નવરાત્રીના નવલા દિવસો
નવરાત્રીના નવલા દિવસો
આજ સવારથી નવરાત્રી યુવાન વયે ઉજવતા હતા તેની યાદ આવી ગઈ. દસ દિવસના ઉપવાસ કરવાના. ખાલી ફળ અને થોડો સૂકોમેવો ખાવાનો. રાત પડ્યે મન મૂકીને ગરબા અને રાસ કરવાના. પતિ દેવને ગમે કે ન ગમે ચિંતા નહી કરવાની. સાથે જરૂર આવે અને પાછળ ખૂણામાં બેસીને ઉંઘી જાય, બીજે દિવસે નોકરી કરવા જવાનું હોય..
કોને ખબર એ જમાનાનો એક ‘શેતાની ગરબો’ યાદ આવી ગયો. દરેક વહુને એમ છે કે 'બધો વાંક, મારી સાસુનો છે. હું તો ભોળી ભટાક છું ‘
તમને તો કદાચ એ ગરબાની ખબર પણ નહી હોય. તો થયું લાવો જણાવું અને હસાવું.
‘મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ.’
એક ડાળ હલાવુ ત્યારે ડાળા હલે ચાર
સૈયર મહેંદી લેશું રે.
“મારી સાસુએ એમ કહ્યું કે વાસીદુ વાળી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ
સાસુની સાવરણી બાળી મેલ.’
જુઓ સાસુની આવી મજા ઉડાવવાની. મજા ઉડાવવા ખાતર વાંધો નથી, પણ મન મેલું ન જોઈએ! ખૂબ તાળીઓ પાડીને આવા ગરબા ગાતા.
વચ્ચેનું બધું યાદ નથી પણ છેલ્લી કડીએ તો માઝા મૂકી હતી.
"મારી સાસુએ એમ કહ્યું કે ગોખ માં દીવો મેલ”
ગોખનો અર્થ કદાચ ખબર ન હોય તો ભિંત માં ચોરસ ગાબડું હોય. તેને ગોખ કહેવાય. ઘણાના જૂના ઘરોમાં આજે કદાચ ભગવાનની મૂર્તિ મૂકેલી જોવા મળશે.
હવે પહેલી પંક્તિ પછીની બીજી પંક્તિ બરાબર સાંભળજો.
"મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ સાસુની સોડમાં દીવો મેલ”
“ગોખ બળે સોડ બળે બળે ચૌટા ચાર
મેં ભોળીએ એમ જાણ્યું કે આમ દિવાળી થાય સાસુની આમ દિવાળી થાય”.
હું, રહી ભોળી મને શું ખબર પડે? આમ ગરબા ગાતા નાચવાની મઝા પડતી.
‘સાસુ’ નામનું પ્રાણી આપણા સમાજમાં બદનામ છે. આજે થાય છે કે “સાસુ એટલે પતિની મા”. એ કઈ રીતે ખરાબ હોઈ શકે? આ તો આપણા સમાજમાં ચાલી આવતો ધારો છે. બાળકી નાની હોય ત્યારથી, "આમ નહી કરવાનું. મોટી થઈશ ત્યારે સાસરે જવાનું છે. સાસરીમાં સાસુ હોય, જેઠાણી હોય, નણંદ હોય”!
‘જાણે સાસરું એટલે કારાગાર ન હોય’?
આ તો માત્ર મઝાક ખાતર લખ્યું છે. ૨૧મી સદીમાં વિચાર શૈલી ખૂબ બદલાઈ ગઈ છે. દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે. માનવ ચાંદ પર જઈને પાછો આવી ગયો. એકબીજાને સમજવાનું સરળ બનતું ગયું છે. જૂના રૂઢિચુસ્ત વિચારોને તિલાંજલી આપી છે.
ચાલો નવરાત્રાની મોજ માણીએ. સહુથી પહેલો ગરબો "નડો ના" ગાઈને શુભ શરૂઆત કરીએ.