે"

પરંતુ કહેવાય છે કે, "ઇશ્ર્વરને ત્યાં દેર છે પણ અંધેર નથી" ડોક્ટરને એમના પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થઇ હતી. વર્ધનનો વકીલ નાઇરાના ભાઇ પાસે આવી બોલ્યો, "દોસ્ત ,ભગવાન પણ નિર્દોષ માણસની નિર્દોષતા સાબિત ના થાય ત્યાં સુધી એને પોતાની પાસે બોલાવતો જ નથી. જે વ્યક્તિ એ વર્ધનને જુઠા કેસમાં ફસાવ્યો છે એ વ્યક્તિને એની ભૂલ સમજાઇ ગઇ છે એટલે કોર્ટમાં નિર્દોંષ સાબિત થઈ જશે.

એટલીવારમાં જ નાઇરા તથા એના પપ્પા હોસ્પિટલ આવી ગયા. પરંતુ નાઇરાનો ભાઇ તથા વર્ધનનો વકીલ દરવાજે જ ઉભા હતાં. બોલ્યા,"નાઇરા, પહેલાં તું છૂટાછેડાના કાગળ પર સહી કર પછી જ તમે બંને અંદર જઇ શકશો."

નાઇરાએ વિચાર્યું કે "વિધવા"નું લેબલ લાગે એના કરતાં ભલે છૂટાછેડા મળે. બીજું સારૂ પાત્ર તો મળી જ જશે . એ ભૂખડીબારસ પાસે તો પૈસા પણ ના હોય એટલે પૈસા મળવાની શક્યતા તો ઓછી જ છે. સહી કરવામાં કંઇ ગુમાવવાનું તો નથી જ. સહી નહીં કરૂ તો એને કરેલું દેવું મારે જ ભરવું પડશે.

દિવસો વિતતા ગયા. વર્ધનને સારૂ થતું ગયું. એ સમય દરમ્યાન જ એક ઇન્ટરનેશનલ કંપનીમાંથી એને નોકરીનો ઓર્ડર મળ્યો. ઘણા મોટા પગારની નોકરી હતી. વર્ધનને નવાઇ લાગી કારણ કે એને ઇન્ટરવ્યું પણ આપ્યો ન હતો. કંપની તરફથી કહેવામાં આવ્યું કે અમારે તમારા જેવો ઇમાનદાર માણસ જ અમારી કંપની માટે જોઇતો હતો. અમને એમ. બી.એ. થયેલા તો ઘણા મળતા હતા પરંતુ અમે ઘણા વખતથી તમારા જેવો માણસ શોધતાં હતાં. તમારા કેસ વિષે અમે છાપામાં વાચ્યું ત્યારે અમને થયું કે આખરે સીધીલીટીએ ચાલનાર માણસ તો અમને મળી જ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Crime