Kalpesh Patel

Drama Thriller

5.0  

Kalpesh Patel

Drama Thriller

સાટું

સાટું

13 mins
3.1K


ઇ.સ.૧૮૯૦ના વરસમાં હજુ વીજળીના દીવા નહતા, તેવા સમયના શ્રવણ વદ આઠમની તોફાની રાતે મેહુલિયાઓ સાંબેલા ધારે ત્રાટક્યો હતો. કુદરતે પોતાનું એક નવું જ સ્વરૂપ બતાવી આપ્યું હતું. સાતમની બપોરે સખત તાપ હતો પણ સાંજ પડતાં તો બધું અણધાર્યું જ બની ગયું. સાંજના સાતેકને સુમારે આકાશમાં કાળા ડિબાંગ વાદળ ચડી આવ્યાં અને વરસાદ ચાલુ થયો તે અત્યાર લગી ખાબક્તો હતો, જરા પણ પોરો લેવાનું નામ નહીં. એવામાં આકાશમાં મોટા કડાકા સાથે વીજળી ચમકવા લાગી. બે દિવસથી અવિરત ચાલતા આ વરસાદના તાંડવે લોકો ત્રાસી ઘરમાં ભરાયેલા હતા. ગઇકાલના વરસાદથી પહેલા ખાડા-ખાબોચિયાં ભરાવા લાગ્યાં. તે પછી નીચાણવાળા રસ્તાઓનો વારો આવ્યો. અને હવે નાળાં ઊભરાઇને પાણી ગોઠણથી કેડ સમા ભરાવાનું ચાલુ થયું હતું. રાતના અંધારામાં લોકોના મનમાં હવે ચિંતા પેસવા માંડી પણ વરસાદનું તાંડવતો ચાલુ જ રહ્યું.”

ભરુચ પાસે ‘નર્મદા નદીના ઉત્તર કાંઠે આવેલી એક રેલવે-કેબીન અંધાર-પિછોડો ઓઢીને ઊભી હતી. ચારે બાજુ એવો તો ગાઢ અંધકાર હતો કે પાસે ચાલતા માણસનું મોં તો શું પણ ખુદનો હાથ જોવો હોય તો પણ ના દેખાય. અટુલી કૅબિનમાં એક કેરોસીનનો દીવો બળતો હતો અને એ ધરતીના આખા મલક પટ પર ટમટમતા તારા સમાન પ્રકાશનું એક માત્ર બિંદુ બની ઝબકી રહ્યો હતો. તેય આ તોફાની વરસાદમાં આછો લાગતો હતો. ચાલુ વરસાદે આકાશમાં કોઈ કોઈ વાર વીજળી ચમકી અને તેના ગડગડાટ નર્મદા નદીના ગાંડા વહેતા નીરના અવાજને ભયાનક બનાવતા હતા. વારે-વારે થતાં આવા ઝબકરા નદીના પટને બે ભાગમાં વહેંચી નાખતા.અને આ ચમકારામાં ગોલ્ડન બ્રિજ સાથે જડાયેલા રેલવેના બે પાટા અને સામે છેડે રહેલી રેલવે-કેબીન દેખાતી. વીજળીના જબકારા વિલીન થતાં ત્યારે ઉદભાવતા ગાઢ અંધકારમાં તે કેબીનમાં બળતો દીવો દેખાતો, તો વળી પાછો વીજળી ના અજવાળામાં, તે વિલીન થતો. પણ કેબીનનો દીવો બિનહરીક ટમટમતો તારો હતો, ફરી પાછી વીજળી થતી ત્યારે ગોલ્ડન બ્રિજને સામે દક્ષિણ કોરથી આ કેબીન દેખાતી. અને સમાંતર જડાયેલા રેલવેના પાટાઓ દૂર જઈને એક બિદુએ ભેગા થઈ અટકેલા દેખાતા, બસ, આટલામાં જ બધો દેખાવ સમાપ્ત થઈ જતો.

એ અટૂલી કેબીનમાં એક કેબીનમેન રહેતો. એને ખાસ કશું કામ કરવાનું નહોતું. સામાન્ય રીતે તો એની કશી જરૂર પડતી પણ નહીં. કારણ ટ્રેનો સીધી આવતી અને વણઅટકી સીધી દોડી જતી. રાત્રે દસ વાગ્યે દિલ્હી તરફથી આવતો ફ્રન્ટિયર ને ત્રણ વાગ્યે મુંબઈ તરફથી આવતો ફ્રન્ટિયર એ બે ખાસ ગાડીઓ હતી. બાકીની ગાડીઓમાં બે પેસેન્જર ગાડીઓ હતી. ઉપરાંત દિવસની ત્રણ-ચાર ગુડ્ઝ ટ્રેનો પણ ખરી. કોઈ કોઈ વાર વડોદરા ના રાજા- ગાયકવાડની સ્પેશિયલ અને ક્યારેક ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ જેવા ઉચ્ચ અધિકારીની રેલવે-કાર્ટ (મોટરના એન્જિન બેસડેલી પાટા ઉપર ચાલતી કેબીન પસાર થતી). એવે વખતે આ કેબીનમેન બ્રિજની સિંગલ લાઇન માં કોઈ વચ્ચે અટવાઈના પડે તેવો ખ્યાલ રાખી સંભવિત સ્પેશિયલ ટ્રાફિકને કે ગુડ઼ઝ ટ્રેનને બ્રિજ ને બંને છેડે આવેલી લુપ લાઈન માથી એક લાઇન પર ખસેડી લેતો અને રોજિંદી ટ્રેન ટ્રેક પર લેવાતી અને સ્પેશિયલ કે રેલવે-કાર્ટ પસાર થયે પાછી તેને મેઈન લાઈન પર વાળી લેવાતી. (મોટેભાગે આવી લાઇન હંગામી સાઇડિંગ હોઇ તેનો બીજો છેડો ડેડ એન્ડ રહેતો.) આ સિવાય કેબીનમેનને પસાર થતી ટ્રેનો સામે દિવસે લીલો વાવટો અને રાત્રે લીલું ફાનસ ધરી રાખવા ઉપરાંત કશી ડ્યૂટી નહોતી.

એ કેબીનમાં બેઠેલો “મનસુખ” ચારેકોર ઉમટી આવેલા અંધકારને તાકી રહ્યો હતો. આવો બેસુમાર અવિરત વરસાદ ઘણા વરસે ખાબક્યો હતો, પણ રેલ્વે લાઈનો અંગ્રેજોએ જોઈ વિચારીને પાથરેલી હતી, અહીં જમીન એટલી બધી પોચી નહોતી કે વરસાદી પાણીથી લાઈન ધોવાઈ જાય, એટલે ચિંતા કરવાનું કશું જ કારણ નહોતું. વળી રાત્રે સુપ્રિટેન્ડેન્ટ સાહેબ વલસાડથી નીકળી વડોદરા જવાનો સંભવ હોવાથી નવ વાગે, એક રેલ્વે ટ્રોલી રસ્તો ‘ચેક’ કરી ગઈ હતી, પણ મનસુખના મગજમાં કઈ બીજું રંધાઇ રહ્યું હતું, તે કંઈક જુદા જ વિચારમાં આજે અટવાયેલો હતો.

તે વિચારતો હતો : કાલ સુધી કોરું આકાશ હતું, અને તડકો હતો ને જોતજોતામાં તો વાદળોએ ધડબડાટી બોલાવી બધે પાણી પાણી ફરી મૂક્યું. કુદરત ધારે તો શું ના કરી શકે ? કેટલું બદલાઈ ગયું............... ?

‘કેટલું...... જલદી બધું બદલાઈ ગયું ?’ આ કાળી રાતે તેને તેનું બાળપણ યાદ આવી ગયું. પાલેજના પેલા નાનકડા ઘરમાં પહોચી જઈ ભૂતકાળના દિવસો યાદ આવ્યા......

રે “મનિયા”, જરા સમજ, હવે ભણતરનો જમાનો આવશે !, તું વાડીએ આવીશ નહીં ! બધુ થઈ રે'શે..એ..તો ! આ મારી સાઈકલની વાંહે બેસારીને તને સ્કૂલે મૂકતો જઈશ.. અને સાંજે હું વાડીએથી પાછો આવીશ ને ત્યારે તને ઘેર પણ લેતો આવીશ.

“પાલેજ,ના ગામનો દોઢસો વીઘા જમીનનો માલિક “ગિધુભાઈ”ને ખેતી સિવાય બીજો કસબ આવડે નહીં, પણ બંજર જમીનમા સોનું પકવી જાણે ! એક દીકરો તે “મનસુખ” અને એક દીકરી નામે “માણેક”. અને કુટુંબના મોભી સમાન મોટાભાઇ “ડાહ્યાલાલ” અને તેમનો પરિવાર. કળયુગ હજુ પગલાં માડતો હતો, તેવા સમયે જમીનના ભાગલા પાડવાનો કુવિચાર હજુ બંનેમાંથી કોઈ ભાઈ ને આવ્યો નહતો.

"ગિધુભાઈ"એ એક દી “મનસુખ”ને વાડીએ સિરામણ કરતાં પૂછ્યું બોલ “મનસુખ... ભણવું છે ને ?.. જો હા પાડે તો હું તને લૂગડાંની નવી જોડ સિવડાવી દઇશ ! અને મનસુખ ભણવા તૈયાર થઈ ગયો, એ વખતે પાલેજની વાડીમાં મજૂરીની બોલીમાં બપોર-રાતના રોટલા,દિવાળીએ અમુક પૈસા અને ત્રણ જોડી લૂગડાં, એકજોડી ગામના મોચીના બનાવેલા જૂતાં અને જીપ કંપનીની મોટી ટોર્ચ લઈ દેવાની ! તેમાં સન્ધુય સુખ ! અને અંહી “ગિધુભાઈ”નો, “મનસુખ” સાથેનો સોદો માત્ર એક જોડી લૂગડાંનો હતો ! અને તેટલામાં મનસુખ ભણવા જવા માન્યો, એટલે ગિધુભાઈ રાજીના રેડ થયેલા જાણે ઇડરિયો જીત્યા  !

તે વધુ વિચારતો હતો ને તેનું મન તેના છેલ્લા પાચ વર્ષના ગાળામાં થયેલી ઊથલ પાથલની યાદમાં સરી પડતાં, યાદ આવ્યું તે વખતે મિશેનરી શાળાએ તે પાંચમા ધોરણમાં ભણતો અને દર વરસે વર્ગમાં નંબર લાવી હોશિયાર ગણાતા ગિધુભાઈ ના દીકરા મનસુખને જોઈ કોઈ એમ ન ધારે કે પાંચ વર્ષ પછી એ આ રેલવેની ઉજજડ કેબીનમાં આવી પડશે. તેનું ભવિષ્ય ઊજળું હતું એમ લોકો કહેતા અને મનસુખ પોતે પણ એમ માનતો. શા માટે ન માને ? ગિધુભાઈ જેવા અડીખમ બાપ જ્યાં સુધી જીવતાજાગતા બેઠા હોય ત્યાં સુધી તેમનો દીકરો શા માટે સ્વપ્નાં ન સેવે ? તેના અભ્યાસની કારકિર્દી ઊજળી હતી; તેના બાપ પૈસાદાર ગણાતા હતાં. ઉપરાંત…. ઉપરાંત.. “મનસુખ”ની આંખો સામે તેના મનમાં જીવની પેઠે જડાઈ ગયેલો એક પ્રસંગ તરવરી રહ્યો..

ત્યારે પોતાની ઉંમર બહુ મોટી નહોતી. હજી તો ગુજરાતી નિશાળમાં જ ભણતો હતો. તે દિવસે ચાર-પાંચ ગોઠિયાઓ સાથે રખડવા નીકળી પડ્યો હતો. રસ્તામાં એક આંબા-વાડીએ, આંબા ઉપર લાગેલા પીળા પાકટ, સાલ પડેલી કેરીઓ ના ઝૂમખા જોયા. વળી તે ખાસ ઊંચે પણ નહોતાં. પથરા મારીને સહેલાઈથી પાડી શકાય. કોઈનું પણ મન લોભાઈ જાય એવી વાત હતી અને બધા પાછા રખડવા નીકળેલા. જે થાય તે ખરી. પકડાઈ જશું તો બે તમાચા ખાઈ લેશું, એવો વિચાર કરી બધા વાડ કુદાવીને અંદર ગયા.

હજી તો પથરા મારવાની શરૂઆત જ કરી હતી ને, તોફીની ટોળીએ દસ-બાર કેરીઓ તોડી, ત્યાં તો કશેકથી એક રખેવાળ ફૂટી નીકળ્યો. તેણે આવીને માલિકના રુઆબથી બધાને ધમકાવવા માંડ્યાં. છોકરાઓ પહેલાં તો તેને જોઈ સ્તબ્ધ થઈ ગયા, પણ પછી ખિજાઈ ગયા. તેમણે તે રાખેવાળની સામે દાંતીયાં કર્યા અને રાડારાડ કરી મૂકી, પણ તે પણ ગંજયો જાય તેમ ન હતો, મોટા હાકોટા સાથે ડાંગ લઈ ને ધસી આવ્યો, અને અડફેટમાં રણછોડભાઈ નો દીકરો જીવણ તે વાડી ના કૂવામાં પડ્યો, અને જીવલાની રાડું પોતાથી ન જોવાઇ. પોતે કૂવામાં શેઢેથી દોરડું લઈ પડ્યો અને “જીવણ”ને અને દોરડાને મજબૂત પકડી રાખ્યું.....

એટલામાં એક છોકરો ગામમાથી “જીવલા”ના બાપા “રણછોડભાઇ”ને પકડી લાવ્યો, અને જ્યારે તેની બહેન “માણેક” ત્યાં ભાળ લેવા આવી ત્યાસુધીમાં બીજા બધા છોકરા વાડ ઠેકી,ડરીને ભાગી ગયા હતા. પોતે કૂવામાં “જીવણ”ના વજનથી થાકી ગયો હતો કે વધારે ખેંચાય એમ નહોતું. છતાં મન કાઠુ કરી ત્યાં જ રહ્યો, તેણે અવાજ સાંભર્યો કોણ છે ? “હરામખોર! મારા “જીવણ”ને કૂવામાં ધકેલનારો ? ક્યાં ગયા બીજા બધા ?” દોરડું ખેંચી બંનેને બહાર કાઢ્યા, ”જીવણ”ના બાપને વાડીના રખેવાળે મનસુખ તરફ ઈશારો કરતાં કહ્યું કે, ભા... આ છોકરાએ તમારા “જીવણ”ને પકડી ડૂબતા બચાવ્યો છે અને નવું જીવન આપ્યું છે.

“એમ! શાબાશ.” “જીવણ”ના બાપે કહ્યું અને થોડી વાર તેની સામે તાકી રહ્યા. પછી પૂછ્યું : “અલ્યા, કોનો છોકરો છે ?”

ગિધુ-પટેલનો.” પોતે કહ્યું.

અને વીજળી પડી હોય તેમ “જીવણ”નો બાપ સ્તબ્ધ થઈ ગયો, “જીવણ”ને કૂવાના પાણી માં ભીનો થયેલો જોઈ તેની નાની બહેન “માણેક” તરત બે હાથમાં તેનું મોં છુપાવી દોડી ગઈ. પછી “જીવણ”ના બાપે કહ્યું : “ઓહો, ચાલ “મનસુખ” તું મારે ખોરડે,આવશે ને ?”

કેમ ?”

“કાંઈ નહિ, ચાલ તો ખરો, જરા ચા-બા પીને જજે. “ગિધુભાઈ” અને મારે સારી દોસ્તી છે,’ કહી પોતાને ઘરમાં લઈ જઈ ચા નાસ્તો કરાવીને થોડાંક પાકાં ચીકુ અને કેરી બંધાવીને ઘેર મોકલ્યો.

ઘેર આવીને ભાઈબંધોને પોતે આ વાત કરી,અને “રણછોડભાઇ”એ આપેલા પાકા ચીકુ બધાએ ખાધા. : અને મનસુખના વખાણ કરી બોલ્યા “શાબાશ, તું હવે ખરો ભાઈ છે !’

“એટલે ?” પોતાને કશી સમજ પડી નહિ. “એટલે શું ?” પેલાએ હસતાં હસતાં કહ્યું: “તું તારી બેનના ભાવિ સાસરે ચા પી આવ્યો. હવે “જીવણ” તારો…’વધારે સ્પષ્ટતા કરવાની જરૂર નહોતી. પોતે શરમાઈને દોડી ઘેર ગયો.

“રણછોડભાઈ”ને તો શું ગુમાવવાનું હતું ?, “ગિધુકાકા” જેવો વેવાઈ આખા પાલેજમાં નહતો અને તેમની છોડી જો મોટો કરિયાવર લઈ વહુ બની આવે તો પછી તેનાથી ક્યાં કોઈ બીજી મોટી વાત હતી. રંછોડભાઈ એ ત્યાર પછી “જીવણ”નું ગિધુભાઈ ની છોરી “માણેક” સાથે સગપણ નક્કી કરી દીધુ.

આ પ્રસંગ યાદ આવતાં “મનસુખ”નો ચહેરો અત્યારે પણ હસી ઊઠ્યો. તેને યાદ આવ્યું. પછી કેટલાં વરસ સુધી અવારનવાર જીવણ ને ત્યાંથી ચીકુ, દાડમ, કેરીની ટોપલીઓ આવ્યા કરતી. બધુ સારું લાગતું તે દિવસની યાદ તો એથી પણ મીઠી લાગતી. કેટલી સુંદર જોડી હતી “જીવણ” અને “માણેક”ની …

ટ્રિંગ ટ્રિંગ… કેબીનની નીરવ શાંતિને ચીરતી ટેલિફોનની ઘંટડી વાગી અને મનસુખ પોતાની વિચારતંદ્રામાંથી ઝબકી ઊઠ્યો.

ટ્રિંગ ટ્રિંગ… ટ્રિંગ ટ્રિંગ… ફરીથી ઘંટડી વાગી. તેણે રિસીવર ઉપર સુરતના સ્ટેશન માસ્તરનો ફોન હતો.

“એલાવ, એલાવ… વોટ ? ફોર અપ લેફ્ટ ? ફ્રન્ટિયર લેફ્ટ. ઓલ રાઈટ, ઓલ રાઈટ… યસ, ઓલ ક્લિયર, ઓલ ઓ.કે.’ તેણે રિસીવર મૂકી દીધું.

ફ્રન્ટિયર મેલ સુરતથી નીકળી ચૂક્યો હતો. હવે દોઢ કલાક માં આવી પહોંચવો જોઈએ. ફ્રન્ટિયર મેલ… તે વિચારી રહ્યો

એમ તો રોજ અહીંથી ફ્રન્ટિયર મેલ પસાર થતો હતો, પણ આજે. આજે એમાં “લખી”ના વરની જાન પસાર થવાની હતી.

“લખી” નો વર! તેનું મગજ કામ નહોતું કરતું… “ગિધુભાઈ” અચાનક મૃત્યુ પામ્યા ત્યારે જ બધાને ખબર પડી કે, “ગિધુભાઈ”ને તારાજ કરવામાં તેમના મોટાભાઇ “ડાહ્યાલાલે” કોઈ કસર છોડી ન હતી . “ડાહ્યાલાલે” જમીન માથી ભાગ લખવી લીધો હતો, આમ “ગિધુભાઈ” મનસુખ અને માણેક સાટું એકેય પૈસો નહોતો મૂકી ગયા. ઊલટાનું “ડાહ્યાલાલે” ઉપાડ બતાવી સારું એવું દેવું “મનસુખને” માથે ઠોકી બેસાડેલું, આમ “મનસુખે” શાળા છોડી દેવી પડી અને નાની ઉમરે આવી રેલ્વેની નીરસ નોકરી લઈ લેવી પડી. પણ એનું તેને એટલું બધું દુઃખ નહોતું. એને ખરું તો સાલતું હતું “જીવણ”ના બાપ રણછોડભાઇ કરેલું તેનું અપમાન.

“જીવણ”નો બાપ “રણછોડ”ભાઇ લોભી હતો. સારું ઘર અને પૈસો જોઈને એણે પોતાના દીકરા “જીવણ”ની સગાઈ ગિધુભાઈની દીકરી “માણેક” સાથે કરી હતી. પણ “ગિધુભાઈ” મૃત્યુ પામ્યા અને કંઈ ખાસ પૈસો ન મૂકી ગયા એટલે એણે સગાઈ તોડવાના પ્રયત્નો કરવા માંડ્યા. પોતાની ન્યાતમાં ખાસ કારણ વિના સગાઈ તોડવાની રિવાજ નહોતો; પણ લાગવગ અને પૈસા આગળ એનું શું ચાલે ? એના અને બીજા થોડાક મોભીના પ્રબળ વિરોધ છતાં સગાઈ તૂટી. એક વાર સગાઈ તૂટ્યા પછી જીવણના બાપે ઢીલ ન કરી, તેણે તરત જ એક બહારગામની પણ પૈસાદાર વેવાઈની દીકરી શોધી અને જીવલના પંદર દિવસમાં જ લગ્ન કરવી લીધાં... ગામમાં નાલેશીનો તાપ અને ઉપરથી ઘરમાં નાણાંનો અભાવ, બેવડા મારથી હરેલી “માણેકે” એક રાતે કૂવો પૂરીને આત્મહત્યા કરી ત્યારે એકલો પડેલો “મનસુખ” ખૂબ રડેલો, પણ સમય બળવાન, કોઈ તેને પડખે હતું નહીં.

હજુ કાલેજ મનસુખના મિત્ર નો કાગળ આવેલો અનેતેને જણાવ્યુ કે જીવણની બેન લખીના લગન ત્રણ દિવસમાં છે અને તેની જાન આજે મુંબઈથી ફ્રન્ટિયર મેલમાં આવવાની હતી.

ફ્રન્ટિયર મેલ અને “લખી”નો વર..! “મનસુખ” ક્યાંય સુધી એના એ જ વિચારો કરતો બેસી રહ્યો. જો તેના બાપા ગિધુભાઇ મૃત્યુ ના પામ્યા હોત તો આજે તેની બહેન “માણેક” પણ જીવતી હોત.”જીવણ” તેનો સાળો હોત.”માણેક” ! કેટલી ભોળી, સુંદર અને મીઠી લાગણીવારી, માણેક, તેની વહાલી બેન હતી, પણ હવે તે તો ભગવાનને પ્યારી થઈ ! 

મનસુખને પોતાના મન પર ચીડ પડી. એક વસ્તુ બની ગયા પછી એને સંભાર્યા કરવાથી શો ફાયદો ? માણેક હવે માટીમાં મળી ગઈ હતી, છતાં શા માટે તેને સંભાર્યા કરવી ? પ્રભુની મરજી સામે ખોટું દુખ ! તેણે પોતાના મન સાથે દલીલ કરી.

પણ ના, તેને લાગ્યું, એ પારકું અને ખોટું દુખ નહોતું ;. “માણેક,ની જીવણ સાથે સગાઈ સાત વર્ષ સુધી ટકી હતી. સાત- સાત વર્ષો સુધી જેને જમાઈ માન્યો હોય,તે ઘડીકમાં છેડો ફાડી ને બીજે પરણે, એ કેમ સહન થાય ? તેને જીવણ, તેના બાપ અને બહેન લખી ઉપર પર ચીડ ચડી, “લખી”ને પરણવા આવનાર મુરતિયા પર ચીડ ચડી. તેને આખા જગત પર ચીડ ચડી. જાન લઈ આવતા ફ્રન્ટિયર મેલ પર પણ ચીડ ચડી. તેનું રોમરોમ ગરમીથી ધખી રહ્યું અને કોઈ પણ ઉપાયે લગ્ન અટકાવી વેર લેવાને તલસી રહ્યું.

આકાશમાં ભયંકર ગડગડાટ થયો. હમણો જરા શાંત પડેલો વરસાદ ફરી પાછો જોરમાં શરૂ થયો. એક વીજળી ચમકી અને ગગનને ચીરતી સીધી ધરતીમાં સમાઈ ગઈ. કેબીનની બારી પાસે બેઠેલા મનસુખની સામે જડેલો પાટા બદલવાનો લોખંડનો હાથો વીજળીના પ્રકાશમાં ઝબકી ઊઠ્યો.

સાથોસાથ મનસુખના મગજમાં વિચાર ઝબકી ઊઠ્યો : જાનને પાલેજ પહોંચવા જ ન દઉં તો ?

તેના સામે જ લૂપ લાઈન બદલી કરવાનો લોખંડનો હાથો તરી રહ્યો હતો. જે તેના હાથવગો હતો, પૂરાં એક હાથનું પણ અંતર નહોતું. અને જરાક જોર કરીને પોતાની પાસે ખેંચી લે તો દક્ષિણ બાજુથી મુંબઈથી આવતો ફ્રન્ટિયર મેલ સીધો ગોલ્ડન બ્રિજ તરફ જવાને બદલે લૂપ લાઈન પર ડાઇવર્ટ થઈ જાય. ફ્રન્ટિયરનો વેગ આવી જગ્યાએ ચાળીસ-પચાસ નો હોય. ડ્રાઈવર ટ્રેનને રોકી શકે એ તો મુશ્કેલ હતું. અને પછી તો સામે ‘ડેડ એન્ડ’ હતો. જાન શી રીતે પાલેજ પહોંચવાની હતી ? પાલેજ પહોંચતા પહેલાં તો ઈશ્વરના દરબારમાં… જો.. જે, હો...જેવુ “જીવણીઆ” તે, મારી બેનનું જીવતર બગડયું તેવું તારી બેન “લખી” નું.....

દક્ષિણ બાજુના ક્ષિતિજ પર એક દીવો દેખાયો : ફ્રન્ટિયર મેલ. મનસુખે પોતાના કપાળ ઉપર હાથ મૂક્યો. તપાવેલી ભઠ્ઠીની જેમ એ ધીખી રહ્યું હતું. આવા વિચારો શાથી આવતા હશે ? પણ શા માટે ન આવે ? જગતે તેના પર વેર લીધું તો પોતે શા માટે જગત પર વેર ન લે ? તેણે ઊઠીને લૂપ લાઈન બદલી કરવાના લોખંડના હાથા પર પોતાનો હાથ મૂક્યો.

દક્ષિણ બાજુએ દેખાયેલો દીવો નજીક ને નજીક આવી રહ્યો હતો. “મનસુખ”નો હાથ અચકાઈ રહ્યો હતો… દીવો મોટો ને મોટો થતો જતો હતો. પણ આજે જરાક ધીમો હતો. “મનસુખ” વિચારી રહ્યો હતો : એમાં “લખી”નો વર હશે. લગ્નના ઉમંગમાં બધાં મસ્ત હશે… વેરથી સળગી ઊઠેલા “મનસુખ”નું મન ‘વેર, વેર’નો પોકાર પાડી રહ્યું…. આખરે એ દીવો જ્યાંથી લૂપ લાઈન છૂટી પડતી હતી ત્યાં આગળ આવી પહોંચ્યો. “મનસુખે” પોતાનામાં હતું તેટલું જોર કરી, તેણે હાથાને પોતાના તરફ ખેંચ્યો. દીવો લૂપ લાઈન પર વળી ગયો હતો, તીર કમાનથી છૂટી ગયું હતું ! “મનસુખ” પરસેવો લૂછતો કેબીનમાં પડેલા સ્ટૂલ પર બેસી પડ્યો.

આકાશમાં વીજળીનો એક ચમકારો થયો અને એક ભીષણ પરિતાપ તેના હૈયાસોંસરો નીકળી જતો હતો. તેને હવે પોતે શું કર્યું હતું તેને ખ્યાલ આવ્યો. ફ્રન્ટિયર લૂપ લાઈન પર વળી ગયો હતો. તેને થયું, હમણાં ધડાકો થશે અને આખી ટ્રેનના ભુક્કા બોલી જશે. પોતાનું તો જે થવાનું હશે તે થશે, પણ ફ્રન્ટિયરમાં પાલેજ જઈ રહેલી પેલી જાનમાંથી તો એકે માણસ જીવતો નહિ રહે. તેના મગજને જરા શાંતિ વળી. પણ તરત એને ખ્યાલ આવ્યો : જાન તો મરશે, પણ સાથે બીજા કેટલાં માણસો મરી જશે. કેટલાય માણસો ઊંઘમાં પડ્યા હશે અને એક ક્ષણમાં કેટલાય અનાથ બનશે કેટલીય માતા, પત્નીઓ અને પુત્રપુત્રીઓનાં રૂદનથી આખો મલક કાલે ગાજી ઊઠશે. મનસુખનો આત્મા ‘ખૂન ખૂન’ પોકારી ઊઠ્યો. સાચે જ તે ખૂની હતો – એથીય વધારે ગુનેગાર હતો. એક માનવીને પાલેજ જતો રોકવા એણે અનેકને રડાવ્યાં હતાં. અને એય શા કામનું ? એક મુરતિયો મૃત્યુ પામે તોય “લખી”નો બાપ” લખી”ને બીજા કોઈ પૈસાદારને શોધી પરણાવશે. તો પછી આટલા બધા માનવીનો સંહાર શા કામનો ? “મનસુખ”ને લાગ્યું, પોતે માનવી મટીને હેવાન બની ગયો છે – કશા પણ કારણ વિના નિર્દોશોને સંહારનાર દૈત્ય. તેને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો : “ખૂની છુ તું, ખૂની ’ તેનો આત્મા પોકારી રહ્યો હતો.

નીચ! હીંચકારા ! હલકટ, નરાધમ, ,,રાક્ષસ..” તેનું મન તેને ફિટકારી રહ્યું હતું.કેટલો સમય વિત્યો તેની ખબર ના રહી, મનસુખ ને જીવન માં હવે રસ ના હતો. લમણે હાથ દઈ, સજાના ભયમાં સંકોરાઈ કેબીનમાં લપાયેલો હતો. કેબીનની બારીમાંથી બહાર નજર પડતાં એક આછા દીવા કેટલાક ઓછાયા ગોલ્ડન બ્રિજ ઉપર ડોકતા હતા.હવે વરસાદ થમી ગયો હતો, ગગડાટ ઓછો થતો થતો શમી ગયો. વહેતા વરસાદના નીર સિવાય ફરી પાછી નીરવ શાંતિ પથરાઈ રહી હતી. મનસુખ માથું પકડી હવે શું કરીશ, એવા વિચારે કેબીનમાં ખોડાયેલો હતો, અને તેના જીવનની નબળી પળમાં તે શું કરી બેઠો તેની તેને સમજ ન પડી.

એટલામાં કેબીનનું બારણું ઠોકાયું. તે ગૂંચવાયેલા મગજે હાથમાં ફાનસ લઈને બહાર આવ્યો. તેના ફાનસનો પ્રકાશ સામે ઊભેલા પાણીથી નીતરતા સફેદ કપડામાં ફ્રન્ટિયર મેલ ના ગાર્ડ અને સાથે મેલ નો ચાલક હોય તેમ લાગ્યું. “વેલ ડન, યંગમેન!” ફ્રન્ટિયરના અંગ્રેજ ગાર્ડે તેની સામે હાથ ધર્યો. “મનસુખે” યંત્રવત હાથ લાંબો કરી હસ્તધૂનન કર્યું.

‘મિસ્ટર, "કંપની સરકાર" ફ્રન્ટિયર મેલ અને તેના યત્રીઓને બચાવવા માટે તારો આભાર માને છે,”.

“મનસુખ”ને કઈ ખબર પડતી નહતી ત્યાં પાછા ગાર્ડના અવાજે તેને સ્વસ્થ થવા મજબૂર કર્યો “વેરી વેલ ડન, યંગ મેન ! વેરી વેરી બ્રિલિયન્ટ વર્ક !” ફ્રન્ટિયરના અંગ્રેજ ગાર્ડે ફરીથી “મનસુખ”નાં વખાણ કર્યા. મનસુખથી એ સહેવાયું નહિ, એણે જમીન પર બેસી જઈ પોતાના બે હાથ જોડી, ફ્રન્ટિયરના અંગ્રેજ ગાર્ડેના પગમાં માથું નાખી દીધું.

જરા પણ સમય ગુમાવ્યા વગર ફ્રન્ટિયરના અંગ્રેજ ગાર્ડે “મનસુખ”ને બાવડેથી ઊભો કરતાં બોલ્યો, નો...નો.., યોર.. પ્લેસ ઇસ હિયર.. કરતાં “મનસુખ”ને પોતાની છાતીએ ચાંપી દીધો, અને જણાવ્યુ, તેણે, તેની કેબીનની નોકરી સિવાય પણ પરિસ્થિતિને આધીન રેલ્વે લાઇન ચેક કરી તે પ્રશંસનીય કામ છે, તેણે જે ગોલ્ડન બ્રિજના ત્રીજા ગાળાની રેલ્વે લાઇન ભંગાણ પડેલું જોઈ, ફ્રન્ટિયર મેલને લૂપ લાઈમમાં ડાઇવર્ટ કરવાની સમય સૂચકતા વાપરી સેકડો પ્રવાસીઓની જાન અને રેલ્વેની મિલકતને મોટા નુકસાનમાંથી બચાવી, તે બહાદુરીનું કામ કરેલ છે. ફ્રન્ટિયર મેલ ના અંગ્રેજ ગાર્ડે રેલ્વે તરફથી તેનો આભાર માની અને બિરદાવયો.

બીજા દિવસે સવારે સુપ્રિટેન્ડેન્ટ સાહેબના ઓર્ડરથી “મનસુખ” ને પ્રમોશન મળ્યું,અને જ્યારે તે તેના ગામ પાલેજ પહોચે તે પહેલા તેની યશ -ગાથા પાલેજ પહોંચી ગઈ હતી, પણ ત્યાં એક બીજી અણધારી બનવાની ઘટના આકાર લઈ ચૂકી હતી.

હકીકતમાં ફ્રન્ટિયર મેલમાં મુંબઈથી “લખી”ના સાસરેથી કોઈ જાન લઈને આવ્યું નહતું, આવ્યા હતા માત્ર રણ છોડભાઈના વેવાઈ એ મોકલેલ ગોરમહારાજ. ગોરમહારાજે પાલેજ પહોંચીને “રણછોડભાઇ”ને “શુકનનો રૂપિયો” પરત કરતાં કહ્યું, કે વેવાઈએ કહેવડાયું છે કે, તમારી દીકરીના કરિયાવરની રકમ મંજૂર ના હોવાથી અમો તમારી દીકરી “લખી”ને અમે પુત્રવધૂ તરીકે અપનાવી નહીં શકીએ.

રણછોડભાઈ એ કોઈ છેડો ઢીલો રાખ્યા વગર, મનસુખના મોટાબાપા “ડાહ્યાલાલ”ને સાધી પાલેજ સ્ટેશને “મનસુખ”ને જમાઈ તરીકે પોંખી ભૂતકાળમાં કરેલી “ભૂલનું સાટુ” વાળવા બેન્ડ વાજા સહિત મનસુખ નું સામૈયું કરવા માટે રાહ જોતા હતાં ત્યારે “મનસુખ” પોતાના અચાનક ઉઘડેલા ભાગ્યથી આનંદ પામવાને બદલે મનોમન “માણેક”ને યાદ કરી ને વ્યથિત થતો હતો. અને જ્યારે તેની ટ્રૉલી પાલેજ પહોંચી ત્યારે “રણછોડભાઇ”એ તેને આજીજી ભરી અરજ કરી કે, જેમ તે મારા “જીવણ”ને મોતથી બચાવીને નવું જીવન આપેલું, તેવી જ રીતે હવે તું મારી દીકરી “લખી” ને સ્વીકારી તેનું પણ જીવન ઉજાગર કર.


Rate this content
Log in

Similar gujarati story from Drama