STORYMIRROR

Dipti Inamdar

Classics Inspirational

4.5  

Dipti Inamdar

Classics Inspirational

સચ્ચાઈની મૂર્તિ

સચ્ચાઈની મૂર્તિ

7 mins
466


લુણાવાડા જિલ્લાનું કસલાવટી ગામ, ગામમાં લક્ષ્મણસિંહ ઈનામદારની એક દીકરી. લાડમાં ને હુલામણું નામ તો જડી હતું, પણ જેને જડી એ જડી એની જિંદગીમાં ચાર ચાંદ લગાવી દીધા. એવી તો ખૂબ ખમીરવંતી દીકરા સમોવડી, દલડાની દોલી, નાનપણથી જ ખૂબ પ્રતિભાશાળી, ગૌરવવંતો એમનો ચહેરો, ભાવ નીતરતી આંખો, એ જમાનામાં ચાર ચોપડીનું ભણતર પણ ગણતર ઘણું.     

તેઓ પોતે આત્મવિશ્વાસથી ભરેલાં અને સ્વાભિમાની હતાં, સાથે જ તેઓ ઉમદા, કાર્યદક્ષ, સંવેદનશીલ પણ હતા. સંગઠનક્ષમતા અને કર્મપરાયણ તેમનો જીવન મંત્ર હતો. આપણે જ્યારે પણ આ હકીકત જાણીએ ત્યારે આપણને થાય કે આ કોઈ અતિશયોક્તિ નથી. આખુંય આયખું એકલે હાથે જ ઝઝૂમી, 105 વર્ષ સુધી અડીખમ અને નિરોગી કાયા સાથે કાર્ય પ્રણાલી જ એમનું જીવન સાદું જીવન અને ઉચ્ચ વિચારો ઉજાગર કરતાં એ જમાનાથી આજ સુધી અમરત્વ પ્રાપ્ત કરનારનું નામ હજી લોકોના હૈયામાં ગુંજે છે. એ અમરત એમનું નામ, નામ તેવા જ ગુણ. મા બાપનું એકનું એક સંતાન એવા એ અમરત ખરેખર એના નામ પ્રમાણેના ગુણ.     

મૌનમાં દટાયેલો અર્થ અને શાન્તિમાં છુપાયેલો અવાજ સૌની સમજમાં આવતાં નથી. ખંભાત તાલુકાના નાનકડા એવા જલસણ ગામમાં એમનું લગ્ન થયું. આશરે એકસો વર્ષ પહેલાંની વાત છે, પાંચ વર્ષના પરણીને આવ્યાં ત્યારથી જ ઘરમાં સંયુક્ત કુટુંબની જવાબદારી નિભાવવાની આવી. પારકાઓની શું વાત કરવી પોતાના માટે સમય નથી.આંખોમા છે ઊંઘ ઘણીયે પણ સુવા માટે સમય નથી. કુલ 15 જણનો કાફલો સાચવવાનો. ઘરમાં ગાયો ભેંસોનો તબેલો તો હોય જ અને એ વખતે બધું જ કામ જાતે કરવું પડતું, ઘરનું કામ કરવાનું ખેતરે જવાનું ગાયો ભેંસોના છાણ- વાસિદા સાફ કરવાનાં, અનાજ સાફ કરવાનું, દળવાનું, ગાદલા ગોદડીઓ કરવાની, વડી - પાપડ, પાપડી બનાવવાના, આમ આ બધું જ કામ જાતે જ કરવું પડતું અને એમાંય બાળ ઉછેર તો સહજ હોય જ.

અમરતબા પૂરી રીતે પોતાની નિષ્ઠાથી જવાબદારીથી અને પૂર્ણ સહયોગ આપી અને દરેક કાર્ય કરતી. ઘરની જવાબદારીની સાથે સાથે ખેતીવાડીનું તમામ કામ એકલું અમરતના જ માથે આવતું. સંયુક્ત પરિવારમાં પોતાના જેઠના ચાર અને પોતાના ત્રણ એમ સાત સાત બાળકોનું ઉછેર કરવાનો એ કઈ નાની સૂની વાત ના કહેવાય. પોતાના સોંપેલ દરેક કાર્યને અમરતબા જેટલું નિષ્ઠાથી કરતાં એટલો જ એમની આંખોમાં ભાવ નીતરતો એમના ચહેરા પરની કરચલીઓ જોતાં તો જાણે અમે સહું એમનાં ઋણી છીએ એમ પળેપળ પ્રતિત થતું અને કયારેય આ ઋણ અદા કરી શકીશું ? એમની વાણી અને ચેહરાના મિશ્ર ભાવને વ્યક્ત કરતો જીવનનો સુખનો સરવાળો, ગુણોનો ગુણાકાર કરવામાં જ દિવસો ક્યાં પસાર થઈ ગયાં ના સમજાયું .

જીવનનો બીજો તબક્કો શરૂ થયો, બાળકો થયા અને એ બધી જ જવાબદારી સાથે સાથે બાળ ઉછેર કરી અને પોતાના પરિવારના સાત સાત સંતાનોને મોટા કર્યા. ભણાવ્યા, ગણાવ્યા. ઘણાં વર્ષો સાથે રહ્યાં પછી છોકરાઓ મોટા થતા નોકરી મળતા સ્થળો બદલાયા, જગ્યા બદલાઈ અને ઘર પણ બદલાઈ ગયા, ભોજન બદલાયું કહેવાય છે ને કે અન્ન જુદા તેના મન જુદા

આમ એ કુટુંબ વિભક્ત બની ગયું. હું અને મારી વહુ એમાં આવ્યું સહુ એ કહેવતના જોરે દરેક જણ પોત પોતાના કાર્યોમાં, રસ - રુચિ નોકરી ધંધામાં વ્યસ્ત થઈ ગયા. અમરતે અતિશય મહેનત કરી અને એમના પરિવારના બાળકોને ખૂબ આગળ લાવવા માટે અથાગ પ્રયત્નો કરી, રાત દિવસ એક કરી હતી પણ બે પૈસા કમાતા થતાં, સમયાંતરે પરિવાર જુદા પડ્યા. હવે માત્ર અમરત અને એમનો પરિવાર.

એમના પરિવારમાં બે દીકરાઓ પણ બાળપણતો જાણે પહેલેથી જ છીનવાઈ ગયું. ધમાલ, તોફાન, મસ્તીનું તો નામ નિશાન ના મળે. બંને ભાઈઓની ઉંમરમાં લગભગ દસેક વર્ષનો ફેર હતો. બે ભાઈઓની વચ્ચે હતી એક બહેન અને જ્યારે દરજી પાસે કપડાં સીવડાવવાનો સમય આવતો ત્યારે જાણે કે દરજી માપ કરતા ઓછું કે નાનું સીવીને આપતો કે પછી કાપડ ઓછું હોય એમ બને. અમરતે પોતાના બે દીકરા અને દીકરીને પરણાવી પણ કુદરતને કંઇક જુદું જ મંજૂર હતું અને એમની દીકરી વિધવા થઈ, દુઃખ, તકલીફ, મુસીબત કંઈ કહીને નથી આવતાં. અચાનક આવી પડતા ચારે બાજુથી ઘેરાઈ વળેલી અમરતને હવે કોના આશરાં હતાં.

હવે એ અલગ થયેલા એમના જેઠના પરિવાર પાસે ખૂબ પૈસા અને ધંધો અને સારી સરકારી નોકરીઓ હતી અને જ્યારે બધાં સંયુક્ત કુટુંબમાં રહેતાં ત્યારે એ જ ભેગી સહિયારી મિલકત ગણાતી પણ જ્યારે હવે એ લોકો અલગ થઈ ગયા ત્યારે અમરતના ભાગે માત્ર અને માત્ર મહેનત સિવાય કંઈ જ નહોતું. 'સુખકે સબ સાથી દુઃખમે ના કોઈ' એ સાર્થક લાગતુ.

ત્યારે બીજી બાજુ એમના પોતાના બે દીકરાઓ પણ ખૂબ મહેનત કરી અને પોતાનું જીવન સાર્થક કરવા માટે અને પોતાની માતાનું જીવન ચરિતાર્થ કરવા માટે અસીમ પ્રયત્નો કરતા હતાં. નોકરી તો એમને પણ હતી પણ જ્યારે ઘરના ભાગલા પડ્યા ત્યારે આ પરિવારના માથે એ સમયમાં 400 ₹ 500 જેવું નજીવું દેવું ભાગે આવ્યું હતું. એ કરજ પૂરું કરવા માટે, પોતાના પરિવારને સુખ શાંતિથી રાખવા માટે બંને ભાઈઓ અત્યંત પ્રયત્નો કરતા અને પોતાની માતાના પગલે આગળ વધ્યા, પોતાની એક બહેન જે વિધવા થયા હતા તેમ

ને અચાનક લકવો થઈ ગયો અને તેમને સારવાર અર્થે પોતાના ઘરે લાવી દેવામાં આવ્યાં.

"કુંદનિકા કાપડિયા" એ એમના શબ્દોમાં કહ્યું છે કે "જ્યારે મુસીબત આવે છે ત્યારે એકલી નથી આવતી એનો લાવ લશ્કર લઈને આવે છે" એ રીતે ત્યાં પણ એ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી અને આવી કપરી પરિસ્થિતિમાં કઠણ અને વસમા દિવસો વચ્ચે એમ માવડી અમરતે. પોતાના એકના એક લાડકવાયા જમાઈ ગુમાવ્યા ત્યારે આઘાત એટલો ઘેરો હતો કે બાએ ઘીની બાધા રાખી. અને આમ છતાં પણ 105 વર્ષ સુધી નિરોગી કાયા, નિરોગી જીવન એવું જીવ્યાં કે નખમાંય રોગ નહીં એવું એમનું આયખું હતું. કસાયેલી કાયા હતી.

એમના બે સંતાનો સાથે એમને પિયર લઈ આવ્યા અને પછી તેમની ભણાવવા, ગણાવવાની, પરણાવાની સમગ્ર જવાબદારી એ બંને ભાઈઓના માથે આવી. આ બધી સઘડી જવાબદારીઓને પહોંચી વળવા માટે આવો જોઈએ ભાઈઓએ કેવો પ્રયત્ન કર્યો.

ખેડા જિલ્લાનું એક નાનકડું, રૂપકડું, સોહામણું ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ. લીલુંછમ ગામ. હરિયાળીથી ભરપૂર એવા આ ગામમાં મનુભાઈ નામે એક ખેડૂત એમની જમીન ભાગે અને ગીરો આપીને ખેતીવાડીની દેખરેખ રખાવતા. મનુભાઈને રૂપિયાની ખોટ ન હતી તેથી તેઓ માણસો રાખેલ તેમની પાસે કામકાજ કરાવતા અને આવક જાવક બરાબર તપાસતા. ખેતીવાડીના કામકાજની ઝાઝી ખબર ન હોવાથી માણસો મનુભાઈને જે હિસાબ બતાવે તે મુજબ તેઓ સમજી પણ જતા ખેત મજૂરોને તો જલસા થઈ ગયા.

મનુભાઈનો એકનો એક દીકરો પણ ભાઈને ખેતીવાડી વધારવામાં જરાયે રસ નહીં એમને તો મિલકત વધારવાનો શોખ રૂપી પારો ચઢ્યો હતો. એટલે મા બાપે ભણાવી - ગણાવીને બે પૈસા કમાતા કરી આપ્યા કે ભાઈને તો પાંખો ફૂટી. ટૂંક સમયમાં જ મનુભાઈનો એ લાડકવાયો મહેન્દ્રભાઈ તો કેનેડાની ધરતીને પોતિકી બનાવવાની મથામણમાં પડી ગયો. પત્ની, બાળકો વગેરે... વગેરે... કહેવાતી જીવન જરૂરિયાત સાથે સેટ થઈ ગયો. સમય પસાર થતાં મનુભાઈની તબિયત લથડી અને બીમારીએ એવો તો ઘેરો ઘાલ્યો કે મનુભાઈ તદ્દન પથારીવશ થઈ ગયા. માણસો મનમોજી કરે ને પાકનો હિસાબ મનુભાઈને સમયસર ના મોકલે.

માણસો હવે મનુભાઈને યોગ્ય જવાબ ના આપે અને હિસાબમાં પણ ગરબડ કરે ખેતીવાડીનું ધ્યાન ના રાખે.આ બધું જોઈ મનુભાઈ તો વધુ ને વધુ ચિંતાતુર બની ગયા પણ અસહાય મનુભાઈ કાંઈજ કરી શકે નહીં ને જીવ બાળે. આ બધી બાબતની જાણ એમના ગામના એક એવા કુટુંબને થઈ કે જે આર્થિક રીતે નબળું હતું એમને પૈસાની ખૂબ જરૂર હતી. એવા ચંપકભાઈએ એમની સામે જઈને રજુઆત કરી કે ખેતર એમને ખેડવા આપે. મનુભાઈની પારખું નજર અને વ્યક્તિ ઓળખવાની સૂઝ બુઝ દ્વારા તેઓએ ચંપકભાઈની વાતને સહર્ષ સ્વીકારી લીધી. મનુભાઈ સમજી ગયા હતા કે માત્ર પોપટિયા જ્ઞાનથી કે પાઠ ભણાવવાથી કશું વળવાનું નથી. અધમણ વાત કરતા અધોળ આચરણની વધુ અસર પડે છે.

રાજીના રેડ થતા ચંપકભાઈએ પોતાના પરિવારને કહ્યું કે સુંદર તક મળી છે તો એનો લાભ લેવો જોઈએ, 'સ્થૂળ વળતરની આશા રાખ્યા વગર યોગ્ય કામ કર્યાનો આત્મસંતોષ એ જ એમનું પ્રેરક બળ હતું.' અને... પછી તો આખું કુટુંબ હરિયાળી ક્રાંતિ લાવવાના તમામ પ્રયત્નમાં લાગી ગયેલું નજરે પડે છે અને ચંપકભાઈ પણ ખુશીના માર્યા પોતાને મળેલ આ અણમોલ તક, અવસરના તાણવાણામાં ગૂંથાઈ ગયા. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટીનું કામનો આત્મસંતોષ માનતા. કારણ કે ધરતી પ્રત્યે માતા અને પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી લાગણી અનુભવતા હતા.

સમગ્ર પરિવાર આજે એ હરિયાળા લીલાછમ ખેતરોની કુમાશમાં પોતાની જાતને શાતા પ્રદાન કરી રહ્યા છે. તેમણે પોતાની યુક્તિ, પ્રયુક્તિ અને કાર્યની ઉદારતાથી વિજય મેળવ્યો છે. જ્યાં આવું સરળ સહજ વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે.

આમ પોતાના ઘર પરિવારને સુખી સંપન્ન કરવા માટે એ અમરત પરિવારે કેટલી જિંદાદિલથી અને ખુશાલીથી પોતાની કાર્યપ્રણાલીને સાર્થક કરી બતાવી અને સાચા અર્થમાં એક પરિવારનું જીવન સફળ બનાવ્યું , ચરિતાર્થ કર્યું, અને પોતાની મા અમરત એનું નામ રોશન કર્યું એવી એ સચ્ચાઈની મૂર્તિ પોતાનું જીવન તો ઉજાગર કરી કરી ગઈ પણ પોતાના બાળકોને પણ સુસંસ્કાર, સચ્ચાઈ, અડગ, આત્મવિશ્વાસ દ્રઢતા, ખુદ્દારી, સેવા પરાયણ જેવા ગુણો દ્વારા અને નિસ્વાર્થ સેવા ભાવના વડે આજે જલસણ ગામમાં એ પરિવાર ખૂબ આગળ પડતું અને મોખરાનું સ્થાન ધરાવે છે.

આજે એ અમરત પરિવાર જે કંઈ છે, તેનું સંપૂર્ણ યોગદાન તેમની માતાશ્રી અમરતને જાય છે આવી હતી એ સચ્ચાઈની મૂર્તિ ! આખી જિંદગી મહેનત કરી કોઈની સામે હાથ લાંબો નથી કર્યો. ઈજ્જત અને સ્વમાનથી જીવન જીવ્યા છે એ સચ્ચાઈની મૂર્તિને શત શત વંદન! સહુ કોઈએ આ સત્ય ઘટના પરથી પ્રેરણા લઈ પોતાના જીવનમાં ઉતારવા જેવી બાબત લાગી હોય આ પ્રસંગ આપની સમક્ષ મૂક્યો છે.

આપને જાણીને નવાઈ લાગશે કે એ અમરત એ બીજી કોઈ જ નહીં પણ મારી બા (દાદી) છે અને એના નામને, એના વારસાને, અમર રાખવા જીવંત રાખવા, એમના જેવું જીવન જીવી જાણવા માટે મેં પણ મારું ઉપનામ અમરત રાખ્યું છે, એ બધું જ મારી બાના નામના આધારે છે.

કહેવાના તો ઘણા પ્રસંગ હજી બાકી છે ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Classics