mariyam dhupli

Tragedy Inspirational

4.2  

mariyam dhupli

Tragedy Inspirational

શુભચિંતક

શુભચિંતક

3 mins
348


એ મોબાઈલ લઈ બેઠક ખંડમાં બેઠી હતી. ચહેરો ઘણો ઉતરેલો હતો. આંખોની નીચે કાળા કુંડાળા હતા. કપડાં લઘરવઘર હતા. ઘરકામમાંથી સમય જ ક્યાં વધતો હતો કે પોતાનો ચહેરો કે દશા અરીસામાં નિહાળી શકે. હોઠને હાસ્યનો સ્પર્શ થવાને એક લાંબો અરસો વીતી ગયો હતો. માથાના વાળમાંથી કાળા કરતા સફેદ વાળ વધુ દેખાઈ આવતા હતા. ઉંમર પહેલાજ એમણે રંગ બદલી નાખ્યો હતો. ખાસ દેખાવાની કે ખાસ અનુભવવાની જરૂર ક્યાં હતી ? જીવનની વ્યસ્તતા નીચે ઉત્સાહ, જોમ અને ખુશી આલોપ થઈ ગયા હતા. એ દર વખત જેમ એકતરફી બધું જ સાંભળી રહી હતી. સામેથી બોલવાનું કે ઉત્તર આપવાનું જાણે સમય અને ઊર્જાનો વ્યય ન હોય ? પાછળ ભીંત ઉપર લટકી રહેલી પતિની તસ્વીર ઉપર ફૂલોની માળા એનાં જેવીજ સ્થિર, શાંત, સ્થગિત હતી.


" કમોન, વૃંદા. બધાજ આવવાના છે. તું પણ આવ યાર. સુકેતુના ગયા પછી તો જાણે તે પણ જીવવાનું છોડી દીધું છે. તારું જીવન ફક્ત અને ફક્ત તેજશની આગળપાછળ વીંટળાયેલું રહે છે. એ તારો દીકરો છે. તને એની ચિંતા છે. પણ તારું પોતાનું પણ તો જીવન છે. ખોટું ન લગાડતી. મને તારી ચિંતા છે એટલે..."


સામે તરફથી થયેલા એકતરફી વાર્તાલાપને અંતે એણે ઠંડા કલેજે કોલ કાપી નાખ્યો. થોડા દિવસો પછી અન્ય એક કોલ. નવો અવાજ. પણ એજ હાવભાવ વિનાનો ચહેરો, એજ સિવાયેલા હોઠ અને એજ તેજ વિનાની ઢળેલી મૌન આંખો.


" વૃંદા, તેં તારી હાલત કેવી કરી મૂકી છે ? તું ફક્ત તેજશ પાછળ બધું ભૂલી બેઠી છે. જરા બહાર નીકળ. આમ ઘરમાં ને ઘરમાં રહી તું બીમાર થઈ જઈશ. તેજશ માટે એક બેબીસિટર કેમ નથી રાખી લેતી ? ડોન્ટ માઈન્ડ યાર. હું તો તારી શુભ ચિંતક છું એટલે... "


સાંભળેલા શબ્દોથી મનોજગતને કશો સ્પર્શ ન થયો હોય એમ થાકેલા તનમન જોડે એ અંદરના ઓરડામાં જતી રહી. 


થોડા દિવસો પછી બેઠકખંડમાં એક સ્ત્રી આવી ગોઠવાઈ હતી. વૃંદાથી તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વ. સુંદર ડિઝાઈનર સાડી, પ્રોફેશનલ મેકઅપ, નેઈલપૉલિશવાળા ચળકતા નખ, સેટ કરેલા સુંદર તાજા ડાઈ થયેલા વાળ. ફરી નવો અવાજ. 


" વૃંદા, હું તો તારું ભલું ઈચ્છું છું એટલેજ કહું છું. તારી જાત પર પણ ધ્યાન આપ. જ્યાં જાય છે ત્યાં ફક્ત તેજશ જોડે. યુ નીડ અ બ્રેક. આજે મારું પેડિક્યોરનું અપોઈન્ટમેન્ટ છે. આવીશ ? "

ઢળેલી હતાશ આંખો ઉત્તર આપવા તૈયાર ન હતી. એક ઊંડા નિસાસા જોડે સ્ત્રીએ પોતાનો ડિઝાઈનર પર્સ ઉઠાવ્યો અને ઘર બહાર નીકળી ગઈ. વૃંદાના ભારે ડગલાં અંદરના ઓરડા તરફ ઉપડી પડ્યા. 


થોડા દિવસો પછી...


વૃંદા અંદરના ઓરડામાંથી બહાર નીકળી. ઘણા સમય પછી એણે નવો ડ્રેસ ચઢાવ્યો હતો. સફેદ વાળ મહેંદી પાછળ છૂપાઈ ગયા હતા. આંખોમાં ચમક હતી અને ડગલામાં જોમ અને ઉત્સાહ. 


ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી એ પાછળ ફરી. બેઠકખંડમાં બેઠી અન્ય એક સ્ત્રી તરફ કૃતજ્ઞતાથી નજર કરી. સ્ત્રી ખુશીથી બેઠક છોડી ઊભી થઈ અને અંદરના ઓરડાના દરવાજા સુધી પહોંચી એણે વૃંદાની નજરમાં નજર મેળવી. 


" રાહ શું જુએ છે ? ગો. એન્જોય. કેટલા વર્ષોથી તું..સુકેતુનાં ગયા પછી તો... તારા માતાપિતા પણ નથી કે તારી પડખે... નોકરી પણ છોડવી પડી અને આર્થિક સંકળામણની વચ્ચે બેબીસિટર..." એક ઊંડો ઉચ્છવાસ શબ્દોની વચ્ચે ગોઠવાઈ ગયો. 


" તું ચિંતા ન કર. હું જાણું છું કે તેજશ જોડે મિત્રતા કરતા થોડો સમય લાગશે. પણ હું પ્રયાસ કરીશ. દર શનિવારે મારો હાફ ડે હોય છે. હું આવી જઈશ. તને થોડી એકાંતની ક્ષણો મળી જશે. યુ નીડ ધેટ. મેન્ટલ ડિસેબિલિટી વિષે હું બહુ ઊંડાણમાં તો નથી જાણતી પણ એટલું જરૂર જાણું છું કે એક મેન્ટલી સ્પેશિયલી એબલ્ડ બાળકને સંભાળતી માતાને સલાહની નહીં સહકારની અપેક્ષા હોય છે. રાઈટ ? "


વૃંદાની આંખોનું ભેજ વિસ્તરી એનાં સુંદર બનેલા મિજાજને બગાડી મૂકે એ પહેલા સ્ત્રીએ અંદરના ઓરડામાં તેજશની દિશામાં આગળ વધતાં વૃંદાની દિશામાં આંખ પલકારી ફિલ્મી ડાયલોગ વિશિષ્ટ અદાથી કહ્યો. 


" જા, વૃંદા,જા...જીલે અપની જિંદગી... "


ચહેરા પરના જોમ અને ઉત્સાહ જોડે વૃંદાના ડગલાં એક લાંબા અરસા પછી તેજશ વિના ઘરની બહાર નીકળી પડ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy