સગપણ વગરનો સંબંધ
સગપણ વગરનો સંબંધ
બગીચામાં પોતાનું સરનામું બની ગયેલા બાંકડે શિવાની બેઠી હતી. પ્રવેશદ્વાર તરફ મંડાયેલી તેની આંખોમાં કોઈની રાહ સ્પષ્ટ દેખાતી હતી. થોડી જ ક્ષણોમાં નવ્યની આંગળી પકડીને વૈભવ પ્રવેશ્યો ને શિવાનીનો ચહેરો હસી ઊઠ્યો. “આજે ખૂબ ગરમી છે,નહી ?” કહેતો વૈભવ આવીને બાજુમાં બેસી ગયો. નવ્ય રીતિ સાથે રમતમાં જોડાઈ ગયો.
શિવાની અને વૈભવની ઓળખાણ આ બગીચાએ કરાવેલી ! પછી તો પોતાનાં સંતાનોને લઈને આવતાં બંને માટે આ બાંકડો ખુશીનું કારણ બની ગયો. વિધુર વૈભવની જિંદગીમાં નવ્ય સર્વસ્વ હતો. કહો ને કે તે નવ્ય માટે જ જીવતો હતો ! શિવાની સાથે પરિચય થયા પછી તે થોડું પોતાના માટે પણ જીવવા લાગ્યો હતો. શિવાની સાથે વાત કરીને તેને સુકુન મળતું. બંને જાણે કોઈ અદ્રશ્ય તંતુથી બંધાયાં હતાં. જોકે તેમની વચ્ચે ક્યારેય પ્રેમલા-પ્રેમલીની કે એવી કોઈ જ વાત થઈ નહોતી. બાળકોની ને બીજી સામાન્ય વાતો થતી રહેતી, ને તોય બંને સાંજની આતુરતાપૂર્વક રાહ જોતાં ! રોજના વાતોના પ્રવાહમાં ક્યારેક વૈભવની જીવનકહાની વહી આવતી, તેથી વૈભવ વિશે શિવાનીને થોડી ઘણી માહિતી હતી; પણ શિવાનીના જીવન વિશે વૈભવે ક્યારે કોઈ જ સવાલ કર્યો નહોતો. એટલે સુધી કે શિવાની ક્યાં રહેતી હતી એ પણ વૈભવ જાણતો નહોતો ! જાણે એક નામ વગરનો સંબંધ !
*
એકલવાયું જીવન જીવતી શિવાનીનો પણ એકસમયે સુખી સંસાર હતો. પતિ નયન અને પુત્રી રીતિ સાથે તે ખૂબ ખુશ હતી. જેઠાણીનું અચાનક અવસાન થયું એ જ એના કરમની કઠણાઈ ! વિધુર જેઠની લોલુપ નજર શિવાની પારખી ગઈ. પતિ, સાસુ અને સસરાને ફરિયાદ કરી, તો તેને “દ્રોપદી” નું ઉદાહરણ આપવામાં આવ્યું, જે સંસ્કારી શિવાનીને સ્વાભાવિક રીતે મંજૂર ન જ હોય.
તેણે પુત્રી સાથે ઘર છોડી દીધું. માવતરનું એકમાત્ર સંતાન હોઈ પિયરના આંગણે પણ આવકારો મળે તેમ નહોતું. દુનિયાની ભીડમાં તે બેસહારા હતી. તેણે એકલવાયું જીવન સ્વીકારી લીધું. દુઃખનાં ગીતડાં ગાવાના બદલે તે સંઘર્ષમય જીવનમાં પણ ખુશ રહેવાનો પ્રયત્ન કરતી.
*
એક મેઘલી રાત્રે વૈભવનો ફોન રણક્યો. સામે છેડેથી શિવાનીનો ગભરાયેલો અવાજ આવ્યો. “તમે તાત્કાલિક આવી જાવ” કહેતી તે એકશ્વાસે સરનામુ બોલી ગઈ. થયું હતું એવું કે એ રાત્રે શિવાનીના બિલ્ડિંગની બાજુનું બિલ્ડિંગ અતિભારે વરસાદ સામે ઝીંક ન ઝીલી શકતાં ધરાશાયી થઈ ગયું. પરિણામસ્વરૂપ તેના જર્જરિત બિલ્ડિંગને પણ તાત્કાલિક ખાલી કરવાનો નિર્ણય લેવાયો. ફ્લેટમાં રહેતાં દરેક કુટુંબ કોઈ ને કોઈ સગાં-સંબંધીની મદદથી ઘર ખાલી કરવામાં વ્યસ્ત હતાં. ઓછા સમયમાં એકલ પંડે રીતિને સંભાળવા સાથે ઘરવખરી એકઠી કરવી એ તેના માટે અશક્ય હતું. અડધી રાત્રે તેને સગપણ વગરનો સંબંધ યાદ આવ્યો.
મધરાતે વૈભવની મદદથી જીવન જરૂરિયાતની ચીજો અને નાની રીતિ સાથે શિવાની બિલ્ડિંગની બહાર નીકળી કે ‘ધડામ’ અવાજ સાથે એ બહુમાળી મકાને જમીન સાથે દોસ્તી કરી લીધી !
