શ્રીયંત્ર
શ્રીયંત્ર
દિવાળી નજીક આવી રહી હતી છાપાંઓમાં અને મેગેઝીનોમાં તો જાહેરાતોનો તો જાણે રાફડો ફાટ્યો હતો.
એમાં નલિનીબેનની નજર એક જાહેરાત પર પડી. તેમણે પતિ નવનીતરાયને બતાવતા કહ્યું કે, “મારે આ હીરો જોઈએ છે.” નવનીતરાયે ધ્યાન જ ન આપ્યું. નલિનીબેન કહે કે હવે તમને મારા પર પ્રેમ જ રહ્યો નથી અને મને ઓનલાઈન શોપિંગ કરતા આવડતું નથી. ને હવે હું તે શીખી જ લેવાની છું, પછી હું જ એ ઓર્ડર કરી લઈશ.”
હવે નવનીતરાય અકળાયા અને કહે કે, “ઓર્ડર તો હું હમણાં જ કરી દઉં, પણ આ હીરો નથી. આ ‘શ્રીયંત્ર’ છે અને તે ફક્ત હીરા જેવું દેખાય છે. તો તું એકવાર આખી જાહેરાત ફરી વાંચી જો.”
નલિનીબેન તો જાહેરાત વાંચવાં લાગ્યાં. ધન સમૃદ્ધિ, સકારાત્મક વાતાવરણ, ઘરમાં સુખ-શાંતિ, સમાજમાં પ્રતિષ્ઠા, માનસિક શાંતિ, ઉજ્જવળ ભવિષ્ય, વધતો વેપાર, સંતાનસુખ, સ્વાસ્થ્ય સુરક્ષા…
જેમ જેમ વાંચતાં ગયા તેમ તેમ તેને અફસોસ થવા લાગ્યો કે પતિ નવનીતરાયનું કેટલું દિલ દુભાવ્યું હતું. કારણ કે આ બધું તો તેમને આ યંત્ર વગર જ મળી ગયું હતું. તેમાં કશી જ નવીનતા નથી. તો શા માટે ખોટા પૈસા વેડફવા જોઈએ !

