સાથ જન્મો જન્મનો
સાથ જન્મો જન્મનો
રોહન અને રશ્મિ નાનપણથી સાથેને સાથે જ રહેલા. બાજુબાજુમાં તો રહેતા હતા. એક જ નિશાળમાં તથા બંને મેડિકલ કોલેજમાં પણ સાથે ને સાથે જ હતાં. પરંતુ એક નાની વાતમાં બંને ઘરો વચ્ચે મનદુ:ખ થઈ ગયું. ત્યારબાદ બંને જણા સમજી ચૂક્યા હતાં કે હવે બંનેમાંથી કોઈના ય માબાપ લગ્ન માટે કયારેય સંમત્તિ નહીં આપે છતાંય બંને જણાએ ઘેર વાત કરી પરંતુ એમની ધારણા મુજબ ઘરના યે સખત વિરોધ કર્યો.
આખરે રોહને જ કહ્યું,"રશ્મિ, આજે મેડિકલનું છેલ્લું પેપર અને છેલ્લું વર્ષ છે. માટે પરિક્ષા પછી તરત લગ્ન કરી લઈએ. "
આખરે બંને જણાં એ હિંદુ વિધી મુજબ સમાજની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા. જયારે માસ્ટર ડીગ્રી ચાલુ કરી ત્યારે બંનેને સ્ટાઈપન મળતું હતું. એમાં એમનું પુરૂ થઈ જતું હતું કારણ બંનેના માબાપનો સખ્ત વિરોધ હતો.
એમની ધારણા હતી કે થોડા સમયમાં માબાપ બોલાવી લેશે. પણ વિરોધ તીવ્ર બનતો ગયો. અને એક દિવસ બંને જણા અમેરિકા જતા રહ્યા.
પારકા દેશમાં કોઈને કોઈની અંગત જિંદગીમાં રસ ન હતો. ડૉકટર તરીકે ત્યાં એમનું નામ મોટું હતું અને પૈસાની સાથે સાથે નામ પણ કમાઈ લીધું હતુંં. હોસ્પિટલમાંથી આવ્યાબાદ બંને એકબીજામાં ખોવાઈ જતાં. એમના વિષે લોકો કહેતાં,"મેઈડ ફોર ઈચ અધર"
ત્યારે રશ્મિ કહેતી કે,"જેમ સીતાજીએ રામને કહેલું કે, "જન્મો જન્મ તમે જ મને પતિ તરીકે પ્રાપ્ત થાવ" આ વાક્ય બોલતાં રશ્મિના મોં પર પરમ સંતોષની લાગણી ઉભરઈ આવતી હતી. અને રોહનના મોં પર પણ સુખી દાંમ્પત્ય જીવન ભોગવ્યાનો પરમ સંતોષ હતો.

