STORYMIRROR

Amrut Patel 'svyambhu'

Tragedy Crime

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime

શમણાંની રાખ - ૧

શમણાંની રાખ - ૧

5 mins
208

અંધકારને ચીરતો શ્રવણ સાયકલની ગતિ વધારી રહ્યો છે. આજે તેને મોડું થઈ ગયું છે. એની આંખ સામે નાનકડી ઓરડી રમી રહી. ઓરડીમાં એક ખૂણે ખાટલા પર પોઢેલી કૃશ કાયા રમી રહી.

પિતાના અવસાન સમયે તે બાર વરસનો હતો. તે કેવી કપરી પરિસ્‍થિતિમાં ઉછર્યો હતો. તે એક એક પ્રસંગ ચલચિત્રની માફક તેના ચિત્તમાં પસાર થતા રહ્યાં. તેણે સાયકલની ગતિ વધારી. થોડે દૂરથી સ્‍ટ્રીટ લાઈટ શરૂ થતી હતી. તે ઝડપથી આગળ વધી રહ્યો હતો.

ત્‍યાં કોઈ સ્‍ત્રીનો અવાજ સંભળાયો. તે ઉતાવળમાં હતો એટલે તેણે તે તરફ ખાસ લક્ષ ન આપતાં સાયકલ મૂળ ગતિએ હંકારતો રહ્યો.

       ' અરે કોઈ બચાવો... બચાવો' અવાજ વઘ્‍યો. કોઈ અબળાનો અવાજ હતો. તેને ઉતાવળ હતી- ઘેર બીમાર મા તેની રાહ જોતી હતી. ઘરે જઈ માને દવા આપી રસોઈ બનાવી જમવા આપવાનું હતું. છતાં તેણે અવાજ સાંભળી સાયકલની ગતિ ધીમી કરી.

'છોડો... મને છોડી દો. કોઈ મારી મદદ કરો…' સ્‍ત્રી જોર જોરથી રડી રહી હતી. મદદ માટે પોકાર પાડી રહી હતી.

સાયકલ ઊભી રાખી તેણે અવાજની દિશા તરફ નજર કરી. પળવાર તે તરફ જોઈ રહ્યો. બે- ત્રણ પુરૂષો કંઈક ગણગણી રહ્યા હોય તેવું તેને લાગ્‍યું. દૂર અંધકારમાં બે-ત્રણ પડછાયા તેની નજરે ચડયા. તે અવાજની દિશા તરફ ગયો. સ્‍ત્રીનો અવાજ બંધ થયો. તે નજીક પહોંચ્‍યો ત્‍યાં જમીન ઉપર કંઈ હલચલ થતી જણાઈ. પેલા પુરુષો તેને કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં તેને ત્‍યાં અચાનક જોતાં બધા ચોકન્‍ના બની ગયા. તે પૈકી એક તેના તરફ ઘસી આવી ધમકી આપતાં બોલ્‍યોઃ ' કોણ છે તું અને કેમ આવ્‍યો. જો જીવ વહાલો હોય તો પાછો વળી જા નહીંતર જાનથી જશે.'

શ્રવણ તેની ધમકીને અવગણી હિંમતભેર બોલ્‍યોઃ 'પહેલાં એ કહો તમે કોણ છો. અને કોથળામાં શું છે.. ?'

' એ સાલા…' બોલતા પેલો શ્રવણ ઉપર તૂટી પડયો. શ્રવણ પહેલાથી સજાગ હતો. એટલે તેણે પેલાને પછાડી ભોંય ભેગો કર્યો. તેના સાથી શ્રવણને ઘેરી વળ્‍યા. શ્રવણે હિંમતથી બધાનો સામનો કરી ત્રણેયને ભોંય ભેગા કર્યા. શ્રવણનો સામનો ન થતા ત્રણેય અંધકારમાં દૂર ભાગી ગયા.

શ્રવણે કોથળો ખોલ્‍યો. અંદરથી એક યુવતીને બહાર કાઢી તેના હાથ તેમજ પગે બાંધેલા પાટા છોડી નાંખ્‍યા. યુવતી બેભાન પડી હતી. થોડીવારે તે ભાનમાં આવી. શ્રવણને જોઈ થોડી સંકોચાઈને બેઠી. તે કંઈ વિચારે તે પહેલાં તેનો ડર દૂર કરતાં શ્રવણ બોલ્‍યોઃ 'હવે તમારે ડરવાની જરૂર નથી. બઘા ભાગી ગયા છે. હું તમારી સાથે જ છું.' 

' તમે મને હરામખોરોનાં પંજામાંથી છોડાવી હું તમારો ઉપકાર કયારેય નહીં ભૂલી શકું'

'અરે આ બધી વાત જવા દો  ચાલો... તમારે કયાં જવું છે. હું તમને છોડી દઉં.' 

'ના... ના…' પેલી યુવતી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ભગવાનને ખાતર મને બચાવી લો. મારે એ નરકમાં પાછું નથી જવું…!

શ્રવણને નવાઈ લાગી. તે તેને શાંત કરતાં બોલ્‍યો, 'કોણ હતા એ હરામખોરો..!

' હું અહીં નવાગામમાં જ રહું છું. મારા મા-બાપ મને નાની મૂકીને ગુજરી ગયા. કાકા-કાકીને કોઈ સંતાન નહોતું. એટલે તેમણે જ મારો ઉછેર કર્યો. મારા નસીબમાં કાકીનો વહાલ પણ લાંબા સમય માટે લખાયો નહોતો. કાકી પણ હું માંડ અગિયાર-બાર વરસની થઈ ત્‍યાં ગુજરી ગયા. પછી કાકાનાં સહારે મોટી થઈ. પણ કાકા દારૂ-જુગારની લતે ચડી ગયા અને એ લતમાં મને પેલા હરામખોરોને વેંચી નાંખવા તૈયાર થયેલાં. આજે તે મને લેવા આવ્‍યા હતાં મને વેંચી દેતાં હું ભાગી છૂટી તો ખુદ મારા કાકાએ જ એ હરામખોરોને મારા પાછળ દોડાવેલા.' યુવતી રડી પડી.

શ્રવણ તેને આશ્વાસન આપતાં બોલ્‍યોઃ 'હવે તમે ચિંતા ન કરો તમને કોઈ આંગળીયે અડકાડી નહીં શકે. મારું નામ શ્રવણ છે. ઘરમાં એક બીમાર મા છે. મિલમાં નોકરી કરું છું. બાપ તો મારે પણ નથી. જે ગણો તે મા છે. ચાલો મારી સાથે..!'

બન્‍ને સાયકલને દોરતાં શ્રવણનાં ઘર તરફ આગળ વઘ્‍યા. રાતનો અંધકાર બન્‍ને વચ્‍ચે મૌનની પાળ બંધાયેલી રહી. થોડા આગળ વઘ્‍યા હશે-

'તમારું નામ પૂછવું તો ભૂલી જ ગયો.' શ્રવણે મૌન તોડયું.

'રેણું…'

સ્‍ટ્રીટ લાઈટનો પ્રકાશ રસ્‍તા પર પથરાઈ રહ્યો હતો. શ્રવણને બીમાર માની ચિંતા થઈ. આમ પણ તે મોડો હતો.

' રેણું.... તમને વાંધો ન હોય તો સાયકલ સવારી કરીશું. ઘરે બા રાહ જોતા હશે.'

'જેવી તમારી મરજી' બોલતાં રેણુનાં ચહેરા ઉપર લજજા તરી આવી ! 

બન્‍ને સાયકલ પર સવાર થયા. જડીબાની નજર ઘરના દરવાજા તરફ જ મંડાયેલી હતી. શ્રવણ સાથે કોઈ અજાણી યુવતીને જોઈ તેમને આશ્ચર્ય થયું- શ્રવણે જડીબા અને રેણુંને પાણીનો ગ્‍લાસ ધર્યો. તે પછી જડીબાને આખોયે પ્રસંગ સંભળાવ્‍યો.

'દીકરા... બહુ સારુ કર્યુ તું એને અહીં લઈ આવ્‍યો.' અને પછી રેણુંને પાસે બોલાવી બોલ્‍યા, 'દીકરી તું જરાય ચિંતા ન કરતી. આ તારું જ ઘર છે. તું તારે અહીં જ રહી જા. તું હવે બધી વાત ભૂલી જા કે, તારે કાકો છે.' 

'બા... 'બોલતા રેણુંના આંખમાંથી આંસુ સરી પડયા.

શ્રવણના પિતાના અવસાન થયે ઘરની જવાબદારી તેના શિરે આવી પડતાં તે આગળ ભણી શકયો નહોતો. જડીબાને દીકરાને ભણાવવાની ખૂબ ઈચ્‍છા હતી. પણ શ્રવણે હાયર સેકન્‍ડરી પાસ કરી તે આગળ અભ્‍યાસ માટે તૈયાર કરી રહ્યો હતો ત્‍યાં... જડીબાને એકાએક પેરેલિટિક એટેક જેવો એટેક આવ્‍યો. ડાબુ અંગ ખોટકાયું. ડાબા અંગમાં ચેતન ન આવ્‍યું અને પડખું ઘસડતાં પડયા રહેતા. જડીબા જયાં કામ કરતાં હતા તે શેઠની મહેરબાનીથી શ્રવણને મિલમાં નોકરી મળી ગઈ. ટૂંકા પગારમાં જડીબાની ટ્રિટમેન્‍ટ પ્રારંભાઈ...!

રેણુના આવવાથી જડીબાને ઘર ભર્યુ ભર્યુ લાગતું હતું. શરૂઆતના દિવસોમાં રેણુંને થોડું અજાણ્‍યું લાગતું. પણ જડીબા તરફથી મળતી હૂંફને કારણે રેણુંને માટે પારકાં પોતાના બન્‍યાં. હવે તે શ્રવણની પસંદ ના પસંદને સારી રીતે જાણી ગઈ. જડીબાની ચાકરી તે દિલથી કરવા લાગી...!

અને આમ, તેણે મા- દીકરાનાં દિલમાં એક અલગ સ્‍થાન કાયમ કરી લીધું. જડીબા માટે રેણું હવે પરાયી રહી નહોતી.

એક દિવસે શ્રવણ થોડો વહેલો ઘેર આવ્‍યો હતો એ દિવસે રેણુંએ જડીબાને પૂછીને શ્રવણની મનગમતી વાનગી બનાવી. રાત્રે શ્રવણે જમતાં જમતાં ખૂબ વખાણ કર્યા. રાત્રે જમીને શ્રવણ ઓસરીમાં આરામ કરતો પડયો હતો. રેણું રસોઈ પતાવીને પડોશમાં ગઈ હતી. શ્રવણને ઓસરીમાં વિચારતો જોઈ જડીબા ધસડતાં ધસડતાં તેની પાસે આવ્‍યા.

'અરે બા તમે, કંઈ કામ છે ? ' બોલતા શ્રવણ બેઠો થયો.

 'દીકરા શ્રવણ કેટલાંય દિવસથી મારે તને એક વાત કરવી છે.'

'બોલને બા શું વાત છે ?!'

'દીકરા આ રેણું વિશે તેં કઈ વિચાર કર્યો છે ?

' ના.. બા, કંઈ વિચાર્યુ નથી. પણ મને લાગે છે, હવે એનાં કાકા આવે એવું લાગતું નથી. પણ તું ચિંતા ન કરીશ  તે આપણી સાથે કેટલી હળીમળી ગઈ છે. જાણે આપણાં ઘરની જ કોઈ સભ્‍ય હોય…!'

' હા... દીકરા એ જ મારે તને કહેવું છે.'

મા-દીકરો રેણુંની વાત કરી રહ્યા હતાં. વાતાવરણમાં શાંતિ હતી. રેણું બહારથી તેના ઓરડા તરફ જઈ રહી હતી ત્‍યાં તેના કાને શબ્‍દો પડયા...!

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy