Bindya Jani

Tragedy Thriller Drama

4.5  

Bindya Jani

Tragedy Thriller Drama

શરદ પૂનમની રાતે

શરદ પૂનમની રાતે

7 mins
1.0K



            નવરાત્રીનો તહેવાર આવે ને નંદિની ખુશ –ખુશ થઈ જાય. અને નવરાત્રીની તૈયારી મહિના પહેલા જ શરૂ કરી દે. નવા-નવા ચણિયાચોળી અને તેની ડીઝાઇન પોતે જ બનાવે અને પોતે જ સીવે. નંદિનીના દરેક કાર્ય માં નવીનતા જ હોય. ચણિયાચોળી સાથે પહેરવાનાં દાગીના ગોતવામાં બજાર ફરી વળે અને કંઇક નવું જ હોય એવું ગોતી આવે.


             નવરાત્રી માં ગરબા રમે કે દાંડિયા રાસ. એના પગ જાણે કે હવામાં ઊડતા હોય. કલાકો સુધી કૂદે ,પણ થાક નું તો નામ જ નહિ. બીજે દિવસે એ જ સ્ફૂર્તિથી રમવા નીકળી પડે. નંદિની અને તેનું ગ્રુપ એટલે ઝંકાર ગ્રુપ. જ્યાં -જ્યાં રમવા જાય ત્યાં -ત્યાં વાહ -વાહ બોલાવી ને આવે. હરિફાઈ હોય તો અચૂક નંબર લઈ ને જ આવે.  


               આ વર્ષે ઝંકાર ગ્રુપે કર્ણાવતી ક્લબમાં રમવા જવાનું નક્કી કર્યું. ઢોલ નગારા ને દાંડિયાની રમઝટ બોલી. કર્ણાવતી ક્લબનું નુપૂર ગ્રુપ પણ એમાં સામેલ હતું. બંને ગ્રુપ ખૂબ જ સરસ રીતે રમતા હતા. લોકોએ બંને ગ્રુપના ખૂબ જ વખાણ કર્યા. ઝંકાર ગ્રુપની ચહેતી નંદિની એ, અને નુપૂર ગ્રુપના શિવમે બધાના દિલ જીતી લીધા. બંને ગ્રુપમાં નંદિની અને શિવમ પ્રથમ આવ્યાં હતાં. બંને ને સાથે રમવા માટે ફરીથી એક રાઉન્ડ રમાયો. અને એ રાઉન્ડમાં નંદિની પ્રથમ આવી. શિવમને તેની મીઠી ઈર્ષા થઇ. અને હવે નવરાત્રી દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. મુલાકાતો વધતી ગઈ. મોબાઈલે તેમાં ખુબ સરસ ભાગ ભજવ્યો. બંને ને લાગતું હતું કે તેઓ એકબીજા માટે જ સર્જાયા છે. 


            નવરાત્રીમાં અનેક જગ્યા એ તેઓ બંને સાથે જવા લાગ્યા. અલગ –અલગ ડ્રેસ માં સજ્જ થઇ રમવા જતા ત્યારે બંનેની જોડી જોઈ ને લોકો વાહ – વાહ બોલતા અને શરદપૂનમની રાતે તો બંને એ રાસની રમઝટમાં કમાલ કરી દીધી.


             ‘મારી પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત’ આ ગીત ની ધૂન પર તો નંદિની અને શિવમ મન ભરીને રમ્યા. અને આ જોડી એ ‘પ્રિન્સ –પ્રિન્સેસનો ખિતાબ જીતી લીધો. અને આમ નવરાત્રી ના દિવસો રૂમેઝૂમે પૂરા થઇ ગયા. 


              નંદિની અને શિવમ પણ પોતાનામાં વ્યસ્ત થઇ ગયા. બંને એકબીજાના સંપર્કમાં રહેતાં પણ પહેલાની જેમ મળવાનું થતું નહિ. શિવમ થોડા દિવસ માટે અમદાવાદ આવેલો. તે નવરાત્રી પૂરી થતાં જ નંદિની ને મળી ને પૂના જવા નીકળી ગયો. અમદાવાદ તેનું વતન હતું, માટે તે નવરાત્રીમાં અચૂક અમદાવાદ આવતો. આ વખતે તેને નંદિની જેવી મિત્ર મળી ગઈ હતી. તે ખૂબ જ ખુશ હતો. તે પૂના એમ.બી.એ. નું ભણવા ગયેલો.


         પૂના ગયા પછી તેને નંદિની ખૂબ જ યાદ આવતી. તે તેની સાથે ના ફોટાઓ ને જોયા કરતો.તેનું ભણવા માં મન લાગતું નહિ. નંદિનીની દશા પણ આવી જ હતી. તેને પણ શિવમ અને તેની પ્રેમ ભરી વાતો યાદ આવતી હતી. તે પણ એમ.એ. નું ભણતી હતી પણ ભણવા નું જાણે ભુલાઈ ગયું હતું અને તેનું મન શિવમ-શિવમ ના પાઠ ભણતું થઇ ગયું હતું 


           નંદિની અને શિવમ વચ્ચે તેમનો મોબાઈલ જ સર્વસ્વ હતો. રોજ રાત પડે ને તેઓ વાતચીત દ્વારા એકબીજામાં ખોવાઈ જતાં. 


            ઘર માં નંદિની માટે સગપણ ની વાત ચાલી. શું કરવું તે મૂંઝાતી હતી,અને અંતે તેમણે નક્કી કર્યું ઘરમાં જ શિવમ સાથે ના સંબંધ ની વાત કરવી. અને બંને એ પોતાના ઘર માં વાત કરી. બંને કુટુંબો એ તેમની વાત ને સહર્ષ સ્વીકારી. બંને ખૂબ ખુશ થયા. અને સગાઇ ની તારીખ પણ નક્કી થઇ ગઈ. બંને ના ઘર માં હર્ષોલ્લાસ હતો. બંને ના કુટુંબ ને આ જોડી ભગવાને જ બનાવી હોય તેવું લાગતું હતું. સગાઇ માટે જરૂરી ખરીદી થઇ ગઈ. હોલ બુક થઇ ગયો. 


            જેમ-જેમ સગાઇ નો દિવસ નજીક આવતો ગયો તેમ-તેમ તેઓ ફોન ઉપર વાતો ના વરસાદમાં ભીંજાતા રહ્યા. અને એ સોનેરી દિવસોની રાહ જોતા રહ્યા. એમનું સપનું હકીકત માં ફેરવાઈ જવાના હવે સાત દિવસ જ બાકી રહ્યા હતા. રોજ ની જેમ આજ રાતે નંદિની એ શિવમ ને ફોન જોડ્યો,પણ સ્વીચ ઓફ બતાવતો હતો. તે બેચેન બની ઊઠી. વારંવાર ફોન કરતી રહી પણ તેનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતો રહ્યો. તે રાતે તેને નીંદર પણ ન આવી. તેણે બીજે દિવસે સવારે ફરી ફોન જોડ્યો, તેના ઘરે પણ ફોન જોડ્યો તો તેના માં-બાપ પણ ચિંતાતુર હતા. બંને કુંટુંબ માં ચિંતાનું મોજું ફરી વળ્યું.


             શિવમ ના ઘરે ફોનની ઘંટી રણકી. કોઈ અજાણ્યા યુવક દ્વારા પૂના ની હોસ્પિટલમાંથી ફોન હતો શિવમના અકસ્માતના સમાચાર હતા. સમાચાર મળતાં જ તેના માતા-પિતા પૂના પહોંચી ગયા. શિવમ ને જોઈ ને તેઓ ખુબ જ દુઃખી થયા. શિવમ પાસે એક નવયુવાન બેઠો હતો. તેણે શિવમ ને તરફડતો જોઈ હોસ્પિટલ પહોંચાડી ને તેની જાન બચાવેલી.અને તેના માતા-પિતા ને ફોન કરેલો. શિવમ જયારે ભાનમાં આવ્યો ત્યારે તેણે તેના માતા-પિતા ને તેની આસપાસ ઉભેલા જોયા.તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો તેની અવદશા જોઈ ને તેના માતા-પિતા પણ રડી પડ્યા અને તેણે આશ્વાસન આપતા રહ્યાં. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે હવે નંદિની સાથે સંપર્ક નહીં રાખે. તેના કારણે તેની નંદિની દુઃખી થાય તેવું તે નહિ કરે. તેણે તેના મોબાઈલ નું સીમકાર્ડ બદલી નાખ્યું. તેના માતા-પિતા ને પણ કડક સૂચના આપી કે તેઓ એ નંદિની સાથે કે તેના ઘરના સાથે સંપર્ક કરવો નહિ.તેના માતા-પિતા બિચારા શું બોલે !તેઓ અમદાવાદ છોડી પૂના આવી ગયા.


            નંદિની શિવમ ના ઘરે આવી તો તેણે તાળું જોયું.બાજુમાં કે નજદીકમાં કોઈ રહેતું ન હતું. શિવમ ના દોસ્તો સાથે વાતચીત કરતા તેણે પણ એક જ જવાબ આપ્યો કે તેનો મોબાઈલ નંબર ઉપલબ્ધ નથી. આમ અચાનક શિવમ નો સંપર્ક નહિ તેમજ તેના ઘરે પણ તાળું હોવાના કારણે નંદિની ના કુટુંબીજનો ને પણ કંઇક અજુગતું બન્યા ની દહેશત લાગી , પણ કોઈ નો સંપર્ક ન થવાથી તે લોકો વધુ વિચારી શકતા ન હતા. 


            નંદિની ની માતાએ નંદિની ને સમજાવી કે બેટા શિવમ સાથે તારું લેણું એટલું જ હશે અમે પણ શું કરી શકીએ. શક્ય એટલો સંપર્ક કરવા અમે કોશિશ કરી ,પણ હવે તારા નસીબ. નંદિની બિચારી શું બોલે! પહેલાની હસતી રમતી નંદિની જાણે ક્યાંક ખોવાઈ ગઈ. તે ગુમસુમ રહેવા લાગી. તેણે જાણે કે જીવવામાંથી રસ જ ઊડી ગયો. તેણે આ આઘાતમાંથી બહાર કાઢવા તેના માતા-પિતા એ તેને યોગ્ય પાત્ર શોધી પરણાવી દેવાનો વિચાર કર્યો. પણ નંદિનીનું મન તે માટે તૈયાર ન હતું. આમને આમ સમય વીતતો ગયો. તે વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી. તેને સમજાતું ન હતું કે આમ અચાનક શિવમ સાથે નો સંપર્ક કેમ તૂટી ગયો. નક્કી શિવમ મુસીબતમાં હશે. તેને ક્યાં શોધું.? પણ તે લાચાર હતી. જાણે કે શિવમ ને શોધવાના બધા જ દરવાજા બંધ થઇ ગયા હતા.


            અને એક દિવસ તેણે માતા-પિતા ની ઘણી સમજાવટ ના અંતે લગ્ન માટે હા પાડી દીધી. અને એ પણ એટલા માટે કે તેના માટે જે છોકરાની વાત આવી હતી તે પૂના નો હતો. તેણે મનોમન થયું કે તે પૂના જશે તો શિવમ ને શોધી શકશે.


            એક દિવસ સારું મુહૂર્ત જોઈ તેમની સગાઇ નક્કી કરી નાખી. અને થોડા દિવસમાં જ લગ્ન પણ થઇ ગયા. નંદીશને પરણીને નંદિની પૂના તો આવી ગઈ. પણ તેના દિલોદિમાગ પર શિવમ છવાયેલો હતો. લાખ કોશિશ કરવા છતાં તે શિવમ ને ભૂલી શકી નહીં 

           નંદીશ પણ સરસ સ્વભાવનો અને પૈસાદાર કુંટુંબનો એકનો એક દિકરો હતો. તે પણ ખુબજ શોખીન હતો. તેને જેવી જીવનસંગિનીની ઈચ્છા હતી તેવી જ નંદિની હતી. સૌમ્ય ,સુંદર અને ઠરેલ. નંદીશ ખુશ હતો નંદિની ને મેળવીને. નંદિની પણ તેમને માન આપતી. પણ તેના દિલના ખૂણે શિવમની યાદો સચવાયેલી હતી.   


            નંદિની ધીરે-ધીરે તેના સંસાર માં ગોઠવાતી ગઈ. નંદીશ ના નિખાલસ સ્વભાવના કારણે તે આઘાતમાંથી બહાર નીકળતી આવી. સમય સરતો રહ્યો અને જોતજોતામાં આ વર્ષે ફરી નવરાત્રી નજીક આવી ગઈ. નંદીશ અને તેનું ગ્રુપ નવરાત્રીની તૈયારી કરવા લાગ્યા. રોજ બધા ભેગા મળી ને પ્રેક્ટીસ કરતા. નંદિનીને બધા ખુબ જ આગ્રહ કરતા ,પણ નંદિની ના પાડતી. નવરાત્રી તો તેની અને શિવમની મુલાકાતોની રાત હતી. તે કેમ ભૂલે ! પણ હવે તે કોઈની પત્ની હતી. શિવમ તેનું સોનેરી સપનું બની ને સચવાય ગયો હતો. નંદીશને પણ નવરાત્રીમાં દાંડિયારાસ રમવાનો ખુબજ શોખ હતો એટલે તે નંદિનીને ધરાર આગ્રહ કરતો ,અનિચ્છા હોવા છતાં તેને રમવું પડતું, તે મનમૂકીને રમી શકતી નહિ. પણ કુદરતી રીતે જ તેની રમવાની અદા એટલી સરસ રહેતી કે લોકો ના ધ્યાનમાં તે આવી જ જાતી.


          શિવમ પણ નંદિનીને તેનું એક સુંદર સપનું માની ને પોતાની જાત ને મનાવી રહ્યો હતો. તે તો હવે નવરાત્રી રમી શકે તેમ ન હતો. તેણે આ વર્ષે પૂનામાં જ નવરાત્રીનું આયોજન સંભાળ્યું. અને અલગ-અલગ દિવસે સ્પર્ધા યોજી ને પ્રથમ આવનારને પોતાના તરફથી ઇનામ આપવાનું નક્કી કર્યું હતું.


           પૂનામાં આ વર્ષે શરદપૂનમના દિવસે જોડી નંબર -૧ નું આયોજન શિવમે કરેલું. નંદીશે નંદિની ને રમવાનો પાસ આપતા કહ્યું કે ‘નંદિની’ આ સ્પર્ધા ની જોડી નંબર -૧ આપણે જ બનવાનું છે. અને એ માટે જોઈતી તૈયારી તું કરી લે , આ શરદપૂનમની રાત આપણી મસ્તીભરી રાત હશે ! 


           નંદીશ ની વાત સાંભળી ને ઘડીભર માટે તે અવાફ થઇ ગઈ. તે સાંભળ્યું ન સાંભળ્યું કરી ને હાથમાં પાસ લઈ ને બેઠી રહી. મનોમન તે શિવમ ને યાદ કરતી રહી. તેની સાથે વિતાવેલા દિવસો ને યાદ કરતી રહી. તેના દિલમાં નવું જોમ આવતું હોય તેવું તેણે અનુભવ્યું.


            શરદપૂનમની રાતે નંદિની તૈયાર થઇ ને નંદીશ સાથે રમવા ગઈ. તેના પગમાં જાણે કે પહેલાનો થનગનાટ આવી ગયો હોય તેમ તે ખુબ જ રમી, અને જયારે જોડી નંબર -૧ નું પરિણામ જાહેર થયું ત્યારે નંદીશ ને નંદિનીની જોડીને વિજેતા જાહેર કરાઈ. તેમનો ક્રમાંક નંબર -૫ હતો. સ્ટેજ ઉપરથી જાહેરાત થઇ કે પાંચ નંબર ની જોડી “જોડી નંબર -૧” માટે વિજેતા થયેલ છે અને આ જોડી ને “સ્પેશ્યલ પ્રાઈઝ” આ સ્પર્ધાના આયોજક શ્રી શિવમ શાહ તરફ થી રહેશે, તો આ જોડી નંબર -૧ સ્ટેજ ઉપર આવે. શિવમ શાહ નું નામ સાંભળતા જ નંદિની ચમકી ગઈ.


       નંદિની અને નંદીશ સ્ટેજ ઉપર ઈનામ લેવા ગયા ત્યારે નંદિની શિવમને અને તેના હાથમાં રહેલી બંને કાખઘોડી જોઇને જ હેબતાઈ ગઈ. શિવમને પણ નંદીશ સાથે નંદિનીને જોઇને આશ્ચર્ય થયું.અને ખુશી પણ થઇ કારણ આ એ જ નંદીશ હતો કે જેણે શિવમનો જીવ બચાવ્યો હતો. શિવમને જોઈને નંદિનીની આંખમાં આંસુ આવી ગયા.પણ તે એક પણ શબ્દ ઉચ્ચારી શકી નહિ. તે ઇનામને છાતીસરસું ચાંપી ને સ્ટેજના પગથિયાં સડસડાટ ઉતરી ગઈ. શિવમ તેને અપલક નજરે જોતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy