કેરિયર અને પરિવાર
કેરિયર અને પરિવાર
તારી મા મારી ?
બસ આજે તો મમ્મીને પ્રેમથી કહેવું પડશે, ”મમ્મીજી આપની રજા લઈને નોકરી ચાલુ કરી હતી. હવે કોઈ દિવસ પેશન્ટને ઈમરજન્સી આવે ને મને આવતા મોડું થાય તો કીટી પાર્ટીમાં થોડા મોડા જાવ તો ચાલી શકે. જુઓ આજે હેમલ કેટલું બધું રડ્યો. મમ્મા, હું હિમેશને વાત નહી કરું પણ આવી ઈમરજન્સિમાં જરા હેમલને સાચવી લેશો તો મને પણ ગમશે.”
પછી વિચાર આવ્યો જવા દે, હિરલ કદાચ મમ્મીજીને ખરાબ લાગી જાય તો ? કહીને વિચાર માંડીવાળ કર્યો. હેમલને સમજાવ્યો.
‘અરે બેટા તુ રડે છે કેમ ?’
‘મમ્મી તને ખબર છે આજે મારી હોકીની પ્રેક્ટિસનો પહેલો દિવસ છે’.
એક બે મિનિટ મોડું થયું એમાં રડવાનું’.
'રમા, ઓ રમા તેં બધું હેમલ માટે તૈયાર કરીને બેગમાં મૂક્યું છે ને ?'
'હા, ભાભી.'
“બકુ આજે આખી ગેમ પૂરી થાય ત્યાં સુધી હું બેસીશ. તને રમતો જોવાની મને મઝા આવે છે”!
ઓર્થોડેન્ટીસ્ટ, હિરલ યુનિવર્સિટીમાં પહેલી આવી ત્યારે વિચારી રહી. લગ્ન પછી સાસરેથી કામ કરવાની રજા મળશે કે નહી ? હેમેશના મમ્મી તેમજ પપ્પા આધુનિક વિચાર ધરાવતા હતા. હેમેશ પોતે પણ કેન્સર સ્પેશ્યાલિસ્ટ હતો. હિરલ સવારે ત્રણ કલાક અને સાંજે બે કલાક જતી. તેથી ઘરની જવાબદારી નિભાવવામાં વાંધો ન આવતો. આ મુંબઈનો ટ્રાફિક ઘણીવાર મોડું કરાવતો. નસિબજોગે તેનું દવાખાનું એક માઈલ દૂર હતું. હેમલની શાળા પણ ખૂબ નજીક હતી. હોંશિયાર હિરલે બધો વિચાર કરીને પપ્પા તેમજ મમ્મી પાસે એવો ચાર બેડરૂમનો ફ્લેટ લેવડાવ્યો હતો. જ્યાંથી બધું નજીક હોય.
માત્ર હેમેશને દૂર પડતું, પણ તેને જરાય વાંધો ન હતો. મમ્મી, પપ્પા, હિરલ અને સુપુત્ર બધાની ખુશીમાં તેની ખુશી સમાઈ હતી. હેમેશની બહેન અમેરિકા અને પોતે નાનો હોવાને કારણે મમ્મીનો ખૂબ લાડકો હતો. હિરલ અને હેમેશ જ્યારે પહેલી વાર મળ્યા આંખોથી આંખો ટકરાઈ અને એકબીજાને જચી ગયા. પ્યાર પૂછીને ન થાય !
થોડા વખતથી તેને લાગવા માંડ્યું મમ્મીને પોતે કામ પર જાય છે તે ગમતું નથી. મમ્મીને ક્લબ તેમજ કીટી પાર્ટીઓમાં વ્યસ્ત રહેવાનો શોખ હતો.
'મમ્મી આજે એક ઈમરજન્સી કેસ આવ્યો છે મને સાંજના આવતાં વાર લાગશે.’
રાતની બધી જવાબદારી હિરલની રહેતી. ઘરે બધા મોડા આવે એટલે જમવાનો સમય રાતના નવ પછી. મહારાજ પાસે રોજ ભાતભાતની વાનગીઓ બનાવડાવે. જરૂર પડે ત્યાં મદદ પણ કરે. આમ હિરલ પોતાના પ્રેમાળ વર્તનથી ઘરના બધાને ખુશ રાખતી. તેને ખબર હતી જો “હું બધાને ખુશ રાખીશ, તો તેઓ પણ મારી કાળજી કરશે’.
આ ‘સુખી લગ્ન જીવનનો મંત્ર ‘ આણામાં આપીને માતા તેમજ પિતાએ વળાવી હતી.
આમ તો નીતા અને નિલેશ ખૂબ પ્રેમાળ હતા. પુત્ર તેમજ પુત્રવધુને પ્યાર આપતા. “પુત્રવધુ’ જે પુત્ર કરતાં પણ વધુ છે’ ! આપણામા કહેવત છે,”મા મારે તો વાંધો નહિ, અપરમા મારે તો તે સાવકું બાળક છે! ” એ યુક્તિ પ્રમાણે માતા દીકરીને પ્રેમથી યા ધમકાવી, મારીને કહે તો વાંધો નહી.
“સાસુને કોણે પરવાનગી આપી ?" આજકાલની સાસુ જરા પણ સાસુપણું કરતી નથી છતાં, “ભારતિય સંસ્કૃતિ પ્રમાણે “સાસુ” નામનું પ્રાણી ભયંકર હોય છે.” વહુ ભૂલી જાય છે કે ,”સાસુ એના પ્રાણથી પ્યારા પતિની ‘મા’ છે “.
ખેર આપણે એવી ફાલતુ ચર્ચામાં નથી પડવું.
નીતા આધુનિક સાધન સંપન્ન સ્ત્રી, તેને પોતાની જીંદગી જીવવાની આગવી રીત હતી. હિરલને તે વાત ગમતી પણ ખરી. આ તો જરા
વખત આવે સમય સાચવી લે તેવું ઈચ્છતી. સાસુ, વહુ ખરીદીમાં નિકળે ત્યારે નીતા અચૂક હિરલના અભિપ્રાયને દાદ આપતી. હિરલ પણ પોતાના વસ્ત્રો આછકલા નથી લાગતા તે માટે નિતાની (પૂ. સાસુમાની) રાય માગતી.
ખેર વાસણ હોય તો ખખડૅ પણ ખરાં. તેથી કાંઇ ગોબો પડ્યો છે સમજી ફેંકી ન દેવાય ! આજે હિરલ બહેનપણીઓ સાથે સિનેમા જોવા ગઈ હતી. હેમેશે ખાત્રી આપી હતી કે ઘરે સમયસર આવી જશે એટલે હેમલની ચિંતા હતી નહી. હવે રસ્તામાં મોટો અકસ્માત થયો હતો. હેમલથી ચાર ગાડી આગળ. બરાબર ફસાયો હતો. હિરલ તો નિશ્ચિંત પણે સમય થયો એટલે નિકળી ગઈ હતી.
હેમલને ઘરે આવતા બે કલાક નિકળી ગયા. નીતાને બહેનપણી લેવા આવવાની હતી, તેને ના પાડવી પડી. આજે નીતાનો ગુસ્સો ગયો.
‘શા માટે હિરલે હેમેશ આવે ત્યાં સુધી રાહ ન જૉઇ ?'
નીતાને પોતાનો દિવસ બગડ્યો તે જરાય ન ગમ્યું. હવે આમાં હિરલનો શો વાંક ? હેમેશે ઘરે આવીને માતા પાસે દિલગીરી વ્યક્ત કરી.
“મમ્મા, ચાલ તને જ્યાં જવું છે ત્યાં મૂકી જાંઉ”.
‘હવે શો ફાયદો ?'
'કેમ હજુ તો બે કલાક બાકી છે.’
‘આપણને પહોંચતા કલાક નિકળી જાય આ સમયે મુંબઈનો ટ્રાફિક જોરદાર હોય’.
આમ નીતા, હેમેશ અને હેમલે સાથે સાંજ પસાર કરી. દાદીને પણ દીકરા સાથે આનંદ કરવાની મઝા આવી. પણ નમતું જોખે એ બીજા. હિરલ આવી નથી ને તેનો બધો નશો ઉતરી ગયો. નીતા એકધારું આખી સાંજ કેવી ગઈ તેના વિષેનો અહેવાલ આપી રહી.
હિરલે મૌન વ્રત ધારણ કર્યું. તેને હતું જો હમણાં હોંકારો પણ પુરાવીશ તો ‘સાસુમાનું’ છટકશે. ભણેલી ગણેલી સંસ્કારી હિરલ “મૌનં પરમ ભૂષણં’માં માનતી હતી. જ્યારે મમ્માજીનો ગુસ્સો ઠંડો થશે ત્યારે વાત કરીને પોતાના રૂમમાં જતી રહી. નીતાના એકધારા વાણીપ્રવાહને કારણે સ્તબ્ધ બની ગઈ હતી. હેમેશ ઘરમાં હતો છતાં પણ એક શબ્દ બોલ્યો ન હતો.
હેમેશ ખૂબ કુશળ પુરવાર થયો. તે જાણતો હતો ‘જો વચમાં બોલીશ તો મા અથવા વહાલી પત્ની બેમાંથી એક ગિન્નાશે !' ચૂપ રહેવાથી મામલો બિચકતા પહેલાં થાળે પડી જશે. એ બન્નેને ઓળખતો હતો. મોટે ભાગે નીતા અને હિરલ આખો દિવસ સાથે હોય. જ્યારે પ્રેમથી વાતો કરતાં હોય તો બન્ને એક પક્ષમાં ભળી જતાં.
નિલેશ અને હેમેશ જ્યારે પોતાનું સ્થાન સાચવવા મથતા હોય ત્યારે નીતા અને હિરલ તેમની ફિરકી લેતાં. બાપ બેટા સમજી ગયા હતા, ‘આ બેઉની વચમાં ન બોલવામાં જ તેમની સલામતી છે’. બીજે દિવસે જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર સવારનો નાસ્તો કરતા હતાં ત્યારે હળવેથી હેમેશ બોલ્યો, ”મમ્મી, કાલે હેમલ સાથે રમવાની મઝા આવી ગઈ. હેમલે તેની મમ્મીને એક મિનિટ માટે પણ યાદ કરી ન હતી’.
હિરલના કાન ચમક્યા. ત્રણે જણાએ જ્યારે મઝા માણી ત્યારે ‘મમ્મી શામાટે મારા પર ઉતરી પડ્યા ?'
બે દિવસ પછી ઘરામાં મહેમાન આવવાના હતાં. મમ્મી અને હિરલ ટેબલ સેટિંગ્સ ગોઠવી રહ્યા હતા, ‘મમ્મી લાવોને નવી પ્લેસમેટ્સ અને મેચિંગ નેપકિન તમે લંડનથી લાવ્યા હતાં તે.' નીતા ખુશખુશાલ થઈ ગઈ. ક્યાં મૂક્યા હતાં તેની ખબર હિરલને જ હોય !
‘જા, બેટા તુ લઈ આવ.’
હિરલ ગાલ ફુગાવતી ગઈ.
‘હા, હવે મને ખબર છે, ખોટો ગુસ્સો નહી કર. સાંભળ ‘હા, મને હેમેશ તેમજ હેમલ સાથે મઝા આવી હતી. આ તો તું મઝા કરીને આવી એટલે તને ખબર પાડવા નાટક કર્યું હતું.’
”ઓ, મમ્મી કરતી હિરલ પ્યારથી “સાસુમા’ને ભેટી પડી’.