શું બદલાઈ છે પદ્ધતિ?
શું બદલાઈ છે પદ્ધતિ?


“ઓગણીસમી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિપ્રથા જેવા અનિષ્ટોની ચુંગલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડૂક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. નાની બાળકીઓને “દૂધપીતી” કરવા જેવો કુરિવાજ વ્યાપેલો હતો.”
પાઠ્યપુસ્તક બંધ કરી શિક્ષક મોહનરાયે કહ્યું, “બાળકો, મને એ કહેતા આનંદ થાય છે કે પાશ્ચાત્ય શિક્ષણને કારણે ધીમે ધીમે આવા અનિષ્ટોને દૂર કરવામાં આપણે સફળ થયા છીએ.”
શાળા પૂર્ણ થવાનો ઘંટ વાગ્યો.
શિક્ષક મોહનરાય કલાસરૂમમાંથી બહાર નીકળ્યા જ હતા ત્યાં તેમના મોબાઈલની રીંગ વાગી. તેઓએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તેની સ્ક્રીન પર જોયું તો તેમની પત્ની સુજાતાનું નામ ઝળહળી રહ્યું હતું. ફોનને ઉઠાવી કાન પર લગાડતા તેઓ બોલ્યા, “બોલ સુજાતા... શું??? સોનોગ્રાફીમાં દીકરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે? તો તેં શું કહ્યું? શાબાશ... બરાબર છે, આપણને દીકરો જ જોઈએ... ડોક્ટરને મળી તું હમણાં જ ઓપરેશન કરાવવાનું કહી દે. હું અબઘડી હોસ્પિટલમાં આવી પહોંચું છું.”
આજે વીસમી સદીમાં અત્યાધુનિક અને પાશ્ચાત્ય ટેકનોલોજીથી ફરી એકવાર એક બાળકી જન્મ લેવા પહેલાં જ તેની માતાના ગર્ભમાં થવાની હતી દૂધ પીતી. શું અનિષ્ટો ખરેખર દૂર થયા છે કે માત્ર તેની બદલાઈ છે પદ્ધતિ !