સહુની પીડા
સહુની પીડા
પીડા શબ્દ કાને પડતાં જ આપણી સમક્ષ સ્ત્રીનું પાત્ર આવે. પ્રસુતિ ટાણે થતી અસહ્ય પીડાનું એને દુઃખ નથી આ પીડા વેઠીને દીકરીને જન્મ આપે ત્યારે સાંભળવા પડતા મે'ણાની પીડા અસહ્ય હોય છે. માસિક ધર્મમાં થતી પીડાનું દુઃખ નથી પરંતુ આ સમયે સહાનુભૂતિને બદલે એને ધૂત્કારવામાં આવે, અછૂત હોય એવું વર્તન કરે એની પીડા અસહ્ય હોય છે. પરિવાર માટે દોડતા, લાગતા થાકની પીડા નથી, પીડા તો છે બે શબ્દો કદરના બોલવાને બદલે ખામીઓ શોધી મરાતા મે'ણાની.
પતિ ગુજરી જાય ત્યારે પત્નીનો વાંક હોય એમ સ્ત્રીને અપશુકનિયાળ માનવામાં આવે, ચૂડી ચાંદલો કે બીજા કોઈ શણગારથી વંચિત કરવામાં આવે. શુભકાર્યર્માંથી દૂર રાખવામાં આવે. નિજના સંતાનોનાં લગ્નની વિધિ બીજા પાસે કરાવવામાં આવે ત્યારે જે માનસિક પીડા થાય એની વેદના તો વેઠી હોય તો જ ખબર પડે.
રખે માનતા કે પીડા નારીને જ સહન કરવાની આવે. નારીની પીડા તો એ અશ્રુ વાટે વહાવી દે, પરંતુ પુરુષની પીડાનું શું ? એને તો નાનપણથી તાલિમ જ એવી મળી હોય કે રડાય નહીં.
પુરુષને પણ પ્રેમ અને સહાનુભૂતિ જોઈએ.ઓછું કમાતા પતિને બીજાના પતિ સાથે સરખામણી કરી મરાતા શાબ્દિક ચાબખા કેરી પીડા. પરિવાર કાજે ઝઝૂમતા પુરુષને પ્રેમ, હૂંફ ન મળે, પત્નીનો સાથ છૂટે, સંતાનસુખ ન આપી શકવાને કારણે ભોગવવી પડતી પીડા. પત્નીનો સથવારો છૂટી જાય ત્યારે સંતાનોનો ઉછેર કરતા થતી પીડા.
પાછલી જિંદગીમાં પત્ની વિના પોતાના જ ઘરમાં દીકરો વહુ હડધૂત કરે એ પીડા.આ બધી પીડા સ્ત્રી કે પુરુષ માટે અસહ્ય.જેણે વેઠી હોય એને જ ખ્યાલ આવે.
અકસ્માત કે માંદગીમાં થતી શારીરિક પીડાનો ઇલાજ છે.પરંતુ સમાજ, સ્વજન દ્વારા મળતી પીડાનું શું ?
આ બધામાં ભૂલકાંઓને કેમ ભૂલાય ? નાની મોટી માંદગીની, શાળામાં પડતો માર,ભારેખમ દફ્તર પીઠ પર રાખવાથી થતી પીડા. પાર વગરનુ લેસન, પ્રસિધ્ધિ ની હોડમાં યંત્ર સમ બનાવી છીનવાયેલા બાળપણની પીડા એનો કોઈને ખ્યાલ આવે છે ?
છે કોઈ પાસે ઉપાય આ બધી પીડા દૂર કરવાનો ?
