Amrut Patel 'svyambhu'

Romance Tragedy Classics

4  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy Classics

શમણાંની રાખ - ૨

શમણાંની રાખ - ૨

3 mins
203


'જો... બા, બાપુજીના અવસાન પછી આપણે બંને એકાકી બની એકબીજાનાં સહારે જીવતા શીખ્‍યા અને હજીય જીવી રહયા છીએ. આ રેણુંને આપણા સાથે પરભવની લેણાદેણી હશે તે આપણી સાથે આવી. હવે આપણે જ એના માટે યોગ્‍ય મુરતિયો પસંદ કરી તેની મરજી હશે ત્‍યાં તેને પરણાવી દઈશું…!'

'શ્રવણ દીકરા... મારે તેને બીજે પરણાવવી નથી. મારે તો તેને મારી વહુ બનાવવી છે.' જડીબાની આંખમાં ચમક હતી.

રેણુંનું હૈયું ભરાઈ આવ્‍યું. તેણે શ્રવણનો જવાબ સાંભળવા કાન સરવા કર્યા.

'બા... એ બની શકે એમ નથી.' શ્રવણ બોલ્‍યો.

' કેમ... શું ખોટ છે એનામાં દેખાવડી છે. માયળુ છે. કેવી પારેવા જેવી લાગે છે.અને કેટલી જલ્‍દી આપણામાં ભળી ગઈ. તને ગમતી નથી કે પછી તારું મન કયાંક બીજે...!

'ના.. ના... બા એવું કંઈ નથી. રેણું જેવી વહુ આપણને મળે એ તો આપણું સૌભાગ્‍ય કહેવાય. તારી ચાકરી પણ કેટલી મન દઈને કરે છે પણ…' 

'પણ શું…?'

'જો બા આપણે એને અબળા ગણી બચાવી, આશરો આપ્‍યો એટલે એનો અર્થ એવો નથી કે આપણે તેના ઉપર અધિકાર કરી શકીએ.'

' જો દીકરા, તારી મરજી હોય તો હું તેના કાને આ વાત નાખું. આપણે તેનું મન જોઈશું. જો તેની મરજી હશે તો આગળ વાત ચલાવીશું. આપણે તેની સાથે બળજબરી થોડી કરી શકવાના હતાં.'

'બા... સાચું કહું- રેણું મને ખૂબ ગમે છે.' શ્રવણ જડીબાનાં હાથ તેના ખોળામાં મૂકતાં બોલ્‍યો.

જડીબા તેના માથે હાથ ફેરવતાં રહયાં.

રેણું તેના ઓરડામાં આવી અવનવા સ્‍વપ્‍નોમાં ખોવાઈ ગઈ. મા-દીકરાની સાંભળેલી મઘુર વાતને તે વિચારતા વિચારતા ઊંઘી ગઈ. ઊંઘમાં શ્રવણની સાથે તેના લગ્ન થયા. શ્રવણની વહુ તરીકેનો શણગાર સજી તે ઘરમાં આવી. એ સ્‍વપ્‍નોની સ્‍મૃતિ સાથે તે સવારે જાગી. અરીસામાં જોઈ શરમાઈ ગઈ. શ્રવણ માટે ફરી તેણે તેની મનગમતી વાનગીનું ટિફિન તૈયાર કરી દીધું. આજે તે શ્રવણ સામે તેના પ્રેમનો એકરાર કરવો હતો. પણ તે તેમ કરી શકી નહોતી !

શ્રવણનાં ગયા પછી રેણુંએ જડીબા માટે દવા તૈયાર કરી. જડીબાને ડાબા પડખે માલિશ કરવા લાગી.

'રેણુ દીકરી... તું અહી સુખી તો છે ને... તને કોઈ વાતનું દુઃખ તો નથી…?' જડીબા બોલ્‍યા.

'આ શું બોલો છો બા. નાની હતી ત્‍યારથી મેં માનો છાયો ગુમાવ્‍યો. તમે મને માનો પ્રેમ આપ્‍યો. મને આશરો આપ્‍યો. તમારો ઉપકાર તો હું કયારેય ચૂકવી શકું તેમ નથી. ' રેણું ગળગળી થઈ ગઈ.

'ના દીકરી.... આ ઉપકાર નથી. તું મને ખૂબ ગમે છે. અને મારા શ્રવણને પણ ગમે છે. એટલે આજે મારે તને એક વાત કરવી છે.' જડીબા રેણુંના હાથને પકડી લેતાં બોલ્‍યા.

'બા તમે શું કહેવા માંગો છો તે મને ખબર છે. જડીબાને આશ્ચર્ય થયું.

'બા, મેં ગઈ રાત્રે તમારી વાત સાંભળી લીધી છે. મને પણ શ્રવણ ખૂબ ગમે છે. બસ તમારા આર્શિવાદ મળે તો…' બોલતાં રેણું એ શરમથી જડીબાનાં ખોળામાં માથું ઢાળી દીધું. જડીબા રેણુંના માથે પણ એજ હેતથી હાથ પંપાળતા રહયા. જે ગઈ રાત્રે શ્રવણના માથે પંપાળતા હતા !

સાંજે શ્રવણનો આવવાનો સમય થયો. રેણું તેને આ આનંદના સમાચાર આપવાની હતી. તે આજે રોજ કરતા વધુ સારી તૈયાર થઈ. દરરોજ કરતાં આજે તે વધુ સુંદર લાગતી હતી. તેને જોતાં જ જડીબાની આંખ ઠરી.

રેણુંની નજર વારંવાર ઘરની બહાર દોડી જતી.

રેણું રાહ જોઈને બેઠી છે. શ્રવણના આવવાનો સમય થયો પણ તે દેખાતો નહોતો. 

ત્‍યાં સમાચાર મળ્‍યા. શહેરમાં ફરીથી તોફાન ફાટી નીકળતાં... પોલીસ ગોળીબાર, ખાનગી ગોળીબાર, બોંબ ધડાકા તથા ધાતક શસ્‍ત્રોથી હુમલાની બનેલી ઘટનાઓમાં સંખ્‍યાબંધ વ્‍યકિતઓને ગંભીર ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે જુદી જુદી હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવી છે. સાંભળતા જડીબાનો શ્વાસ અદ્વર થયો. રેણુંએ તેમને આશ્‍વાસન આપ્‍યું. તે બેબાકળી શી બની શ્રવણનાં મિત્ર સાથે મિલ તરફ દોડી ગઈ..!

રસ્‍તામાં જયાં પેલા હરામખોરોનાં પંજામાંથી તેને શ્રવણે બચાવી હતી. બરાબર ત્‍યાં રસ્‍તાની બાજુમાં શ્રવણની સાયકલ પડી હતી. રેણુંની નજર જેવી શ્રવણ પર પડી... તે દોડીને ત્‍યાં પહોંચી ગઈ. લોહી લુહાણ હાલતમાં એ બેહોશીમાં ગણગણ્‍યો : 'રેણું... મારે તને એક વાત કરવી હતી પ...ણ... બહું મોડું થયું. મારી બાને સ...હા...રો...!

'નહીં... શ્રવણ તમે અમને આમ એકલા મૂકી...!' રેણું ચોધાર આંસુએ રડી પડી..!

         'શ્રવણ તમારા વિના અમારું કોણ... હું બાને શું જવાબ આપીશ અમે આખી જિંદગી કેવી રીતે વિતાવીશું…' બોલતાં રેણું અવાક્‍ બની. નિશ્ચેત શ્રવણને જોઈ રહી. શમણાંની રાખ ઊડતી રહી. રેણુંના આંસુ તેને ઠારવા અસમર્થ બન્‍યા..!


Rate this content
Log in

Similar gujarati story from Romance