શેટી માતા.
શેટી માતા.
શેટી માતા
કંડલા દરિયા કાંઠે આવેલી ઇફકો ફેક્ટરીના સંકુલમાં એક નાની કેન્ટીન હતી. સ્ટીલના વાસણોનો ખણખણાટ, ચાની સુગંધ, અને બપોરે લંચમાં થાળીમાં પૂરેલા રોટલી–દાળ–ભાત– દહીં–કચુંબર–પાપડ… અહીં દરેક શ્રમિકનો આરામ છુપાયેલો હતો.
આ કેન્ટીન હવે સુધાકર શેટી ચલાવતા હતાં. વર્ષો પહેલા આ જ કેન્ટીનની માલિક તેની બહેન વિરથા શેટી હતી. તેનું હાસ્ય, અવાજ અને હાથની ચાની મીઠાશ આજે પણ અનેક કામદારોના દિલમાં જીવંત હતી. પણ એક અકસ્માતે કુદરતે વિરથાને છીનવી લીધી. ત્યારેથી આ કેન્ટીન સુધાકરની જીવનસાથી બની ગઈ.
સમય વીતી ગયો. વાળમાં સફેદી આવી, પગમાં કંપારી આવી, છતાં આંખોમાં સેવા અને મમતાની ચમક હજી બાકી રહી. કાઉન્ટર પર ઉભા રહીને તેને વારંવાર બહેનનું અસ્તિત્વ અનુભાતું. આજ કેન્ટીનની કમાણીથી વિરથાએ બાકી બે નાની બહેનોને ભણાવી, પરણાવી અને સુધાકર માટે ગાદી તૈયાર કરી હતી. એટલા માટે જ સુધાકર પણ પૂરી વફાદારીથી કેન્ટીન ચલાવતો.
દેશ ના ખૂણે આવેલી ઇફકો ફેક્ટરી.
“રણ અને દરિયાની વચ્ચે આવેલી ઇફકો ફેક્ટરીના કામદારો માટે આ કેન્ટીન ઘર જેવું ખાવા આપતું સ્થળ હતું. અને વતન થી દૂર ઘર જેવું ખાવાનું મળતા,લોકો એને પ્રેમથી “શેટી માતા”કહેતા અચકાતા નહિ .
એક દિવસ ફેક્ટરીમાં નવી છોકરી આવી—આશા. હાથમાં ઈક્કોના એપોઇન્ટમેન્ટ લેટરની ખુશી હતી, પણ આંખોમાં અજાણ્યો ભય. બપોરે કેન્ટીનમાં આવી, ચા અને સમોસાનો ઓર્ડર આપ્યો. સુધાકરે નજર ઊંચી કરી… અને પળભરમાં અટકી ગયો. એને લાગ્યું કે સામે તો તેની મોટી બહેન વિરથા જ ઊભી છે.એ જ શકલ, અણિયાળું નાક, એ જ હળવું સ્મિત, એ જ “આભાર ભાઈ” કહેવાની રીત.
ત્યારેથી સુધાકર રોજ એની રાહ જોતો રહેતો . “બેટા, આજે વઘારેલી ઈડલી ખાઈશ?” “આ શાક તને ગમતું થોડું વધારે મીઠું બન્વ્યું છે, તને હવે ગમશે ને?” આશા માટે હવે એ ફક્ત કેન્ટીનવાળો નહોતો, પણ વતનથી દૂર તેની કાળજી લેતો સ્વજન હતો.
એક દિવસ આશાએ હિંમત કરી પૂછ્યું, “ભાઈ, તમે મને આમ રોજ જોતાં કેમ રહો છો?”
સુધાકરે ભીની આંખ લૂછતાં ધીમેથી કહ્યું “બેટા, તું મને મારી બહેન વિરથાની યાદ અપાવે છે. વર્ષો પહેલા એ, આ જ કાઉન્ટર પરથી ચા–નાસ્તો કર્મચાળીઓને પીરસતી હતી. તારામાં એની જ ઝાંખી છે, તારી આંખોમાં એના જેવી જ મમતા છે. તને જોઈને મને લાગે છે કે એ હજી આજે પણ અહીં જ છે—આ ચાની સુગંધમાં, આ કેન્ટીનના ખૂણાઓમાં.” તારી હાજરી થી તેની હાજરી મને વર્તાય છે.
આશા નિશબ્દ થઈ ગઈ. તે દિવસે પહેલી વાર એને સમજાયું કે આ કેન્ટીન માત્ર ભોજન નહીં, પણ યાદો અને જીવંત પ્રેમની તિજોરી છે.
થોડા દિવસ પછી પગાર મળ્યો. આશા ધીમે ધીમે કેન્ટીનમાં આવી. હાથમાં નાની થેલી હતી. “ભાઈ, આજે તારા માટે કંઈ લાવી છું.”
થેલીમાં ગરમ કચ્છની ઉનની શાલ હતી. “ભાઈ, ઠંડીમાં તું રાત–દિવસ બહાર બેસે છે. હવે તું મને બહેન ગણી, આ શાલ ઓઢીને બેસજે. મારું કંઇક માનજે.”
સુધાકરની આંખો ફરી ભીંજાઈ ગઈ. તે પળે એને લાગ્યું કે વિરથા તેની જ સામે ઊભી છે—હંમેશા ની માફક તેની કાળજી લેતી.
“બેટા…” એણે કંપતા હાથથી આશાના માથા પર હાથ ફેરવ્યો, “ભગવાને મારી બહેન છીનવી લીધી, પણ હવે તને મારી સામે મોકલી છે. આજથી તું ફક્ત આ કેન્ટીનની ગ્રાહક નથી, મારી દીકરી છે.”
આશાના ગળામાં પણ ડૂમો ભરાઈ આવ્યો . “અને તું મારા માટે ફક્ત સુધાકર શેટી નથી… સાચેજ, મારી શેટી મા છે.”
તે દિવસથી કેન્ટીન બદલાઈ ગઈ. દરેક કપ ચા સાથે હવે ફક્ત દાળ–ભાતની સુગંધ નહતી, પણ એક બહેનના વારસાથી ઊભેલો અવિનાશી પ્રેમ નો બંધ ખુલતા ઊર્મિ નો ઉમળકો ઊભો કરી ગયો.
“ઇફકોની કેન્ટીન હવે ફક્ત ભોજનની જગ્યા નહોતી, પરંતુ વતનથી દૂર રહેતા લોકો માટે પરિવારનું એક જીવંત ઉષ્ણ આશ્રય બની ગઈ.
------------
How is it, pl react with your comments 🙏🏻
