સહનશક્તિ
સહનશક્તિ


" કેટલી કસોટી હવે ભગવાને તારા ભાગ્યમાં લખી હશે?", શારદાબેને નિયતિની સામે જોઈ રડતાં-રડતાં કહ્યું. " નાનપણમાં મા-બાપ ગુમાવવા પડ્યાં. માંડ ભાઈનો હાથ જાલીને ઉભી થઈ ત્યા ભાઈ લગ્ન કરીને તારી ભાભીને લઈ જતો રહ્યો. આવી ડાહી બેનને એકલી-અટૂલી મૂકીને જતાં એ કપાતરનો જીવ કેમ હાલ્યો હશે? બધા પડોશીએ મળીને રંગે-ચંગે તને રાજીવ સાથે પરણાવી. એને કોઈક બીજી સાથે પરણવું હતું ને એનાં મા-બાપે તારી સાથે પરણાવ્યો. પરણ્યાની પહેલી રાતથી જ જાણે વૈધવ્ય આવ્યું! તને કાઢીને બીજી સાથે પરણ્યો અને હવે અહીં ભાડાનાં મકાનમાં રહેવા આવી અને માંડ કાંઈક જીવને શાંતિ વળી હતી ત્યાં આ કેન્સરનો રિપોર્ટ. એને બીજું કોઈ નહીં મળતું હોય તું જ કેમ?", શારદાબેન ચોધાર આંસુએ રડી પડ્યાં.
" જ્યારે જગતનાં શ્રેષ્ઠ મા-બાપ એણે મને આપ્યાં, ભાઈના ગયા પછી જ તો સ્વનિર્ભર બની. દુનિયામાં એવી કેટલી વ્યક્તિઓ હશે કે જેને એના પડોશીઓએ આટલો પ્રેમ આપ્યો હોય! રાજીવે મારી સાથે લગ્ન કર્યા બાદ પણ કોઈ સચ્ચાઈ મારાથી કયારેય છુપાવી નહીં. એને ત્યાંથી નીકળ્યાં બાદ જ હું જગતની કોઈ પણ કસોટીમાંથી પાર ઉતારવા સક્ષમ બની. આટલી વખત તો મેં ના પૂછ્યું કે હું જ કેમ ને હવે આ ટચુકડા રોગ સામે હિંમત હારીને એવું થોડું પુછાય કે હું જ કેમ. વળી એને મારી કસોટી કદાચ એટલે પણ કરી હોય કારણકે એને મારા પર શ્રદ્ધા હોય કે આ જ આ બધું જીરવી શકશે. કસોટી કરતાં પહેલાં આ અમાપ હિંમત અને સહનશક્તિ કોણે આપી?", આટલું બોલી નિયતિ વળી પાછી પૂજામાં મગ્ન થઈ ગઈ.