શિમળાની તરાઈ.
શિમળાની તરાઈ.
શિમળાની તરાઈ.
કલ્પેશ પટેલ.
શિયાળાની ઠંડી હજુ ચાલુ થઈ હતી. ઠાકોરવાસની હવેલીમાં દલપતનાં જીવને હખ નહતો. બાજુમાં એની આરામથી પડખું ફેરવી સુતેલી જુવાન જોધ વહુ ચકી, જેને ગયા મહિને દેવઉઠી અગિયારસે પરણાવી લાવ્યો હતો. જમુના મા પાસે એની એક ન ચાલી, અને તેનું ચોકઠું ચકી સાથે બેસાડી છૂટકો કર્યો.
દલપતને ક્યા ભવે આવી જુવાન અને ગુલાબી જોબન ધરાવતી ચકી મળે?
ગામના દોસ્તારો કહેતા અલ્યા દલિયા તું તો ફાવી ગ્યો.
પણ પૂરી પાંચ મણની શિમળાના રુ ની તરાઈએ સુતેલી ચકી હજુય છાના ડુસકા ભરી આંસુડા સારતી જાગતી હતી. તેની હારો હાર ઠાકોર વાસમાં બીજી નવી પરણેલી વહુઓનાં હાથની કાચની બંગડી અને પગના; છમકતા ઝાંઝરની રણકાર હવે શાંત થઈ ચુકી હતી.
શેરીમાં છુટા છવાયા કુતરા ભસતા હતા.
પણ અહીં હવેલીની વાત અલગ હતી. હવેલીની ઓસરીની વચ્ચે ધીમે ધીમે દિવેલનો દીવો બળી રહ્યો હતો. એ દીવાની હલતી જ્યોતનો પ્રકાશ ચકીના ચહેરા પર પડતા તેની પરછાંઈ ક્યારેક દીધી લાગતી, ક્યારેક બળવાખોર બની બંડ પોકારતી હોય તેવું દલપતને લાગતું હતું .
દલપત જાણતો હતો,આ છોકરી કોઈ સામાન્ય નથી. એની આંખોમાં ક્યાંક દુખ કરતાં પણ ઊંડો આગિયો ટમટમે છે…
જાણે એ હવેલીની છુપી વાત સૂંઘી ચુકી હતી. જે તેને હવેલીની હવા સાથે બંધાતા રોકે છે. તેને લાગ્યું કે માન ન માન, પણ તેની ચકી, કોઈ પોતાનાં રાગની ફિરાક મા છે, જે આમ પડી રહી શિયાળાની લાંબી રાતને કાપે છે.
દલપત ચકીને એક વર તરીકે જે પ્રેમ આપવો જોઈએ એ આપી શકતો ન હતો. તેનું મન તો આંકડે મધ જેવી મધા ચમારણની છોડી દુલી પર વારી ગયેલું હોઈ તેના માટે જ ધબકતું હતું.
ત્યારે એના બાપનુ દુલી હારે છાનું ઘુટુરઘુ ચાલતું; હતું. મધાને રોજનો મફત મહુડો, દલપતનો બાપ આપે, અને દુલી; દલપતને ઘરે કામ કરતી.
આમ મફત મહુડો પીએ તો મઘો, પણ નશો અહીં વાસીદું વારતી જોઈ દલપતના બાપ ને ચડે.
આખો દી જપ જપી રહેલી જમુના માની જાણ બહાર ઘરમાં બે જોડાના દિલ નોખી ધબકણ રેલાવી રહેલા હતા.
એક બાજુ દુલી અને દલપતનો બાપ, તો બીજી બાજુ ચકી અને દલપત.કહી ન શકાય તેવી વેદનાની આગમાં રોજ શેકાતા.
શિમળાના રૂની તરાઇમાં, ભર શિયાળાની ઠંડીમાં,પરસેવે ભીંજાતી ચકી પડી પડી વિચારતી, કે હું શું કરું?
ઉકેલ વિચારતા,મહિના પછી આજે ચકીના જીવની ગરમીમાં કંઈક પાપી શાંતિ છુપાયેલી હતી.
બીજી બાજુ દલપત જાણતો હતો કે એ જે કરી રહ્યો છે એ કામ થકી, તે ઠાકોરવાસની ઇજ્જતનું ખાતર પાડવાનો છે, પણ એના મન તેના તાબે નહતું .
એના હાથમાં રેશમી રૂમાલ અને સરકો ગાંઠ. બસ ક્યારે એનાં બાપના.. ગળે એ સરકાવી ખેંચે અને….દુલીને…???
એવામાં પાછી ચકી યાદ આવી,એ ભરબપોરે પણ હવેલીમા ચાંદની રેલાવતી ઘૂમતી , તેમ છતાંય દલપતના મનમાં અંધારું છવાયેલું રહેતું . દુલીને ઘરમાં બોલતી સાંભળતા, હૃદય ધબકાર ગુમાવી દેતું હતું.એને ચકીની દયા આવી.
દલપત ને ક્યાં ખબર હતી કે, અટાણે આખું ઠાકોરવાસ ઊંઘમાં હતું,ત્યારે ચકીએ કપરો નિર્ણય લઇ,એણે ધંતુરો પી લીધો હતો .એ હવે શાંતિથી સુઈ ગઈ હતી .જાણે આખી હવેલીનું દુખ એના શ્વાસ સાથે થંભી ગયું હોય.
દીવાના ઉજાસમા દલપતે રૂમાલ લઇ ઊભો થવા જતા એક નજર ચકી પર નાખી.એની આંખો ફાટી પડેલી ખુલ્લી હતી, પણ હવે તેમાં કોઈ પ્રશ્ન નહતો.
ચકીના ડીલ પર પણ કોઈ પરસેવો નહતો, છાતીએ કોઈ ધબકાર પણ નહતો.
ફક્ત શાંતિ.એવી શાંતિ કે જેણે રાતના એક પ્રહરમા આખી હવેલીને જાગતી કરી મૂકી હતી .
દલપતે રાડ પાડી માં ને બોલાવી. જમુના મા આવ્યા ત્યાં લગીમાં ચકીનું શરીર ટાઢું પડી ચૂકેલ હતું.પણ એનો નિર્ણય ગરમ હતો.
શિમળાનાં રૂની તરાઈ એ લાંબી સોડ તાણેલી ચકીએ, પોતાની મૌન વિદાયથી, હવેલીના બધાં પાપોને અરીસો દેખાડી દીધો.
હવે હવેલીની દિવાલો પણ ચૂપ હતી,
અને શિયાળાની વહેલી સવારની ઠંડી પણ એક કાતિલ પ્રશ્ન છોડતી હતી.
"જ્યાં પ્રેમને સ્થાન ન મળે, ત્યાં કોઈ કેવી રીતે વસે? "
ઉગતા સુરજની પહેલી કિરણ ચકીના ચહેરા પર પડી, ત્યારે હવેલીમાં દેકારો બોલી ઉઠ્યો.દલપત, જેની રાતો દુલી પાછળ ભટકતી હતી,હવે એ ચકીએ ફેલાવેલ અંધકારમાં કાયમ માટે ગરક થઈ ગયો.
વાંચન વિશેષ ~
શિમળાનું રૂ (અંગ્રેજીમાં Silk Cotton અથવા Kapok) એ શિમળા વૃક્ષ (Bombax ceiba) ના ફળમાંથી મળતું નરમ, હળવું અને રેશમી રૂ હોય છે.
લક્ષણો:-
ખૂબ જ મુલાયમ, ચમકીલું અને હળવુ હોય છે.પાણીમાં તરતું હોવાથી ક્યારેક જીવનરક્ષક જાકેટ અને તકિયા, ગાદલા, તકલિયા ભરવા માટે વપરાય છે.
કુદરતી રીતે હાઇપો-એલર્જિક (ધૂળ અને જીવાતથી સુરક્ષિત) છે.
પણ આ રુના તંતુ ખૂબ સ્લિપરી હોવાથી તેનું સૂતર કાતી શકાતું નથી નહીં, એટલે વસ્ત્ર બનાવવામાં નહીં પણ ગાદલા ભરવા માટે ઉપયોગી. મૉટે ભાગે મહારાવ, નવાબ અને વૈભવી જીવન જીવતા લોકોની પસંદ પહેલી છે.જે શિયાળા મા હુંફ અને ગરમીમા ઠંડક આપરે છે
તરાઈ: હાથ જાડું પોચું ગોદડું.
