૨૦૧૮ –ભાદરવા સુદ પૂનમ
૨૦૧૮ –ભાદરવા સુદ પૂનમ
ભાદરવા માસની પૂનમથી અમાસ સુધી શ્રાધ્ધના દિવસો છે.
શ્રધ્ધાથી વિરહીજનોની યાદમાં ફૂલ સમર્પિત.
તેમની યાદ સદા પ્રેરણાનો સ્રોત બની જીવનમાં વહેતો રહે.
પ્રણામ
આમ તો વિરહીજનોની યાદ સતત આવતી હોય છે. તેમના વિયોગથી ખાલી પડેલી જગ્યા ક્યારેય પણ પૂરાશે તેવી ખોટી આશા રાખવી નકામી છે. હા, એ યાદ સાથે જીવન જીવવાની કળા વરી છે. કહેવાય છે ૮૪ લાખ જન્મના ફેરા ફર્યા પછી આ પાવન મનુષ્ય અવતાર મળે છે. એમાં સત્ય કેટલું છે, તેનો અંદાઝ નથી.
કિંતુ માનવ દેહ મળ્યો છે, તેને ‘એળે કેમ જવા દેવાય’?
પેલું ભજન જ્યારે સહુ ગાય ત્યારે મ્હોં પર સ્મિતની લહેરખી પ્રસરી જાય.
'યદિ માનવકા મુઝે જન્મ મિલે તો તવ ચરણોંકા પૂજારી બનું ‘.
એમને કહેવામાં આવે કે, ‘શું આ જન્મ માનવનો નથી? ‘
‘પૂજારી બનવા શેની રાહ જુઓ છો?'
‘પસંદ અપની અપની, ખયાલ અપના અપના’ , જેવી વાત છે.
અમરત્વ લઈને કોઈ આવ્યું નથી. ભલેને અમેરિકાનું નાગરિકત્વ પામ્યા! અંતે તો બોડિયા બિસ્તરા લઈને, માફ કરશો ખાલી હાથે વિદાય થવાનું છે. આજે આપણે ‘શ્રદ્ધા પૂર્વક’ સ્નેહીજનોને યાદ કરી તેમના અર્પેલા પ્રેમ સાગરમાં હિલોળા ખાઈએ છીએ. આવતીકાલે આપણે પણ વિદાય થઈશું.
જન્મ આપનાર માતા અને પિતા કોને ખબર ક્યાં હશે? એ પ્રિતમ, જે તેના પિતા અને માતાનો દુલારો દીકરો હતો, ક્યાં છે? જુવાનીમાં પ્રેમે નવાજી, દિલના દ્વાર ખટખટાવ્યા હતા. જેણે આ સુંદર સંસારને કિલકિલાટ ભર્યું બનાવ્યું હતું, એ પ્રિતમ ક્યાં છે? જેના આગમનથી દિલ ધડકતું હતું. જેની નિશાનીઓ ચારે કોર ફેલાઈ સંસાર રૂપી બાગને મગમઘતો બનાવી રહી છે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે?
નથી કોઈ ઉત્તર! આ પ્રશ્ન હમેશા અનઉત્તર રહેવાનો!
હવે ઉત્તર પામવાની ખેવના પણ રહી નથી. બસ આજના આ દિવસોમાં તેમની યાદોની ડોળી સજાવી, તેમના અધુરા રહેલા સ્વપનોને પૂરા કરવાની તમન્ના છે. આંખો મિંચાય ત્યારે તેમની જો મુલાકાત થાય તો સ્મિત ફરકાવી આનંદ વ્યક્ત કરી શકાય.
જરૂરતમંદોને વિદ્યા, અન્ન, કે વસ્ત્ર દ્વારા સહાયક બનવાની કોશિશ કરવાની ઉંડે ઉંડે અભિલાષા સેવી છે. ત્રણ શબ્દોમાં ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના સતત દિલમાં ચિનગારી બની જલે છે.
બચપનથી ગુરૂ નાનકની એક વાત હ્રદયને સ્પર્શી ગઈ હતી. ગંગાજીમાં ગુરૂ નાનકજી બે હાથે પાણી ઉલેચી રહ્યા હતા, શ્રાદ્ધના દિવસો હતા. એક કાશીના પંડિતને આશ્ચર્ય થયું.
‘ આપ શું કરો છો?'
‘મારા ખેતરોમાં પાણી પહોંચાડું છું’ .
‘અરે, ખેતરોમાં આમ પાણી પહોંચે. કૂવો ખોદો પછી નહેર બાંધી તેમાં પાણી રેડો તો પહોંચે;.
‘ એમ, તો પછી શ્રાદ્ધના દિવસોમાં અંહી રહ્યે તમે તમારા પૂર્વજોને રોટલા, લાડવા અને મિષ્ટાન્ન કેવી રીતે પહોંચાડો છો?’
કાશીનો પંડિત છોભિલો પડી ગયો.
મારા પ્રિયજનોને યાદ અને લખલૂટ પ્યાર.
હવે શ્રાદ્ધના દિવસોમાં શું કરવું તે વાચકો વિચારે.