શબ્દોનું સાયુજ્ય
શબ્દોનું સાયુજ્ય
ધરાના હૃદયમાં ચીરાની સાથે ઊંડે ઊંડે વેદના, તરસ અને એક લાવા જેવો જ્વાળ ઊઠે છે. ધરાની મૂંગી ચીસ વ્યોમ જાણે સાંભળી જાય છે. વ્યોમ પણ હૃદયથી હૃદયનો સંદેશો સાંભળીને
આકુળ-વ્યાકુળ થઈ ઊઠે છે કે ક્યારે હું મારો પ્રેમ ધરાને...
ધરાનું હૈયુ હાથ રહેતું નથી. ધરા કોને શું કહે ? મૂંગી ધરાને કોણ સમજી શકે ? એના વ્યોમ સિવાય કોઈ નહીં. ચાતક નામનું પંખી આઠ-આઠ માસ વરસાદની રાહ જુએ છે, અને વરસાદનું પાણી સીધું ચાંચમાં ઝીલી લે છે. એ પંખી બીજે ક્યાંયથી પાણી ન પીએ, એવી જ રીતે ધરા પણ માત્ર ને માત્ર વ્યોમને જ ઝંખે છે.
વ્યોમનો પ્રેમ પોતાના ખોળામાં વ્હાલ બની ક્યારે વરસે, એની રાહ જોતી ધરા બળબળતાં તાપમાં ખુલ્લી બળે છે. ધરા નિષ્પ્રાય થઈને સૂતી હતી, અચાનક જ આંખ પર વાંછટ પડવાથી ધીમે-ધીમે
આંખ ખોલે છે. ઝરમર-ઝરમર ફોરાં હળવે હાથે વ્યોમ વરસાદ બની વરસાવતો રહ્યો. ધરાને વ્યોમનું અમૃત સમું ચુંબન મળતાં જ આળસ મરડીને બેઠી થઈ.
ધરા વરસાદને પોતાનામાં સમાવતી રહી. ધરાના હૃદયના ચીરા ભરાવા લાગ્યા. ધરાની વેદના અને આતુરતાથી અંત આવ્યો.
પોતાનો પ્રેમ પોતાને મળવા આવ્યો, એ વિચારે હરખાઈ ગઈ.
વરસાદના સ્નાનથી સરસ તરોતાજા થઈ ખીલી ઊઠી. લીલી સાડી પહેરીને બધાને બતાવતી રહી કે જુઓ, વરસાદ- મારા વ્યોમનું વ્હાલ.
કાશ, ધરા બોલી શકતી હોત..... આજે નહીં વર્ષોથી ધરા જગતને કહે છે કે મારા ખોળામાં રમતાં આ અમૃત સરીખા વ્હાલનું જતન કરો, એને સાચવો, મારામાં ઊંડે ઊંડે સાચવો. ડંકી કુવા રિચાર્જ કરો. બંધ બાંધી એ વ્હાલનો સંગ્રહ કરો. પશું પંખી માટે જળાશયોના તળ સાચા કરો.
ધરા વારંવાર યાદ કરે છે કે જે વર્ષે વરસાદ સમયસર ન થાય, મોડો થાય, કે થાય જ નહીં તો..તો પોતાના બાલુડાં તરસે મરે ! ધરા આપણી 'માતા' છે. આપણા સૌ માટે, જગતના કલ્યાણ માટે, વ્યોમની વાદળીને હૈયે લગાવે છે.
વ્યોમ વાદળરુપી હાથ ધરાના માથા પર વ્હાલથી ફેરવે છે.
મેઘનો ગડગડાટ અને વીજળીના ચમકારા અનરાધાર વરસાદથી ધરા અને વ્યોમના મિલનને જોઈ રહે છે. અંધારથી ગોરંભાયેલું વ્યોમ દિવસને પણ રાત બનાવી દે છે. આ મિલનના સાક્ષી બનવા જો આપણે બહાર નીકળીએ તો આપણને વાવાઝોડાં જેવી થપાટ પણ પ્રસાદીરુપે આપી દે છે.
આવ રે વરસાદ
ઘેબરીયો પરસાદ...
વ્યોમ અને ધરાના મિલનથી સૌથી વધારે ખુશ ખેડુતો થાય છે. ધરાનું હૃદય વરસાદથી પોચું પડે કે તરત ખેડુતો વાવણી કરી દે છે. ધરા આપણા સૌ માટે હળના ઘા સહન કરી, અનાજ પકાવે છે. પશું-પંખી માટે ચારો તૈયાર કરે છે. બસ, જરુર છે વરસાદનો સંગ્રહ કરવાની...
સૌથી વધારે ખુશ ધરા જ થશે કે "આપણે વ્યોમનાં વ્હાલની જાળવણી કરી શક્યા." ધરા વ્યોમનું ચાર માસનું મિલન અદભૂત બની જાય છે. ધરા જ એટલી સહનશીલ છે કે "બોલ્યા વગર
આઠ માસનો વિયોગ વેંઢારવા પણ તત્પર છે."
આ વિયોગ આપણે 'લગાન'મુવીમાં અનુભવી શક્યા હતા.
ધરા આપણી માતા છે. પ્રકૃતિની જાળવણી કરવી આપણી ફરજ છે. વરસાદનું પાણી સંગ્રહિત થાય તો જંગલો અને પ્રકૃતિ ખીલી ઊઠે. વનની વનરાઈઓમાં રહેતાં પ્રાણીઓ ત્યાં જ જળાશયોમાં પાણી પી શકે. પ્રાણીઓ આપણાં શહેરમાં ન આવે. - આવો એક ગેબી અવાજ હવામાં ગુંજી ઉઠ્યો.
આવે ત્યારે જ વરસાદ
ધરાને આવે જયારે યાદ
વ્યોમથી મિલનની ક્ષણ
વિયોગને પણ પ્રતિસાદ.
મને પણ લાગે છે કે વરસાદનું પાણી, જંગલો, પશુ- પંખીઓ વગેરેની જાળવણી અને બચાવ કામગીરી હાથ નહીં ધરાય તો ધરા અને વ્યોમનો વિયોગ લંબાતો જશે. આપણે એ પાપના ભાગીદાર બનવા તૈયાર રહેવું પડશે.

