Leena Vachhrajani

Abstract

4  

Leena Vachhrajani

Abstract

શાંતિ પ્રસ્તાવ

શાંતિ પ્રસ્તાવ

4 mins
398


ભારેખમ હોલબૂટના અવાજ, લશ્કરી ઓફિસરનો પડઘા પડે એવો ઘૂંટાયેલો ઓર્ડર આપતો અવાજ વાતાવરણમાં એક ભય પેદા કરી રહ્યો હતો. મહાસાગરની પેલે પાર જંગી સેનાનો ભરાવો કરવામાં આવી રહ્યો હતો. પડછંદ વ્યક્તિત્વ ધરાવતા મહાન એલેકઝાન્ડર ધી ગ્રેટ સેનાને સતત જોમ ચડાવી રહ્યા હતાં. સૈનિકો, સામે કિનારે બાહુબલીની તોતિંગ સેના આપણી રાહ જોઈ રહી છે. ત્રીજા વિશ્વયુધ્ધની રણભેરી વાગી ચૂકી છે. આપણી સાથે વિશ્વની થોડી મહાસત્તાઓ છે પણ સાંભળ્યું છે કે બાહુબલીને કોઈ જ મદદની જરુર નથી. એ એકલો જ એના સૈન્ય સાથે કાફી છે. એણે એના લડવૈયાઓને ગજબ તાલીમ આપી છે.

“સર, ફિકર નથી. ગમે તેવો મોટો યોધ્ધા હોય તોય સર એલેકઝાન્ડર ધી ગ્રેટની સેના અને જોમ આગળ હથિયાર હેઠાં મૂકી દેશે.”

અને મહાસાગરની આ તરફ બાહુબલી કટપ્પા સહિત દરેકને યુધ્ધનીતિ સમજાવી રહ્યા હતાં. “જુઓ વીરો, એલેકઝાન્ડર એક મહાશૂરવીર લડવૈયા અને રણનીતિમાં માહેર છે. વિશ્વવિજેતા બનવાની તાકાત ધરાવે છે એટલે આપણે સતત સતર્ક રહેવું પડશે.”

સેનાએ બુલંદ અવાજે પોકાર કર્યો,“જય માહિષ્મતી.”

બસ, બે મહાસત્તા વચ્ચે ચોવિસ કલાકની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જો કોઈ પક્ષ શરણે જવાનો વિચાર કરે અથવા સંધિ મંત્રણાનો વિચાર કરે તો આ ચોવિસ કલાકમાં એ ગતિવિધીને અમલમાં મુકવી એવો નિયમ નક્કી કરવામાં આવ્યો હતો.

મહાસાગરનાં મોજાં બંને પક્ષે સમાન દૂધ જેવું ફીણ પ્રસરાવતાં હતાંં. એકસરખો ધૂધવાટ બંને કિનારે સંભળાઈ રહ્યો હતો. એલેકઝાન્ડરની સેના આરામ કરી રહી હતી. સેનાના રસોઈ કર્મચારી સૈનિકો માટે જમવાનું બનાવવામાં વ્યસ્ત હતાં. એલેકઝાન્ડર પોતાના પડાવમાં મંત્રીઓ સાથે યુધ્ધનીતિ ઘડી રહ્યા હતાં.ત્યાં એમના તંબૂની બહાર સહેજ ખખડાટ સંભળાયો. “કોણ?”

એક મંત્રી ઊભાં થયા. તંબૂનો દરવાજો બંધ કરતો પડદો ખસેડીને બહાર ગયા.અને થોડી જ પળમાં એક લઘરવઘર ઈજાગ્રસ્ત એક સૈનિક જેવા માનવને અંદર લાવવામાં આવ્યો.“તું કોણ?”

ચતુર સુજાણ એલેકઝાન્ડર એના પહેરવેશ, એના હાવભાવ પરથી એના વિશે અંદાજ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.“આ વેશ તો બહુ જૂના જમાનાનો હોય એમ લાગે છે.”

એટલી વારમાં પેલા ઘાયલે બે હાથ જોડીને કહ્યું,“ધ ગ્રેટ એલેકઝાન્ડર સર.”

“ઓકે ઓકે. તને અંદર કોણે આવવા દીધો?”

પછી મંત્રી તરફ ફરીને કડકાઈભર્યા અવાજે કહ્યું,“આમ કોઈ પણ આપણા શિબિરમાં દાખલ થઈ જાય એ માન્ય ન રખાય.”

“સર ! માફી ચાહું છું પણ કોઈ પહેરેદારે આને એમની તરફના દરવાજામાંથી દાખલ થતો નથી જોયો. ચોતરફ પહેરદારોને દોડાવીને તપાસ કરાવી પણ ક્યાંય કોઈ ખૂણો નજરચૂકમાં રહી નથી ગયો.”

“સર મને સાંભળી લો પહેલાં. મારાથી ઊભું નથી રહેવાતું.”

એલેકઝાન્ડરને દયા આવી.“કોઈ આના ઘા સાફ કરીને દવા લગાવો. એને ખાવાનું આપો અને સંત્રી સાથે આરામ કરવાની જગ્યા આપો.”

“ના સર, મારી પાસે સમય બહુ ઓછો છે. મારે બીજે જવાનું છે.”

આ માણસની અગમ્ય વર્તણૂક આખી સભાની આતુરતા વધારી રહી હતી. 

“સર હું શાંતિનો સંદેશ લઈને આવ્યો છું. હું કોઈ દેશ કે મહાસત્તાનો પ્રતિનિધિ કે જાસૂસ નથી. હું હિંસાનો વિરોધી છું. આ યુધ્ધ કોઈને શાંતિ આપી શકશે નહીં. માત્ર મહાવિનાશ જ એની ઉપલબ્ધિ છે. હું હાથ જોડીને આપ સરને વિનંતી કરું છું કે યુધ્ધનો અત્યંત વિનાશકારી વિકલ્પ પડતો મુકીને સંધિ કરીને બધા દેશ વિચારણા કરે.”

એલેકઝાન્ડર પહેલી વાર ગહન વિચારમાં પડ્યા. સહાયક મંત્રી પેલા માણસને પડાવની બહાર લઈ ગયા.પહેરેદારને બૂમ પાડીને આમતેમ જોતા હતાં. સંત્રી આવ્યો અને હજી તો પેલા માણસ તરફ નજર કરે ત્યાં કોઈ નહોતું. 

“એટલી વારમાં ભાગી ગયો? પકડો એને પકડો !”

પણ અથાગ ભાગદોડ બાદ પણ એ ઘાયલ માનવનો કોઈ અતોપતો ન લાગતાં બધા સ્વસ્થાને પરત થયા.

રાત આખી એલેકઝાન્ડરને પેલા માણસનો લોહી નીકળતો ચહેરો અને એના આજીજીભરી આંખો નજર સમક્ષ તાદ્રશ્ય થતી રહી. 

બીજી સવારે સરના પડાવમાંથી એક દૂત બાહુબલીની છાવણી તરફ સંદેશ લઈને રવાના થયો. 

દૂતને લઈને સંત્રી બાહુબલીના પડાવમાં દાખલ થયો. દૂતે બે હાથ જોડીને કહ્યું,“જય માહિષ્મતી.”

શૂરવીર સમ્રાટ બાહુબલીને “અમારા સર એલેકઝાન્ડરનો એક અગત્યનો સંદેશ પહોંચાડવા હું અહીં ઉપસ્થિત થયો છું.”

પછી આગલી રાતે એલેકઝાન્ડરના પડાવમાં બનેલો બનાવ શબ્દે શબ્દ વર્ણવ્યો.

એના વક્તવ્ય પછી કટપ્પાએ બાહુબલી તરફ અર્થસભર નજરે જોયું. બાહુબલીએ પણ એ નજર સમજી. 

બંને મહાસત્તાઓના મહાસત્તાધિશોની મુલાકાત ગોઠવવામાં આવી.

એલેકઝાન્ડર એના મંત્રીગણ સાથે અને સમ્રાટ બાહુબલી કટપ્પા સહિત વિદ્વાન સલાહકારો સાથે સામસામે ગોઠવાયા.

“સરનું માનવું છે કે એક પાયા વગરના સૂચન પર અમલ કરતાં પહેલાં બંને સત્તાઓએ રુબરુ મળીને નિર્ણય પર આવવું જોઈએ.”

બંને પક્ષે નવાઈની વાત એ હતી કે જે ઘાયલ લાચાર સરને મળ્યો હતો એ જ રાતે એ બાહુબલીને પણ એ જ વિનંતી લઈને મળ્યો હતો. ઘણા પ્રશ્નો હતાં. એ કોણ હતો ? એ ક્યાંથી આવ્યો હતો ? બંને જગ્યાએ એ વગર સાધને કેવી રીતે પહોંચી શક્યો હતો ? પણ કોઈ પાસે એનો ઉત્તર નહોતો. બહુ વિચારણાને અંતે એ માણસ વિશે પોકળ કલ્પનાઓ કરવી નકામી છે એમ માનીને બંને પક્ષે એ વિષય પર પડદો પાડ્યો. 

કટપ્પાએ આ મંત્રણાના મુદ્દા રજૂ કર્યા. ત્રણ કલાક ચાલેલી મસલત બાદ યુધ્ધવિરામ જાહેર થયો. સફેદ ધ્વજ બંને પક્ષે લહેરાવવામાં આવ્યો. સર એલેકઝાન્ડર અને સમ્રાટ બાહુબલી ત્રીજા વિશ્વયુધ્ધના પડઘમ હાલ પૂરતા સમેટીને પોતપોતાની છાવણી તરફ જવા તૈયાર ઊભાં હતાં ત્યાં..

અચાનક એ લઘરવઘર બંને સમ્રાટ સમક્ષ ખડો થઈ ગયો. આખા સમુદાયમાં દેકારો મચી ગયો. “અરે ! આટલી સઘન સલામતીની વ્યવસ્થા હોવા છતાં આ ક્યાંથી અહીં સુધી પહોંચી ગયો ?”

“બંને મહાસત્તાધિશોને મારા પ્રણામ. બીજા વિશ્વયુધ્ધ વખતનો હું એક કમનસીબ સિપાહી છું. માણસમા જરા જેટલા અહંકારને લીધે યુધ્ધો થાય અને એમાં મારા જેવા કરોડો નિર્દોષોનો ભોગ લેવાય. હું બહાદૂર અને પ્રમાણિક સૈનિક હતો. દેશ માટે લડતાં લડતાં..”

કટપ્પાએ અરધેથી વાત કાપતાં કહ્યું,“તું હજી ઘાયલ કેમ છો ? અને બીજા વિશ્વયુધ્ધને તો યુગ વીતી ગયો. તું અમને બધાને મૂરખ સમજે છે ? એ વખતના કોઈ માનવ અત્યારે જીવીત હોય જ નહીં ને તું પરીકથા જેવી વાતો કરે છે ? તારી શાંતિના સંદેશવાળી વાત યોગ્ય છે એટલે તને જીવનદાન મળે છે.”

થાકેલા હારેલા ઘાયલ એ માનવે કહ્યું,“માનનીય મંત્રીમહોદય, હું બીજા વિશ્વયુધ્ધમાં લડ્યો હતો. પરિવારને રડતો કકળતો મુકીને હું દેશ માટે શહીદ થઈ ગયો. જીવનદાન તો જે જિવીત હોય એને અપાય. પણ આજે શાંતિમંત્રણા સફળ થઈ એનો હિસ્સો હું બની શક્યો એનો સંતોષ મને સહેજ શાંતિ બક્ષશે.”

અને એની અગમ વાત બધા સમજે એ પહેલાં તો એ માનવ હવામાં અલોપ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract