અણધાર્યો હિસાબ
અણધાર્યો હિસાબ
લાવણ્યા અને અભિનંદન બંન્ને વચ્ચે ગાઢ મૈત્રીની સફર કૉલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. ધીમે ધીમે એ મૈત્રી પ્રણય સંબંધોમાં કયારે પરિણમી એ વાતનું પણ ધ્યાન ન રહ્યું. લાવણ્યાના પિતાજી ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા, સમૃદ્ધિની છોળો ઊડતી હોય, જ્યાં પાણી માગતાં દૂધ હાજર થાય તેવી જાહોજલાલીમાં તે ઉછરી હતી. શામળદાસનું એક માત્ર સંતાન હતી. બીજી તરફ અભિનંદન ગામડેથી ભણવા આવતો સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો હતો.પણ જિંદગીના બધાં જ રૂપ રંગ તેણે બાળપણથી જ જોયા, જાણ્યા અને અનુભવ્યા હતા. ખૂબ વિવેકી, સમજદાર, ધીર ગંભીર વ્યકિતત્વ ધરાવનાર અભિનંદનને જોતાં જ કેટલીક લલનાઓ પોતાનું હૈયું આપવા આતુર હતી.
અભિનંદન બસની મુસાફરી કરી કૉલેજ આવતો - જતો હતો. તે સમયે એક અજાણી યુવતીની મુલાકાત અભિનંદન સાથે થઈ હતી. યુવતી પણ વ્યવસાયને કારણે રોજ એ જ બસમાં આવતી જતી. વાતચીત કરવાનો એક પણ મોકો યુવતી જવા દેતી ન હતી.
એક દિવસ અચાનક યુવતીએ કહ્યું, "અભિ, હું તને મારું દિલ દઈ બેઠી છું, તારી સાથે લગ્ન કરી જીવન જીવવાના કોડ રાખ્યાં છે."
આ સાંભળતાં જ અભિની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ફાટી આંખે એ અજાણી યુવતીની સામે જોતો જ રહી ગયો. હજુ કંઈક બોલે કે વિચારે તે પહેલાં જ યુવતીએ અભિનંદનનો હાથ પોતાના હાથમાં લઈને જકડી લીધો. અભિ માત્ર અવાચક બની જોઈ રહ્યો, પોતાનું વિરામ સ્થળ આવતાં જ ઉતરી ગયો. મનમાં સતત ઘમાસાણ ચાલતું હતું કે શું કરવું ? કેમ એ યુવતીએ પોતાનો એકરાર કર્યો હતો. પોતાનું જ વલણ કઈક અજુગતું હશે કે એણે આમ કર્યું હતું. એ વિચારોના વમળમાં અટવાતા ક્યાં કૉલેજ આવી ગઈ તે ખબર જ ના પડી. લાવણ્યાના લહેકાએ એને તંદ્રા મુક્ત કર્યો.
અભિ એ પોતાની સાથે બનેલ વાત કરી, ત્યારે લાવણ્યાએ પણ પોતાને ઉમર લાયક બનતાં લગ્નના પ્રસ્તાવ માટે પોતાના પિતાજીએ વાત કરી ત્યારે તેણે પોતાના પિતાજીને પણ કહી દીધું હતું કે અભિનંદન તેને ખૂબ પસંદ છે, તેથી આજે આપને મળવા બોલાવ્યા છે. સમય નક્કી કરવામાં આવ્યો.
"આવો, આવો... અમારા પરિવારમાં આપનું સ્વાગત છે" કહીને શામળદાસે આવકાર્યા. હસ્તધૂનન કર્યું અને પરિજનો વિશે જણાવો એમ કહ્યું. પોતાની હકીકત કહેતાં જ પિતાજી અવાક્ બની ગયા કે સાવ સામાન્યથી પણ ઉતરતી કક્ષાના પરિવારમાં પોતાની દીકરીને સોંપી દેવાનું મન માન્યું નહિ જેથી. "સારું મળીએ, હું જણાવીશ" કહીને પોતાના રૂમમાં ગયા. બેઉ પ્રેમી પંખીડાં સ્વપ્નમાં સરી પડ્યાં અનેફરી મળવાનો વાયદો કરી છૂટાં પડ્યાં.
લાવણ્યાને પિતાજીએ સ્પષ્ટ પણે કહી દીધું હતું."આ છોકરાને ભૂલી જાય"
"કેમ ?" લાવણ્યાનો પ્રશ્ન હવામાં જ વિલીન થઈ ગયો.
તે પિતાજીને ઘણું કરગરી પણ તેઓ એકના બે ન જ થયા. આખરે તેના લગ્ન પિતાજીની મરજી મુજબ ગોઠવાઈ ગયાં હતાં. કમને નમાઈ દીકરી પોતાના ભાગ્યને કોસતી રહી. સાસરે આવી અન્ય અજાણ્યા યુવકની સાથે મન ન માનતું પણ પોતાના પિતાજીને ખરાબ ન લાગે તે ખાતર પોતે આ બંધનમાં જકડાઈ ગઈ હતી.
બીજી બાજુ અભિનંદન પણ પેલી અજાણી યુવતીની સાથે સહમત થઈ ગયો હતો અને જીવન પસાર કરતો હતો. જીવન કાળ દરમિયાન કેટ કેટલી એવી વાતો હતી કે બેય જણાં પોતે જયારે એકલાં હોઈ ત્યારે ભૂતકાળ વાગોળતાં અને મન મનાવવાની કોશિશ કરતાં.
એક દિવસ અચાનક કોઈ પ્રવાસ સ્થળે બેયની મુલાકાત થઈ ગઈ. અને પોતપોતાની વાતો રજૂ કરી ત્યારે લાવણ્યાને ખબર પડી કે પિતાજીએ પોતાની બરોબરીનો છોકરો ન હોવાથી આ વાત પર પડદો પાડી દીધો હતો. પણ જિંદગીના રસને માણતાં મોજ કરતાં અભિને કેટલી તકલીફ પડશે. સંઘર્ષ કરવો પડશે. વગેરે વગેરે... બાબતોએ લાવણ્યાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પિતાજીએ કરેલ કર્મનો બદલો વાળવાનો શુભ આશય આવ્યો અને અભિનંદનના ઘરે પહોંચી ગઈ, તેના ઘરમાં જરુરીયાતની તમામ ચીજ વસ્તુઓ અપાવી અણધાર્યો હિસાબ બરાબર કરી દીધો. પોતાની દોસ્તી આ રીતે નિભાવી હતી.

