શિક્ષિત
શિક્ષિત


આજે પણ હું એ વિશાળ બંગલો દૂર ઉભો એટલીજ હેરતથી તાકી રહ્યો છું જેટલી હેરતથી આજથી એક વર્ષ પહેલા આજ સ્થળે ઉભો તાકી રહ્યો હતો.
એ મારી નોકરીનો પહેલો દિવસ હતો.
ગુજરાતના એક ખુબજ નાનકડાં ગ્રામ્યવિસ્તારમાંથી હું આ મહાનગરીમાં જીવન સ્તરને સુધારવા અને પરિવારની આર્થિક જવાબદારીઓ ન્યાયયુક્ત રીતે નિભાવવા પહોંચી ગયો હતો. શહેરની એક જાણીતી બેન્કના વોચમેન તરીકે નોકરી મેળવી હું અત્યંત સંતુષ્ટ હતો. ગામની જમીન અને ખેતી મારા પરિવારે સંભાળી લીધી હતી. પત્ની, દીકરા અને વહુ મારી ખેતીની ઉપજ અને બજારના વહીવટને યોગ્ય ન્યાય આપી રહ્યા હતા. મારો દીકરો પણ શહેરમાં મારી જોડે વધુ કમાણી માટે આવવા તત્પર હતો. પણ વહુ પેટથી હોય, થોડા સમય માટે એની જોડેજ રહેવું યોગ્ય. મારી વાતનું એણે માન રાખ્યું. હું ખુશ હતો, અત્યંત ખુશ.
પણ ત્યાં જ સુધી જ્યાં સુધી બેન્કની સામે તરફના રસ્તા ઉપર ઉભા વિશાળ બંગલા પર મારી નજર પડી ન હતી. જીવનનું એ આલીશાન સ્વરૂપ દરરોજ ડ્યુટી ઉપર ઉભા રહી હું અચંભાથી નિહાળ્યા કરતો. આવડું મોટું ઘર, આવી મજાની ગાડીઓ. કેટલો વૈભવ અને કેવો આરામ ! આખો દિવસ ઉભા રહી સૂઝી જતા મારા પગ એ ઉચ્ચકક્ષાનું જીવન નિહાળી વધુ પીડા આપતા.
મારા ભૂરા યુનિફોર્મ, હાથની લાકડી અને માથાની ટોપી ફરજ ઉપર ઉભા જયારે એ બંગલાના માલિકને ગાડીમાં બેસી ઠાઠથી આવતા જતા નિહાળતા ત્યારે મારી અંદર ઘણું બધું ઝંખવાળું પડી જતું.
શેઠની પત્નીની જાજરમાન શોભા નિહાળી ગામમાં નાનકડા જમીનના ટુકડા ઉપર પરસેવો પાડતી, તડકે બળી શ્યામ થઇ ગયેલી, ઘરેણાં વિનાના ખાલીખમ હાથ-ગળાવાળી મારી ગરીબ પત્નીનો ચ્હેરો મારા અંતરને દયાથી કોતરી ખાતો.
અને શેઠનો દીકરો જયારે મોંઘા,આકર્ષક વસ્ત્રોમાં સજ્જ, કાળો ચસ્મો પહેરી બહાર નીકળતો ત્યારે એની ફિલ્મના કલાકાર જેવી અદાઓ જોતાજ મને મારા દીકરાનું સંઘર્ષમય જીવન અરીસા સમું દેખાઈ રહેતું. મારી ગરીબીના પડછાયામાં એણે જીવનમાં કેટલું બધું જતું કરવું પડ્યું હતું.પણ કદી કોઈ ફરિયાદ એણે ઉદ્ગારી ન હતી. હું એક પિતા તરીકે એને કયા આરામ અને સુખસગવડ આપી શક્યો ? એની પાસે પસંદગી હતીજ નહીં, હતા તો ફક્ત વિકલ્પો.
સૌથી વધુ નાનમ તો શેઠની વહુને નિહાળતા આવતી. જાણે કે સાક્ષાત અપ્સરા ! જયારે સાંભળ્યું કે વિમાનમાં કામ કરે છે ત્યારે મારું મોઢું નવાઈથી ખુલ્લુંજ રહી ગયું હતું. ક્યાં આ હવામાં ઊડતી પરી અને ક્યાં બિચારી અમારી વહુ. છ મહિનાનું ગર્ભ લઇ બિચારીને આખો દિવસ કેટલું દોડભાગ કરવાનું. ત્યાં હોવ ત્યારે કેટલી વાર સમજાવતો. દીકરી આરામ કર. અમે બધા છીએ કામ કરવા માટે. પણ એમ કઈ એ માને ? આખરે વહુ કોની ? મારા જેવીજ જિદ્દી. પડોશના ગામમાં મારા પાક્કા મિત્રની એકની એક દીકરી. પત્નીતો વર્ષો પહેલાજ ઈશ્વરને ધામ સિધારી હતી. જયારે મારા મિત્રએ આંખો મીંચી ત્યારે એ ગરીબ બાપડીને હું ઘરે લઇ આવ્યો. એકજ સાડીમાં એને મારા પરિવારે હોંશે હોંશે સ્વીકારી લીધી.
લક્ષ્મી સાક્ષાત આજીવન ઘરે રહેવા આવી હોય ત્યાં કોઈ માંગણી નહીં, અર્પણ થવું જોઈએ.
અમારું જે કઈ પણ હતું,હવે એનુજ તો હતું. તેથીજ કદાચ અમારો જીવન સંઘર્ષ પણ....
બન્ને પરિવારો વચ્ચે પરિસ્થિતિનો જે ધરતી-આભ જેવો તફાવત હતો એ અંગે વિચારતાંજ મને જાત ઉપર ધિક્કાર છૂટતો. એ તફાવત માટે કોઈ કારણભૂત હતું તો તે મારું અશિક્ષિત જીવન. વિદ્યાનો અભાવ. શિક્ષણની ગેરહાજરી. બેન્કમાં આવતા જતા લોકોને સલામી આપતા મન દરરોજ તિરસ્કૃત થતું. જો શેઠ અને એમના પરિવારની જેમ હું અને મારું પરિવાર પણ શિક્ષિત હોત તો..
તો...
તો આજે.....
આજે પુલિસની ગાડીનું સાયરન હવામાં કાનને ભેદતું ગુંજી રહ્યું છે. લોકોનું ટોળું બંગલાને ઘેરી વળ્યું છે. શેઠ, એમની પત્ની અને દીકરાને પુલીસની જીપમાં બેસાડવામાં આવ્યા છે. શેઠની વહુની લાશ બંગલાની સામે પડી છે. બંગલાની ઊંચી છત ઉપરથી જંપલાવવાથી લોહીનું ખાબોચિયું ભરાઈ આવ્યું છે. કેટલાક અવાજો ક્રોધાવેશમાં સળવળી રહ્યા છે...
" ખૂની છે આ લોકો, હત્યારા છે. અમારી દીકરી....પૈસાના લાલચી....જે માંગ્યું બધુજ તો આપ્યું....આટલો માનસિક ત્રાસ....માનવી નથી હેવાન છે બધા.... મા બનવાની હતી એ....."
લોહીથી ટપકી રહેલું એ દરેક આંસુ મારા ભૂરા યુનિફોર્મ, હાથની લાકડી અને માથા ઉપરની ટોપીને ચેતવતું આશ્વાસન આપી રહ્યું છે.....
'ભાઈ,જો શિક્ષિત હોવું આને કહેવાય તો....'