સદેહે સ્વર્ગ
સદેહે સ્વર્ગ
સલોની સમજતી હતી કે લોકડાઉનને કારણે ભલેને બધા કહેતા હોય કે ર૦૨૦ નું વર્ષ તો વિષ.. વિષ.. છે. પણ સલોની આ વાત માનવા જ કયાં તૈયાર હતી ? કહેવાય છે કે શ્રાવણના અંધને બધુ લીલું જ દેખાય. એમ સલોની તો કહેતી કે, "આ વર્ષે તો મને સ્વર્ગ ની અનુભૂતિ કરાવી છે. આ વર્ષ દરમ્યાન તો કુટુંબ ના સભ્ય સાથે જીવતાં શીખ્યા. બહારનું ખાવાનું બંધ થવાથી બધા તાજુ અને ગરમ ખાતા થઈ ગયા. એકસાથે ડાઈનિંગ ટેબલ પર જમતાં થઈ ગયા. બહાર કરતાં ઘરની રસોઈ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. એવી સમજણ બાળકોમાં આવી. હોટેલ અને સિનેમાના ખર્ચ બચતા બચત થતી હતી. બહાર જવાનું બંધ થતાં પેટ્રોલ અને ઈસ્ત્રીના ખર્ચ આેછા થઈ ગયા હતા. પતિ પણ ઘરમાં કંટાળી જતાં, પત્નીને કામમાં મદદ કરતાં થઈ ગયા હતાં.
ભલે ર0ર0 ના પાકા સરવૈયામાં ઉધાર બાજુ મોટી હોય, ભલે એમાં જમા ખર્ચાઈ જાય. માઠું વર્ષ અનુભવો તો આપે જ છે. પરંતુ નિષ્ફળતાઓ, સંકટોનો આ કસોટીકાળનો ફાયદો છે. સફળતા કંઈ નવું ના શીખવાડે પણ નિષ્ફળતા નવી નજર આપે, ખામી અને ખુબીઓ પતિના સતત સહવાસથી જાણવા મળી. કદાચ એજ લોકડાઉનની બ્યુટી એના માટે હતી.
કહેવાય છે કે તેજીમાં કવોન્ટીટી વધે પરંતુ લોકડાઉન રુપી મંદીમાં તો પતિની આદતોની કવોલિટી સુધરી. ઘરે રહેવાથી પત્નીની સતત વ્યસ્તતા સમજી શક્યો હતો. સલોની માટે તો લોકડાઉન એટલે પતિનું મળતું સતત સાંનિધ્ય. તેથી તો સલોનીને લાગતું હતું કે જાણે એને સદેહે સ્વર્ગ પ્રાપ્ત કરી લીધુ છે.

