સાફસૂફી દિવાળીની
સાફસૂફી દિવાળીની
“અરે માળિયા પરથી પેલો ‘બંબો’ ઉતાર”.
જો ખૂણામાં બધા ચારણાની થપ્પી પડી છે.’
પેલા બે મોટા તપેલા અને બે થાળ નીચે લાવ એટલે ઘસીને પાછા ઉપર ચડાવી દેવાય’.
આ દીવાળી આવે, એટલે સહુથી સારી રીતે માળિયુ સાફ થઈ જાય. હવે આજના જમાનાના નવા ઘરોમાં છત નીચી હોવાને કારણે માળિયા અદ્રશ્ય થઈ ગયા છે તેને બદલે “સ્ટોર રૂમ” આવી ગયો છે. દિવાળી આવતા પહેલાં માળિયા પરની બધી વસ્તુઓ નીચે ઉતરે. ચોખ્ખી થાય અને પાછી યથાવત તેના સ્થળે ગોઠવાઈ જાય.
શું તમને લાગે છે, આજે કોઈ બંબો વાપરે છે? પેલા ‘ગિઝરે’ બંબાની જગ્યા પચાવી પાડી. તાંબાનો એ બંબો. આજે તો કોઈને સળગાવતા પણ નહી આવડતો હોય! ખેર જુની વાતોમાં રસ નહી પડે. આજે અનુષ્કા બોલી, ‘બા હવે આને ભંગારમાં વેચી નાખો ને. દર વર્ષે આપણી બાઈ તેને માંજીને ઉપર પાછો મૂકે છે.
સુજાતાની આંખમાં ઝળઝળિયા આવી ગયા. સુબોધના મમ્મીની આ છેલ્લી નિશાની હતી. આધુનિકતાની દોડમાં એક પછી એક બધી વસ્તુઓ ઘરમાંથી વિદાય થઈ ગઈ હતી. પોતે પરણીને આવી ત્યારે બંબામાંથી બે બાલદી ગરમ પાણી ભરીને નહાવા જતી. અંદર જઈને ઠંડા પાણીનો નળ ચાલુ કરતી જેને કારણે મન ભરીને નહાવાની મોજ માણતી. અનુષ્કાને કેવી રીતે સમજાવે. આ બંબા સાથે કેટલી પ્રિત છે.
સુજાતા કાંઈ બોલી નહી. સુબોધ તેના અંતરના ભાવ કળી ગયો હતો.
ચારણા હવે શું કરવાના. બધા લોટ તૈયાર આવે અને અનાજ દાણાવાળો સાફ કરીને આપે. સુજાતા ધીરેથી બોલી, બેટા અનુષ્કા આ ચારણા બધા કાઢી નાખીએ. આપણી ગંગાને જોઈતા હોય તો આપી દઈએ. પળનો પણ વિલંબ કર્યા વગર અનુષ્કાએ બધા ચારણા ઘરની બહાર મૂકી દીધા.
ગંગા પણ કામ અડધું મૂકીને પહેલા બધા ચારણા ઘરે મૂકવા જતી રહી. સુજાતાની આંતરડી ઠરી.
તપેલા અને થાળા, દયામણા મુખે સુજાતાને નિરખી રહ્યા. સુજાતા મનોમન મુસ્કુરાઈ, 'તમારો વિદાય સમારંભ નહી યોજું’. ભલે ઘરમાં આટલું બધું રાંધતા નથી પણ કોઈ વાર તમારી જરૂર પડે છે.
થાળા અને તપેલાનો શ્વાસ હેઠે બેઠો. અનુષ્કાને થયું, બંબાનું મહત્વતો ચાલો માન લિયા. આ મોટા વાસણ કોને ખબર ક્યારે મમ્મી વાપરશે.
જ્યારે ઘરમાં કોઈ પણ પ્રસંગ ઉજવવાનો હોય ત્યારે ખાવાનું બધું, 'બોમ્બે પેલેસ’માંથી આવે કે મંદિરનું. હવે સગવડ એટલી સરસ છે કે બધું ત્યાંથી જ આવે. સાથે બે જણા પિરસવા માટે પણ બોલાવે. ભલે પૈસા આપવા પડે પણ પોતાના કપડા, તેમજ મેક અપ અને નખની કમાલને જરા પણ આંચ ન આવે!
માળિયા પછી આવે વારો બધા કબાટનો અને રસોડાના ખાનાઓનો. એ બધું તો બાઈ રોજ સાફ કરે છતાં પણ દિવાળી વખતે ખાસ બધું ધોવાનું અને ખાનામાં નવા પ્લાસ્ટિક બિછાવવાના. અનુષ્કાને કશું કરવું ગમે નહી.
હા, ગંગા બાઈને સૂચના આપવાની મઝા આવે. સુજાતા નિરખે અને મંદ મંદ મુસ્કુરાય. અનુષ્કા હતી એવી કે ખૂબ વહાલી લાગે. પ્રેમાળ તેમજ ભણેલી ગણેલી એટલે ઘરનું કામ ન પણ કરે તો વાંધો ન આવે. સુજાતા બહેન વાકેફ હતા કે આ બધું તેને નહી ગમે.
સાંજના બધા જમવા બેઠા ત્યારે અનુષ્કાએ એક વિચાર રજૂ કર્યો. ખૂબ ચતુર હતી બધી વાતોથી અભિને વાકેફ રાખતી. તેની સંમતિની મહોર પડે પછીજ પોતાના વિચાર રજૂ કરતી. તેને ખબર હતી કે સુજાતા મમ્મી અને સુબોધ પપ્પાજીની રગે રગ અભિ ઓળખે છે.
અનુષ્કા કહે, ’મમ્મીજી આજે ઘરતો સાફ થઈ ગયું. ચાલો હવે નવું વર્ષ આવે છે તો આપણે સહુ જૂના હિસાબ કિતાબ કરીએ’.
સુજાતા ચમકી, સુબોધના કાન સરવા થયા.
‘મમ્મીજી સાંભળો તો ખરા, ગઈ દિવાળીથી આ દિવાળીને વચ્ચેના ગાળામાં મારાથી પાંચેક મોટી અને દસેક નાની ભૂલો થઈ ગઈ હતી’.
સુજાતા વચમાં ટપકી પડી. ‘બેટા એવું બધું કેવી રીતે યાદ રહે?'
‘મમ્મા, હું રોજ ડાયરી લખું છું’. મારી થયેલી ભૂલોને એક પાના પર વ્યવસ્થિત લખું છું. આજે જ્યારે દિવાળીની સાફ સફાઈ કરતા હતા, ત્યારે સુંદર વિચાર આવ્યો. “આપણે સહુ આપણા અંતરની સાફ સફાઈ કરીએ. દિલના આયના પર પડેલા મેલના ધબ્બાને લુછી નાખીએ. મનના મંદિરમાં સંઘરેલા મલિન વિચારોને તિલાંજલી આપીએ."
મમ્મા, તમને ભલે યાદ ન હોય, ‘પણ એટલું તો કરી શકાય, હે પ્રભુ! ગયા વર્ષ દરમ્યાન જો મેં ઘરમાં કે કુટુંબમાં કોઈને જાણ્યે અજાણે દુઃખ પહોંચાડ્યું હોય તો માફ કરજે. આ નવા વર્ષથી હું મારા વર્તન પ્રત્યે સજાગ રહીશ’. મા દિલ સાફ કરવામાં નાના અથવા મોટા, કોઈ ફરક પડતો નથી.
ઘરમાં તો ઠેર ઠેર દીવા કરીએ છીએ. એક 'દીવો' દિલમાં પ્રગટાવી અંતરના તિમિર હટાવીએ.
સુજાતા અને સુબોધ ગૌરવ ભેર અનુષ્કાના નિષ્કામ મુખને નિરખી રહ્યા!
જો યોગ્ય લાગે તો આપણે સહુ અનુષ્કાએ અપનાવેલ માર્ગને અનુસરીએ!
દિવાળીની ખૂબ ખૂબ વધાઈ.