શ...શ..શ... સાંભળે છે?
શ...શ..શ... સાંભળે છે?


બપોરનો સમય હતો. આસમાનમાં સૂર્ય તપી રહ્યો હતો. મને ક્યાંક પહોંચવાની ઉતાવળ હતી. મારી કાંડા ઘડિયાળમાં હું વારેઘડીએ જોઈ રહ્યો હતો. વહેલામાં વહેલી તકે ત્યાં પહોંચવાના ઈરાદે મેં ટૂંકે રસ્તેથી જવાનું વિચાર્યું. ટૂંકો રસ્તો કબ્રસ્તાનમાંથી પસાર થતો હતો પરંતુ બપોરના સમયે શેનો ડર? હું બેફીકરાઇથી સીટી વગાડતો વગાડતો કબ્રસ્તાનમાંથી ચાલવા લાગ્યો. હજુ થોડે દુર પહોંચ્યો હોઈશ ત્યાં મને ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો “શ...શ..શ...” મેં ગભરાઈને પાછા વળીને જોયું પરંતુ મને ત્યાં કોઈ દેખાયું નહીં! મનનો વહેમ સમજી મેં ફરી પગ ઉપાડ્યા ત્યાં બીજીવાર અવાજ સંભળાયો, “શ...શ..શ...” મેં ચોમેર નજર ફેરવી પણ મને કબરો સિવાય બીજું કશું દેખાયું નહીં! હવે મને બીક લાગવા માંડી છતાંયે હિંમત કરી હું આગળ વધ્યો ત્યારે મને મારા પગ નીચેથી “શ...શ..શ...’નો અવાજ આવતો સ્પષ્ટપણે સંભળાયો. કબ્રસ્તાનની ભૂમિમાં લાશો દફનાવાય છે તે યાદ આવતા મારા અંગેઅંગમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. પેન્ટના ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવાને લૂછવા જતા મારૂ પાકીટ નીચે પડ્યું. મેં ડરતા ડરતા પાકીટને ઊંચકવા હાથ લંબાવ્યો ત્યાં ઓચિંતા મારા પડછાયાએ મારો હાથ પકડી લેતા પૂછ્યું, “શ...શ..શ... સાંભળે છે?” આ સાંભળી મારા મોઢામાંથી રાડ નીકળી ગઈ. પરસેવે રેબઝેબ થઈને મેં મારી આંખો ખોલીને જોયું તો હું મારા બેડરૂમના પલંગ પર હતો! બીજી જ ક્ષણે ખરાબ સ્વપ્ન જોયું હતું આ હકીકત મારા ધ્યાનમાં આવતા મેં નિરાંતનો શ્વાસ લીધો.
(સમાપ્ત)