STORYMIRROR

Mariyam Dhupli

Drama Thriller Tragedy

4  

Mariyam Dhupli

Drama Thriller Tragedy

શોર

શોર

4 mins
29K


મહેલ જેવા આલીશાન ફ્લેટના ડિઝાઈનર ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિનું ભોજન પીરસાઈ ચૂક્યું હતું. અતિ લાંબા અને વિશાળ ટેબલ ઉપર ગોઠવાયેલી બધીજ ખુરશીઓ ખાલી હતી. ટેબલના એકખૂણે બરાબર મધ્યમાં ગોઠવાયેલી મુખ્ય ખુરશી ઉપર અતિમોંઘા રાત્રી- પોશાકમાં સજ્જ શેઠના હાથમાંની ચમચી યોગ્ય સમયને અંતરે સૂપ ઉઠાવી રહી હતી. સૂના અને શાંત ફ્લેટમાં ફક્ત એક રસોઈ પીરસનાર નોકર સિવાય કોઈની પણ હાજરી ગેરહાજર હતી. નીરવતા અને શાંતિ વચ્ચે શેઠની સેવામાં ઉભા નોકરના ચ્હેરા ઉપર ઓચિંતું હાસ્ય ઉભરાઈ આવ્યું. શેઠના શાંત અને ટાઢા સ્વભાવ જેવોજ એમનો પ્રશ્ન પણ તદ્દન હળવા અને ધૈર્યયુક્ત સ્વરમાં બહાર નીકળ્યો :

" શું વાત છે નંદુ ?"

શેઠના પ્રશ્નના ઉત્તરમાં નંદુએ અચાનક સ્મૃતિમાં ઉપસી આવેલા હાસ્યપ્રસંગને શેઠની જોડે વહેંચ્યો.

" સાહેબ, સાચું કહું તો ભલાઈનો જમાનોજ નથી રહ્યો. ગઈ કાલની વાત છે. દિવાળીની તૈયારીઓ અમારી ચાલમાં જોરશોરથી થઇ રહી છે. મારી ખોલીના નીચેજ એક ડોસાની ખોલી છે. છેલ્લા ચાર વર્ષોથી એકલો એ ખોલીમાં પડ્યો છે. પત્ની અને બાળકો વર્ષો પહેલાજ છોડીને જતા રહ્યા હતા. હવે ઘરડા શરીરમાં કાર્ય કરવાનું જોર પણ રહ્યું નથી. બે સમયનું ભોજન આજુબાજુમાંથી જ ઉઘરાવી લે છે ને જીવનનું ગાડું ઘસડાતું રહે છે. એની ખોલીમાં એક ખુબજ જુના સમયનો પંખો હતો. ડોસાની જેમજ એ ટેબલ પંખો પણ વપરાઈ વપરાઈ ઘસાઈ ચુક્યો હતો. આખો દિવસ ચહેલપહેલ અને ઊંચા અવાજો વચ્ચે તો કોઈ વાંધો ન હતો. પણ રાત્રીના સમયે એ ખખડધજ પંખો ઊંઘવું હરામ કરી મુકતો. એક પડખે થી બીજે પડખે ફરતા એ પંખાના ખખડધજ શરીરનું એક એક પુરજુ એવું ધ્રુજતુ કે એના શોરથી આખી ચાલ ધ્રુજી ઉઠતી. રાત્રીએ ઊંઘવું જાણે બધા માટે એક પડકાર બની ચૂક્યું હતું. તહેવારને સમયે આ સમસ્યામાંથી હંમેશ માટે છુટકારો મેળવવા મને એક યુક્તિ સૂઝી. દિવસ દરમિયાન પોતાનું પેટ ભરવા બહાર નીકળેલા ડોસાની ગેરહાજરીનો લાભ ઉઠાવી હું એ પંખો ઊંચકી આવ્યો. એની જગ્યાએ એક નવો સરસ મજાનો ટેબલ પંખો ગોઠવી આવ્યો. એ જુના પંખાને તો ભંગાર વાળા પણ ન સ્વીકારશે એ સત્ય સ્વીકારી હું એને ઘણે દૂર ફેંકી આવ્યો. મને થયું કે હવે ડોસાની સાથે બધાનેજ રાત્રે શાંતિથી ઊંઘવા મળશે. પરંતુ ખોલીમાં પરત થયેલા ડોસાની નજર જેવી નવા પંખા ઉપર પડી કે એણે આખી ચાલ માથે ઉઠાવી લીધી. એના પંખાને હાથ લગાવનારની જાણ થશે તો એને મારીજ નાખશે એવી ખુલ્લેઆમ ધમકીઓ પણ આપી દીધી. રાત્રે પંખાનો શોર તો ન હતો પણ આખી રાત ડોસો શોર મચાવતો રહ્યો અને ચિખતો રહ્યો. વર્ષો સુધી એ જુના ખખડધજ પંખામાંથી આવતો અવાજ એના માટે લોરી સમો બની ગયો હતો. હવે એ અવાજ સાંભળ્યા વિના ડોસાને ઊંઘ નથી આવતી. પહેલા એનો પંખો અને હવે ડોસો જાતે કોઈને ઊંઘવા દેતો નથી. "

નંદુનું હાસ્ય રોકાઈ રહ્યું ન હતું. પણ શેઠના ચહેરાનાં ગંભીર મૌન હાવભાવો યથાવત હતા. કદાચ પોતાના વિનોદી અનુભવ પર હસવું શેઠની અમીરી ને ઉચિત ન લાગ્યું. એ વાતની અનુભૂતિથી છોભીલા પડેલા નંદુએ તરતજ વાતનો વિષય ચાલાકીથી બદલી નાખ્યો.

" સાહેબ ઘણા દિવસોથી એક વાત પુછવી હતી. પહેલાનું મકાન તો આ ફ્લેટની સરખામણીમાં ઘણું વિશાળ હતું. એ મકાનની આસપાસનો વિસ્તાર તો કેટલો વૈભવી હતો! આમ તો આ ફ્લેટ પણ ઘણું જ સુંદર છે. પણ અહીં આસપાસનો વિસ્તાર ...."

સૂપની ચમચી નીચે મૂકી પોતાના ગળામાં ખોસેલા રૂમાલ જોડે હોઠ સાફ કરતા શેઠ ડાઇનિંગ ટેબલ છોડી ગયા.

પોતે વધારે પડતી જ લપલપ તો ન કરી નાખી હતી? હાથમાં લાગેલી સરસ નોકરીથી હાથ ન ધોઈ બેસવું પડે એ ભય જોડે નંદુ આખરે ચુપચાપ પોતાના કાર્યોમાં પરોવાયો.

મોડી રાત્રે શયનખંડની ધનિક છત ઉપર અવિરત તકાયેલી શેઠની નજર આગળ એક દરિદ્ર છત દ્રશ્યમાન થઇ. ઝૂંપડપટ્ટીની પતરાની ખોલીમાં વરસાદથી ટપકતી છત નીચે એક નાનકડો છોકરો માની ગોદમાં માથું રાખી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ દરિદ્ર છત ઉપર એકીટશે તકાયેલી એ નિર્દોષ આંખો દરરોજની જેમ આજે પણ રાહ જોઈ રહી હતી. બાળકની પીસાની ઉપર ફરી રહેલ માં ના ખરબચડા અને આખો દિવસ થાકેલા હાથમાં પ્રાણ બચ્યા ન હોય એવા મૃત અનુભવાઈ રહ્યા હતા. જીવન અને પરિસ્થિતિ એ આપેલા એક પછી એક ઘા સ્ત્રીના ચ્હેરા ઉપર અત્યંત તાજા હતા.

અચાનક ઝુપડપટ્ટીના અત્યંત નજીકથી પસાર થતી ટ્રેન નો શોર ખોલીમાં ગુંજી ઉઠ્યો. બાળપણથીજ એ શોર સાંભળ્યા પછી ઊંઘવા ટેવાઈ ગયેલું માસુમ શરીર તરતજ નિંદ્રાધીન થઇ ગયું.

ધનિક છત ઉપર તકાયેલી શેઠની આંખોમાં ભૂતકાળનું દ્રશ્ય જેવું સમાપ્ત થયું કે ફ્લેટની નજીકથી પસાર થતી રેલવે ટ્રેક ઉપરથી સડસડાટ શોર મચાવતી એક ટ્રેન પસાર થઇ. એ શોરની જોડેજ શેઠની આંખો ગાઢ નીંદ્રામાં સરી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Drama