Dina Vachharajani

Drama Thriller

4.1  

Dina Vachharajani

Drama Thriller

શો મસ્ટ ગો ઓન

શો મસ્ટ ગો ઓન

4 mins
378


"પધારો સાહેબઝાદા. . . ક્યાં હતાં અત્યાર સુધી??" પ્રતાપભાઈ એ કરડે અવાજે પૂછ્યું. સામેથી જવાબ ન મળતાં એ ઓર બગડ્યાં ને ત્રાડ પાડતાં બોલ્યાં " "હરામખોર, કાલથી નાટક-ચેટક કરવા ગયો છે તો તારી ખેર નથી. ભણવામાં ધ્યાન આપો. આ ઈન્ટરનું વરસ છે. ડોક્ટર -એન્જીનીયરની લાઈન નહીં મળે તો પછી રહેશો ડફણાં ખાતાં "જેવું એમણે બોલવાનું બંધ કર્યુ કે, નીચું મોઢું કરી ઉભેલો નીલ રસોડામાં ઘૂસ્યો-કકડીને ભૂખ જો લાગી હતી. . . . ને આતો રોજની લડાઈ હતી.

નાનપણથી જ નીલને વારતા-નાટકો વાંચવા,નવરાત્રી -ગણપતિ દરમ્યાન થતાં કાર્યક્રમ માં નાટકો ભજવવા ખૂબ ગમતા. નીલે આ વરસે પણ આ નાટકોમાં ભાગ લીધો છે. . . ખબર પડે કે પ્રતાપભાઈનો કકળાટ શરૂ થાય પણ નીલ કંઈ એમને ગણકારતો નહીં. નીલનો નાનો ભાઈ ને મા રડમસ થઈ જતાં પણ નીલ તો ઝનૂન પૂર્વક મક્કમ રહેતો. કોલેજમાં તો એના શોખને છૂટો દોર મળ્યો. આખું વર્ષ યોજાતી સ્પર્ધાઓમાં એ કોલેજ વતી નાટકો કરતો. મળતાં અનેક ઈનામો એને ઓર નશો ચડાવતા.

વરસ ને અંતે ધાર્યુ પરિણામ જ આવ્યું. નીલ થર્ડ ક્લાસમાં પાસ થયો. મેડીકલ -એન્જિનિયરીંગ માં એડમીશન મળે એમ હતું જ નહીં. પ્રતાપરાયનો એ દિવસે નીલ પરનો ગુસ્સો ફાટફાટ થતો હતો. પોતે એક પેઢીમાં ગુમાસ્તા હતાં. પેઢી પરથી આવતાં જ એમણે મોરચો સંભાળી લીધો, સામે નીલ પણ સજ્જ હતો. પહેલીવાર એણે પણ સામું મોઢું ખોલ્યું ને બાપ-દિકરા વચ્ચેની દરાર જાણે ખાઈ બની ગઈ.

નીલે નિર્ણય કરી લીધો કે એ હોસ્ટેલમાં રહીને આર્ટ્સનો અભ્યાસ કરશે જેથી ભણવાનો ભાર ન રહેતાં નાટ્ય પ્રવૃત્તિમાં ધ્યાન અપાય. ને સવારે ટ્યૂશન કરી પોતાનો ખર્ચો કાઢશે જેથી પપ્પાનાં ઓશિયાળા ન રહેવું પડે. મા રડી-કકળી પણ પ્રતાપભાઈ તો જાણે પથ્થર!! નીલ ઘર છોડી નીકળી ગયો.

નીલ પ્રતાપભાઈ ની ગેરહાજરીમાં ઘરે આવી મા-ભાઈ ને મળી જતો. હવે તો એ પ્રોફેશનલ રંગભૂમિ પર નાનાં -મોટા રોલ કરતો ને પૈસા પણ કમાતો. આ ગુજરાતી નવી રંગભૂમિનાં સુવર્ણ કાળની શરૂઆત નો સમય હતો. રંગભૂમિ ના ઉત્કર્ષ સાથે નીલની પ્રતિષ્ઠા પણ વધતી ગઈ. હવે એના અભિનયનાં જોર પર નાટકો ચાલતાં અરે!! ઘણાં નાટક તો એને માટે જ લખાતાં!!

મા-નાના ભાઈ સાથે સંપર્ક કાયમ હતો. નીલે જ્યારે પોતાનો ફ્લેટ લીધો ત્યારે એની ખૂબ ઈચ્છા કે માતા-પિતા હવનમાં બેસે. આખરે તો એક લોહીને!! જોકે મનમાં ઊંડે-ઊંડે એવી પણ ઈચ્છા કે પ્રતાપભાઈ એની પ્રગતિ નજરે જુએ! એ પોતે આમંત્રણ આપવા ગયો પણ વધારે વાત ન કરતાં પ્રતાપભાઈ એ ઈન્કાર કરી દીધો. નીલને પહેલીવાર કંઈક ખૂટતું હોય એવી લાગણી થઈ. . . .

આજે રંગભૂમિ નો પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભ હતો. નીલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવાનો હતો. એણે ત્રણ પાસ ઘરે મોકલેલા પણ સમારંભના સમયે ફક્ત મા અને ભાઈને જોઈ -ખબર નહીં કેમ એને થોડી નિરાશા થઈ. સ્ટેજ પર એવોર્ડ સ્વીકારી જ્યારે એણે કંઈક બોલવા માઈક સંભાળ્યું ત્યાં એની નજર દૂર ખૂણામાં ઊભેલા પ્રતાપભાઈ પર પડી. એક મિનિટ તો એ માની ન શક્યો. . . બીજી જ મિનિટે નીચે ઉતરી એમનો હાથ પકડી સ્ટેજ પર લાવતાં એ બોલ્યો આજે હું જે છું એ બનવાનું ઝનૂન મારામાં જગાડનાર આ મારા પપ્પા છે. મારા વતી બે શબ્દો એ કહેશે. . પ્રતાપભાઈ હાથ જોડતાં ધ્રૂજતા અવાજે બોલ્યાં " આભાર ઈશ્વરનો !! મારા દિકરાએ મારું સ્વપ્ન પૂરું કર્યુ " નીલ સ્તબ્ધ -આશ્ચર્ય ચકિત નજરે એમને જોઈ જ રહ્યો. . . . એની આંખોમાં સવાલ જોઈ પ્રતાપભાઈ આગળ બોલ્યાં " હા. . . હું પણ એની જેમ એક અભિનેતા બનવા માંગતો હતો. . . ભણવાના સમયે આ જ ધૂન સવાર હતી. . . એટલે પૂરું ભણ્યો પણ નહીં. પણ નસીબ ક્યાં બધાને સાથ આપે છે? જ્યારે વાસ્તવિકતા સમજાઈ ત્યારે એટલું મોડું થઈ ગયું હતું કે એક ગુમાસ્તાની જિંદગી જીવવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો ! મારા દિકરાના હાલ આવા ન થાય માટે પહેલેથી જ હું એને ભણતર તરફ વાળવા આ નાટક-ચેટકથી દૂર રાખવા પ્રયત્ન કરતો. . . . મને ગર્વ છે મને ખોટો પાડતાં મારો દિકરો પોતાના ઝનૂનનાં જોરે આજે અહીં ઊભો છે. હું ન કરી શક્યો એ બધા નાટકનાં શોઝ આજે એ કરી રહ્યો છે. . . શો મસ્ટ ગો ઓન. . "બીજી ક્ષણે કદાચ જિંદગીમાં પહેલી વાર બાપ-દિકરો ભેટી રહ્યાં હતાં.

સમય વીત્યો. . . નીલને બે મહીના માટે નાટકની ટૂરમાં અમેરિકા જવાનું હતું. એનાં લીડ રોલવાળા બે ખૂબ વખણાયેલા -કોમેડી નાટક લઈને. એનાં નામ પર ટિકિટો વેંચી, જુદા-જુદા સ્થળોએ, સતત રોજનાં શોઝ આયોજકોએ ગોઠવેલા. આખી ટીમ ખુશ હતી. અમેરિકા પહોંચી અઠવાડીયું થયું હતું. હવેના ત્રણ દિવસ શિકાગોથી થોડે દૂર લેકસાઈડનાં એક સુંદર ટાઉનમાં શોઝ હતાં. સાંજે બધાં થિયેટર જવાની તૈયારીમાં હતાં ત્યાં રીસેપ્શનથી નીલ માટે મેસેજ આવ્યો કે ઈન્ડીયાથી એને માટે કોલ છે. "તમે બધા જાઓ, હું ફોન એટેન્ડ કરી ચાલતો પાસે જ આવેલા થિયેટર પહોચુ છું "કહી એ રીસેપ્શન તરફ ગયો. આ મોબાઈલ યુગ પહેલાંનો સમય હતો.

ફોન લેતાં જ સામેથી નાનો ભાઈ ઘણુ કહી રહ્યો હતો પણ " પપ્પા ને હાર્ટ એટેક આવ્યો ને એ હવે આ દુનિયામાં નથી રહ્યાં. . . છેલ્લે તને ખૂબ યાદ કર્યો. અમે તારી રાહ જોઈએ કે નહીં. . . . ?" આટલા શબ્દો જ એને યાદ રહ્યાં. . . . . માંડ-માંડ મળેલા પપ્પા પાછા દૂર થઈ ગયાં ? એ રડતાં મને ને આંખે હોટલ ગાર્ડનની એક બેંચ પર બેસી પડ્યો. એનું હૃદય આ જ ક્ષણે ઊડી પપ્પા પાસે પહોંચવા તલસતું હતું. શોઝ નું જે થાય તે. મારા વગર ન જ થાય ! પણ હું તો હમણાં જ નીકળીશ. . . ભાઈને કહી જ દઉં કે મારી રાહ જૂએ. . . . વિચારતાં -વિચારતાં એ ફોન કરવા ઊઠી જ રહ્યો હતો ત્યાં જાણે એને પપ્પાનો અવાજ સંભળાયો. . . . "શો મસ્ટ ગો ઓન. . "

એ રાતે નીલે પોતાની કારકિર્દીનો સૌથી અદ્ભુત અભિનય આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama